સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક From Wikipedia, the free encyclopedia
સ્વામિનારાયણ અથવા સહજાનંદ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક તથા ઇષ્ટદેવ છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સ્વામિનારાયણ | |
---|---|
સહજાનંદ સ્વામી (સ્વામિનારાયણ ભગવાન) | |
અંગત | |
જન્મ | ઘનશ્યામ પાંડે ૩ એપ્રિલ ૧૭૮૧ |
મૃત્યુ | ૧ જૂન ૧૮૩૦ |
અંતિમ સ્થાન | ગઢડા દરબાર ગઢ |
ધર્મ | હિંદુ |
માતા-પિતા |
|
અન્ય નામો | સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, હરિકૃષ્ણ, નારાયણમુની, ન્યાલકરણ, નીલકંઠ વર્ણી, ઘનશ્યામ, સરજુદાસ |
સ્થાપક | સ્વામિનારાયણ સંપ્રદાય |
ફિલસૂફી | અક્ષરપુરુષોત્તમ દર્શન[1] |
કારકિર્દી માહિતી | |
ગુરુ | રામાનંદ સ્વામી |
પુરોગામી | રામાનંદ સ્વામી |
અનુગામી | ગુણાતીતાનંદ સ્વામી |
તેમનું મૂળ નામ ઘનશ્યામ પાંડે હતું અને તેમનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. ૧૭૯૨માં તેમણે પ્રવાસ શરુ કર્યો અને હિમાલયથી કન્યાકુમારી, જગન્નાથપુરીથી કાઠીયાવાડ ગુજરાત એમ આખા ભારતમાં પગપાળા યાત્રા કરી. ગુજરાતના લોજપુરમાં યાત્રાવિરામ કર્યો અને રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનેક ચોર-લુટારાઓનું હૃદયપરિવર્તન કરી ને તેમના હાથમાં માળા પકડાવી, અનેક લોકોને ભક્તિનો રાહ બતાવ્યો. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. આમ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાયો.
તેમણે સમાજોત્થાન, વ્યસનમુક્તિ, સ્ત્રી કલ્યાણ, જેવા સામાજિક કાર્યો પણ કર્યા છે. આજે આ સંપ્રદાયમાં લગભગ બાર લાખ લોકો જોડાયેલા છે.[2]
અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં પિતા હરિપ્રસાદ પાંડે (ધર્મદેવના નામે પણ ઓળખાય છે) અને માતા પ્રેમવતી (જે ભકિતમાતા કે મૂર્તિદેવી તરીકે પણ ઓળખાય છે)ના ઘરે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ ને સોમવાર, ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો.[3] વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે.[4] તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.[3] તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાંડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાંડે હતું.[5]
સ્વામિનારાયણ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ભણાવ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો.[6]
માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ અગિયાર વર્ષના બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નીકળી પડ્યા. વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠવર્ણીએ સાત વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા. ત્યાર બાદ તેમણે વિવિધ ક્ષેત્રોમાં ફરી અનુયાયીઓ બનાવ્યા અને અંતે રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો.ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.
ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં. ૧૮૫૭ કાર્તિક સુદી એકાદશીને દિવસે (તા. ૨૮-૧૦-૧૮૦૦) મહાદિક્ષા આપી અને તેમનાં સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એમ બે નામ પાડ્યાં. મહાદિક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામીએ વિ.સં. ૧૮૫૮ કાર્તિક સુદી એકાદશી (તા. ૧૬-૧૧-૧૮૦૧)નાં રોજ પોતાના આશ્રિતો-અનુયાયીઓ સમક્ષ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપતા જેતપુરમાં તેમને પોતાની ગાદી સુપ્રત કરી. સહજાનંદ સ્વામીએ ગુરુને પ્રણામ કર્યા ત્યારે રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઇને વરદાન માગવા કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ આ બે વરદાન માગ્યાં:
સંવત ૧૮૫૮ (ઇ.સ.૧૮૦૧) માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ ફરેણીમાં પોતાની પહેલી સભા ભરી અને પોતાના અનુયાયીઓને " સ્વામિનારાયણ " મંત્ર નું ભજન કરવાનું કહ્યું. ત્યારથી ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાયો. ત્યારથી સ્વામી સહજાનંદ ભગવાન સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા.સ્વામી ને કાઠીદરબારો સાથે વઘારે સમય રેહતા એટલે કાઠીયા ભગવાન તરીકે પણ ઓળખાયા એ અરસામાં વડતાલનો જૉબનપગી, ઉપલેટાનો વેરાભાઈ જેવા ભયંકર લૂંટારાઓને સ્વામિનારાયણે પોતાના અનુયાયી બનાવ્યા. બાળકીઓને દૂધ પીતી કરવાના રિવાજ સામે શ્રી સ્વામિનારાયણે લાલબત્તી ધરી અને અનેકને સમજાવી સમાજમાંથી આ પ્રથા નાબૂદ કરવાની ચળવળ જગાવી. વળી તેમણે સતી પ્રથા, પશુબલિ, તાંત્રિક વિધિ, અસ્પૃશ્યતા અને વ્યસનોનો પણ વિરોધ કર્યો. તેમણે ૧૨૦૦થી પણ વધુ સંતોને દિક્ષા આપી અને અનેક અનુયાયીઓ બનાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી. આ મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી.[7] ત્યાર બાદ વડતાલ,ધોલેરા,ભુજ,જૂનાગઢ અને ગઢડામાં પણ શિખરબદ્ધ મંદિરો બનાવ્યા. તેમના આવા પ્રયાસોને લીધે ગૂજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો ખુબ વિકાસ થયો.
સંપ્રદાયના ગ્રંથો મુજબ જ્યારે સ્વામિનારાયણ ભગવાનને એમ લાગ્યું કે પોતાના અવતાર લીધાના તમામ ઉદ્દેશ્યો પૂર્ણ થઈ ગયા છે, ત્યારથી તેમણે અન્ન જળ નો ત્યાગ કરી દિધો, વિચરણ કરવાનું પણ બંધ કરી દીધુ.અંતિમ દિવસોમાં તેઓ માત્ર પોતાના આચાર્યો અને ગુણાતીતાનંદ સ્વામી,ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને જ મળતા અને તેમને ઉપદેશ આપતા.
સંવત ૧૮૮૩, જેઠ સુદ દશમ (૧ જૂન, ૧૮૩૦) ના દિવસે તેમણે યોગિક કળા દ્વારા પોતાના ભોતિક દેહનો ત્યાગ કરી દિધો.[8] ગઢડાના દરબાર શ્રી દાદા બાપુ ખાચર ની લક્ષ્મીવાડી ખાતે રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદ દ્વારા તેમની અંતિમ વિધિ થઈ.અનુયાયીઓ આ દિવસને તેમના સ્વધામગમન દિન તરીકે ઉજવે છે. સાંપ્રદાયિક ગ્રંથો મુજબ ભગવાન સ્વામિનારાયણે ધામગમન પહેલા સંપ્રદાયનું સંચાલન કરવાની જવાબદારી ધર્મવંશી આચાર્યોને સોપી હતી, જ્યારે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને પોતાનો આધ્યાત્મિક વારસો આપ્યો હતો.[9] [10] જોકે આ વિષય પર વિદ્વાનો ના અલગ અલગ મત છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તેમને વિષ્ણુ ભગવાનના અવતાર માને છે અને તેમના કાર્યોને કલિયુગનો ઉદ્ધાર માને છે.
રેમન્ડ વિલીયમ્સ નામના ઇતિહાસવિદ્ની નોંધ મુજબ જ્યારે સ્વામિનારાયણ મૃત્યુ પામ્યા ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા બસો અઠાવન હતી અને આજે આ સંખ્યા બાર લાખ જેવી છે.[11][12][13][2]. વચનામૃતમાં તેમણે જણાવ્યા મુજબ, મનુષ્ય ભગવાનને પ્રત્યક્ષ જોઈ નથી શકતો તેથી ભગવાન અવતાર લઈ તેને દર્શન આપે છે.[14] [15]. સાંપ્રદાયિક વાર્તા મુજબ દુર્વાસાઋષિના શ્રાપ ને લીધે શ્રીહરિએ સ્વામિનારાયણ રુપે અવતાર લીધો એવું કહેવામાં આવે છે.[16] વળી, કેટલાક અનુયાયીઓ તેમને કૃષ્ણના અવતાર પણ ગણાવે છે[14]. સ્વામિનારાયણે પોતાને જ રેજીનાલ્ડ હેબર અને લોર્ડ બિશપ સમક્ષ કલકત્તા ખાતે ભગવાનનો અંશ ગણાવ્યા હતા.[17][18]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.