ભારતીય સંગીતકાર From Wikipedia, the free encyclopedia
રાહુલ દેવ બર્મન (બંગાળી ઉચ્ચાર:Rahul Deb Bôrmon; ૨૭ જૂન ૧૯૩૯ – ૪ જાન્યુઆરી ૧૯૯૪) ભારતીય ફિલ્મ સંગીતકાર હતા, જેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં સૌથી વધુ પ્રભાવશાળી સંગીત દિગ્દર્શકોમાં એક ગણાય છે.[1] તેઓ પંચમ દા ના હૂલામણાં નામે જાણીતાં હતાં અને સચિન દેવ બર્મનના એક માત્ર પુત્ર હતા.
આર. ડી. બર્મન | |
---|---|
જન્મ | ૨૭ જૂન ૧૯૩૯ કોલકાતા |
મૃત્યુ | ૪ જાન્યુઆરી ૧૯૯૪ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | સંગીત રચયિતા, director |
જીવન સાથી | આશા ભોંસલે |
૧૯૬૦થી ૧૯૯૦ના દાયકા સુધી આર.ડી. બર્મને ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપ્યું.[2] તેઓ મુખ્યત્વે હિંદી ફિલ્મો ઉદ્યોગમાં સંગીતનિર્માણ-દિગ્દર્શનમાં સક્રિય હતા પણ તેમણે અમુક ફિલ્મોમાં પોતાનો કંઠ પણ આપ્યો હતો.[3] આર.ડી. બર્મને તેમનું મુખ્ય કાર્ય આશા ભોંસલે (તેમની પત્નિ) અને કિશોર કુમાર સાથે કર્યું, અને તેમનાં સંગીતે આ ગાયકોને લોકપ્રિય બનાવ્યા.[3] તેમણે લતા મંગેશકર સાથે પણ ઘણાં ગીતોમાં સંગીત આપ્યું. તેમણે ભારતીય ફિલ્મ દિગ્દર્શકોની નવી પેઢી પર પ્રભાવ પાડ્યો,[3] અને તેમનાં મૃત્યુ પછી પણ તેમનાં ગીતો ભારતમાં લોકપ્રિય બની રહ્યા.[4]
આર.ડી. બર્મનનો જન્મ સંગીત દિગ્દર્શક/ગાયક સચીન દેવ બર્મન અને ગાયિકા મીરા દેવ બર્મન (દાસગુપ્તા)ને ત્યાં કોલકાતામાં થયો હતો.[5] બાળપણમાં, તેમનાં નાની દ્વારા તેમને તુબ્લુ હૂલામણું નામ આપવામાં આવ્યું હતું પણ તેઓ પાછળથી પંચમ ના હૂલામણાં નામે જાણીતાં બન્યા. કોઈકે કહ્યા પ્રમાણે તેમનું નામ પંચમ પાડવા પાછળનું કારણ એ હતું કે, જ્યારે તેઓ બાળક હતાં અને જ્યારે પણ રોતાં હતાં ત્યારે તે અવાજ સંગીતની પાંચમી નોટ (પ), જી સ્કેલ પર હોય તેવો લાગતો હતો. પંચમ શબ્દનો અર્થ તેમની માતૃભાષા બંગાળીમાં પાંચ (અથવા પાંચમું) થાય છે. બીજી વાયકા પ્રમાણે તેમનું નામ પંચમ એટલા માટે પડ્યું કે તેઓ પાંચ અલગ અલગ અવાજમાં રોતા હતાં. બીજી એક વાયકા પ્રમાણે ભારતીય ફિલ્મ કલાકાર અશોક કુમારે તાજાં જન્મેલાં રાહુલને સતત પા નોટ ઉચ્ચારતાં જોયાં અને તેમનું નામ પંચમ પાડ્યું.[6]
આર.ડી. બર્મનનું પ્રાથમિક શિક્ષણ કોલકાતામાં થયું. તેમનાં પિતા એસ.ડી. બર્મન બોલીવુડમાં જાણીતાં ફિલ્મ દિગ્દર્શક હતાં. જ્યારે રાહુલ નવ વર્ષના હતાં, ત્યારે તેમણે પ્રથમ ગીત, એ મેરી ટોપી પલટ કે આ, સંગીતમય કર્યું અને તેને તેમના પિતાએ ફંટૂશ (૧૯૫૬) ફિલ્મમાં સમાવ્યું હતું. સર જો તેરા ચકરાયે ગીતની ધૂન તેમણે આપી હતી અને આ ગીત ગુરુ દત્તની ફિલ્મ પ્યાસા (૧૯૫૭)માં સમાવવવામાં આવ્યું હતું.[7]
મુંબઈમાં, આર.ડી. બર્મને ઉસ્તાદ અલી અકબર ખાન (સરોદ) અને સમતા પ્રસાદ (તબલા) જોડે તાલીમ લીધી.[8] તેઓ સલિલ ચૌધરીને પોતાનાં ગુરૂ ગણતાં હતા.[9] તેમણે તેમના પિતાની સાથે સહાયક તરીકે કામ કર્યું અને મોટાભાગે તેમનાં સંગીતવૃંદમાં હાર્મોનિયમ વગાડ્યું.[3]
સહાયક તરીકે બર્મનની નોંધપાત્ર ફિલ્મોમાં ચલતી કા નામ ગાડી (૧૯૫૮), કાગઝ કે ફૂલ (૧૯૫૯), તેરે ઘર કે સામને (૧૯૬૩), બંદિની (૧૯૬૩), જિદ્દી (૧૯૬૪), ગાઇડ (૧૯૬૫), તીન દેવિયાં (૧૯૬૫) નો સમાવેશ થાય છે. તેમણે તેમનાં પિતાના સોલવાં સાલ (૧૯૫૮) ફિલ્મના લોકપ્રિય ગીત હેં અપના દિલ તો આવારાં માં માઉથ ઓર્ગન વગાડ્યું હતું.[10]
૧૯૫૯માં, બર્મને ગુરૂ દત્તના સહાયક નિરંજનની ફિલ્મ રાઝ ના સંગીત નિર્દેશક તરીકે કામ મેળવ્યું. તેમ છતાં, આ ફિલ્મ ક્યારેય પૂરી ન થઇ. ગુરૂ દત્ત-વહીદા રહેમાન અભિનિત આ ફિલ્મ શૈલેન્દ્ર દ્વારા લખાઇ હતી. આર.ડી. બર્મને આ ફિલ્મના બે ગીતોમાં સંગીત આપ્યું. પહેલું ગીત ગીતા દત્ત અને આશા ભોંસલે દ્વારા અને બીજું ગીત શમશાદ બેગમ દ્વારા ગાવામાં આવ્યું હતું.[11]
સ્વતંત્ર સંગીત નિર્દેશક તરીકે બર્મનની પ્રથમ ફિલ્મ છોટે નવાબ (૧૯૬૧) હતી. મહેમૂદે જ્યારે છોટે નવાબ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પહેલાં સચિન દેવ બર્મન સંગીત નિર્દેશન કરે તેવી રજૂઆત કરી હતી પરંતુ પોતે વ્યસ્ત હોવાથી સચિન દેવે આ માંગણી નકારી કાઢી. મહેમૂદે રાહુલને તબલાં વગાડતા દેખ્યા હતાં અને એ જોઇને તેમને સંગીત નિર્દેશક બનાવ્યા.[11] બર્મન અને મહેમૂદના સંબંધો ગાઢ બન્યા અને મહેમૂદની ફિલ્મ ભૂત બંગલા (૧૯૬૫)માં બર્મને સંગીત આપ્યું અને નાનકડું પાત્ર પણ ભજવ્યું.[11]
સંગીત નિર્દેશક તરીકે બર્મનની પ્રથમ સફળ ફિલ્મ તીસરી મંઝિલ (૧૯૬૬) હતી. તેમણે આનો યશ મજરૂહ સુલ્તાનપુરીને આપ્યો જેમણે બર્મનને ફિલ્મના નિર્માતા અને લેખક નસીર હુસૈન પાસે રજુ કર્યા હતા.[12] વિજયે આનંદે કહ્યું હતું કે તેમણે બર્મનની સંગીત રજૂઆત ફિલ્મની પહેલાં નસીર હુસૈન આગળ કરી હતી.[13] તીસરી મંઝિલમાં ૬ ગીતો હતા, જે બધાં જ મજરૂહ સુલ્તાનપુરી દ્વારા લખવામાં આવ્યા હતા અને મોહમ્મદ રફી દ્વારા ગાવામાં આવ્યા હતા. આમાંથી ચાર ગીતો આશા ભોંસલે સાથે હતા. નસીરે ત્યારબાદ બર્મન અને મજરૂહ સુલ્તાનપુરીને તેમની આગામી ૬ ફિલ્મો માટે પસંદ કર્યા. જેમાં બહારો કે સપને (૧૯૬૭), પ્યાર કા મૌસમ (૧૯૬૯), અને યાદોં કી બારાત (૧૯૭૩) નો સમાવેશ થાય છે. બર્મનનું પડોશન (૧૯૬૮) માટેનું સંગીત વખણાયું. તેમણે પોતાના પિતાના સહાયક તરીકે જ્વેલ થીફ (૧૯૬૭) અને પ્રેમ પુજારી (૧૯૭૦) જેવી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું.
એવું કહેવાય છે કે કિશોર કુમારે ગાયેલું આરાધના ૧૯૬૯ ફિલ્મનું ગીત મેરે સપનોં કી રાની તેમના પિતાએ સંગીતબદ્ધ કર્યું હતું પણ વાસ્તવમાં તે આર.ડી. બર્મનનું સંગીત હતું.[7] કોરા કાગઢ થા મન મેરા ગીત પણ તેમની ધૂન હતી.[10] એસ.ડી. બર્મન જ્યારે ફિલ્મના રેકોર્ડિંગ વખતે બિમાર પડ્યા ત્યારે આર.ડી. બર્મને સંગીત પોતાનાં હાથમાં લીધું અને પૂર્ણ કર્યું. તેઓ ફિલ્મના સંગીત સહાયક નિર્દેશક તરીકે હતા.
૧૯૭૦ના દાયકામાં બર્મનનું સંગીત કિશોર કુમારના અવાજમાં રાજેશ ખન્ના દ્વારા અભિજિત ફિલ્મો વડે અત્યંત લોકપ્રિય બન્યું.[7] કટી પતંગ (૧૯૭૦) એ આ સફળતાની શરૂઆતની ફિલ્મ હતી જે આરાધના ફિલ્મના દિગ્દર્શક શક્તિ સામંતની હતી. તેના કિશોર કુમાર દ્વારા ગવાયેલ ગીતો યે શામ મસ્તાની અને યે જો મોહબ્બત હૈ અત્યંત લોકપ્રિય બન્યા. કિશોર કુમાર સિવાય બર્મને મોહમદ રફી, આશા ભોંસલે અને લતા મંગેશકરના ગીતોમાં સંગીત આપ્યું.
૧૯૭૦માં આર.ડી. બર્મને દેવ આનંદની ફિલ્મ હરે રામ હરે ક્રિષ્ના (૧૯૭૧) માટે સંગીત આપ્યું.[14] આશા ભોંસલે એ દમ મારો દમ ગીત ગાયું જે રોક સંગીત પ્રકારના હિંદી ગીતોમાં સર્વોચ્ચ સ્થાન પામેલું છે.[7] દેવ આનંદે આ ગીત સંપૂર્ણ પણે ફિલ્મમાં સમાવ્યું નહી કારણ કે, તેમને ડર હતો કે ગીતની સફળતા ફિલ્મને આંટી જશે.[6] એ જ વર્ષમાં બર્મને અમર પ્રેમ ફિલ્મ માટે સંગીત આપ્યું. આ ફિલ્મનું રૈના બીતી જાયે ગીત હિંદી ફિલ્મનું એક ઉત્તમ શાસ્ત્રીય ગીત ગણાય છે.[7] ૧૯૭૧માં બર્મનનાં લોકપ્રિય સંગીતમાં બુઢ્ઢા મિલ ગયા નું રાત કલી એક ખ્વાબ મેં આયી, કારવાંનું હેલનનું કેબ્રે નૃત્ય ધરાવતું પિયા તુ અબ તો આજા નો સમાવેશ થાય છે. કારવાં માટે તેમને પ્રથમ ફિલ્મફેર નામાંકન મળ્યું હતું.
૧૯૭૨માં બર્મને સીતા ઓર ગીતા, રામપુર કા લક્ષ્મન, મેરે જીવન સાથી, બોમ્બે ટુ ગોઆ, અપના દેશ અને પરિચય જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. યાદોં કી બારાત (૧૯૭૩), આપ કી કસમ (૧૯૭૪), શોલે (૧૯૭૫) અને આંધી (૧૯૭૫) જેવી ફિલ્મો આપીને તેમને સફળતા મળતી રહી. તેમણે માં કી પુકાર નામની દસ્તાવેજી ફિલ્મમાં પણ સંગીત આપ્યું. ૧૯૭૫માં તેમનાં પિતા કોમામાં સરી પડ્યા તેથી મિલિ ફિલ્મનું સંગીત પણ તેમણે પૂરુ કર્યું.
મોહમ્મદ રફીને હમ કિસીસે કમ નહી (૧૯૭૭) ફિલ્મ માટે બર્મને સંગીત આપેલ ગીત ક્યા હુઆ તેરા વાદા માટે શ્રેષ્ઠ પુરુષ ગીતકાર માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમણે કસ્મે વાદે (૧૯૭૮), ઘર (૧૯૭૮), ગોલ માલ (૧૯૭૯), ખૂબસૂરત (૧૯૮૦) જેવી ફિલ્મોમાં લોકપ્રિય સંગીત આપ્યું. સનમ તેરી કસમ (૧૯૮૧) માટે તેમને પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. તેમણે રોકી, સત્તે પે સત્તા અને લવ સ્ટોરી ફિલ્મો માટે પણ સંગીત આપ્યું.
યે દેશ (૧૯૮૪) ફિલ્મમાં તેમણે કુમાર શાનુને તેમણે કમલ હસનના અવાજ તરીકે ગીતકાર તરીકે લીધા. આનંદ ઓર આનંદ ફિલ્મમાં અભિજીતને તેમણે તક આપી. લાંબા સમયથી ફિલ્મઉદ્યોગમાં હોવા છતાં હરીહરનને બોક્સર (૧૯૮૪) ફિલ્મથી કવિતા કૃષ્ણમૂર્તિ સાથેના ગીત હૈ મુબારક આજ કા દિનથી નામ મળ્યું, જે બર્મન દ્વારા સંગીતમય કરવામાં આવ્યું હતું. ૧૯૮૫માં, મહંમદ અઝીઝે શિવા કા ઇન્સાફ (૧૯૮૫) ફિલ્મમાં બર્મન હેઠળ તક મેળવી.
૧૯૮૦ના દાયકાના પાછલા વર્ષોમાં બર્મન ભપ્પી લહેરી અને અન્ય ડિસ્કો સંગીત નિર્દેશકોથી ઢંકાઇ ગયા હતા.[15] ઘણાં ફિલ્મ નિર્માતાઓએ તેમને સંગીત નિર્દેશક તરીકે લેવાનું બંધ કર્યું કારણ કે, તેમની ફિલ્મો એક પછી એક નિષ્ફળ નીવડતી જતી હતી.[6][10] કયામત સે કયામત તક (૧૯૮૮) માટે નસીર હુસૈને તેમને ફિલ્મમાં ન લીધા.[6] હુસૈનની ત્રણ ફિલ્મો જમાને કો દિખાના હૈ (૧૯૮૨), મંઝિલ મંઝિલ (૧૯૮૪) અને ઝબરજસ્ત (૧૯૮૫) નિષ્ફળ નીવડી હતી અને તેઓની જગ્યાએ મનસૂર ખાન દિગ્દર્શક તરીકે આવ્યા.[16] સુભાષ ઘાઇએ બર્મનને રામ લખન (૧૯૮૯) માં સંગીત નિર્દેશક તરીકે લેવાનું વચન આપ્યું પણ તેની જગ્યાએ તેમણે સંગીત માટે લક્ષ્મીકાંત-પ્યારેલાલને લીધા, જેઓ બર્મનના સંગીતવૃંદમાં હતા.[6]
૧૯૮૬માં બર્મને ઇઝાજત ફિલ્મમાં સંગીત આપ્યું, જે શ્રેષ્ઠ ગણાયું. તેમ છતાં, આ ફિલ્મ કળાનો ઝોક ધરાવતી ફિલ્મ હોવાથી બર્મનની વ્યવસાયિક ફિલ્મોની કારકિર્દીને બચાવવામાં મદદરૂપ ન થઇ શકી. ફિલ્મનાં બધાં જ ગીતો આશા ભોંસલે વડે ગાવામાં અને ગુલઝાર વડે લખવામાં આવ્યા હતા. મેરા કુછ સામાન ફિલ્મમાં તેમનાં સંગીતને વખાણવામાં આવ્યું અને આશા ભોંસલે ને શ્રેષ્ઠ સ્ત્રી ગાયક અને ગુલઝારને શ્રેષ્ઠ ગીત રચના માટે રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા પરંતુ બર્મનને એકપણ પુરસ્કાર પ્રાપ્ત થયો નહી.[17]
૧૯૮૮માં બર્મનને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ પર બાયપાસ શસ્ત્રક્રિયા કરવામાં આવી.[18] આ સમય દરમિયાન તેમણે અનેક ધૂનો રચી જે ક્યારેય બહાર પડી નહી. ૧૯૮૯માં તેમણે વિદુ વિનોદ ચોપરાની ફિલ્મ પરિંદા માટે સંગીત આપ્યું. તેમણે ફિલ્મ ગેંગ ના એક ગીત માટે સંગીત આપ્યું પણ આ ફિલ્મ લાંબા સમય સુધી જાહેર ન થઇ અને તેઓ તે પહેલા જ અવસાન પામ્યા. મઝહર ખાને એ સમયે ઓછા જાણીતા અનુ મલિકને આ ફિલ્મના સંગીત નિર્દેશક બનાવ્યા. મલયાલમ ફિલ્મ થેનમાવિન કોમ્બાથ તેમણે લીધેલી છેલ્લી ફિલ્મ હતી પરંતુ તેઓ આ ફિલ્મને સંગીત આપે તે પહેલાં જ અવસાન પામ્યા. ૧૯૪૨: અ લવ સ્ટોરી (૧૯૯૪) નું સંગીત તેમનાં અવસાન પછી બહાર પડ્યું અને અત્યંત સફળ બન્યું. આ ફિલ્મથી તેમને ત્રીજોઅને છેલ્લો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. લતા મંગેશકરના મતે તેઓ બહુ યુવાનીમાં અને દુ:ખી થઇને અવસાન પામ્યા હતા.[19]
આર.ડી. બર્મન બોલીવુડ સંગીતમાં ક્રાંતિકારી ગણાય છે.[20] તેઓએ વિવિધ પેઢીનું સંગીત તેમનાં સંગીતમાં ઉમેર્યું. બર્મનની કારકિર્દી રાજેશ ખન્ના દ્વારા અભિનિત પ્રેમ વાર્તાઓ સાથે-સાથે ચાલી. તેમણે ઇલેક્ટ્રોનિક રોક સંગીત આ પ્રેમ વાર્તાઓમાં લોકપ્રિય બનાવ્યું.[3] તેમણે બંગાળી લોક સંગીત સાથે ડિસ્કો અને રોક સંગીત મિશ્ર કર્યું.[21] તેમણે જાઝ સંગીત પણ ઉમેર્યું, જે તેમનાં સ્ટુડિઓના પિઆનીસ્ટ કેર્સી લોર્ડ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.[22]
બર્મન પશ્ચિમી, લેટિન, ઓરિએન્ટલ અને અરેબિક સંગીત વડે પ્રભાવિત હતા અને તેમણે આ સંગીતના તત્વો તેને પોતાના સંગીતમાં ઉમેર્યાં.[23] તેમણે વિવિધ અવાજો જેવાં કે કાચ કાગળ ઘસીને તેમજ વાંસની લાકડીઓ અથડાવીને પેદા થતાં અવાજો પણ પોતાનાં સંગીતમાં ઉમેર્યા.[10] મહેબૂબા મહેબૂબા ગીતમાં બીયરની બોટલો ફોડીને પેદા થતો અવાજ ગીતની શરૂઆતમાં ઉમેર્યો હતો. તેવી જ રીતે ચુરા લીયા હૈ ગીતમાં તેમણે કપ-રકાબી વડે પેદા થતો અવાજ ઉમેર્યો.[24] સત્તે પે સત્તા ના ગીતમાં તેમણે ગાયક અન્નેટ પિન્ટોને કોગળાં કરતો અવાજ પેદા કરવા કહ્યું હતું.[10] પડોશન (૧૯૬૮) ના ગીત મેરી સામને વાલી ખિડકી દરમિયાન તેમણે કાંસકાને કડક સપાટી પર ઘસતાં પેદા થતો અવાજ ગીતમાં ઉપયોગ કર્યો હતો.
તેમણે ઘણી વખત એક જ ગીત જુદાં-જુદાં ગાયકો પાસે ગવડાવવાનો પ્રયોગ કર્યો હતો. કુદરત (૧૯૮૧)નું હળવું ગીત હમે તુમસે પ્યાર કિતના તેમણે કિશોર કુમાર પાસે ગવડાવ્યું જ્યારે શાસ્ત્રીય આવૃત્તિ પરવીન સુલ્તાના પાસે ગવડાવ્યું. પ્યાર કા મૌસમ (૧૯૬૯)માં, તેમણે તુમ બીન જાઉં કહાં ગીત કિશોર કુમાર અને મોહમદ રફી પાસે અલગ-અલગ ગવડાવ્યું હતું.
બર્મન ઘણી વખત પાશ્ચાત્ય ડાન્સ સંગીતને પોતાની પ્રેરણા તરીકે લેતા હતા.[25] તેમનાં કેટલાંક ગીતો લોકપ્રિય વિદેશી ગીતોની ધૂન પર આધારિત હતા. દા.ત. રમેશ સિપ્પીએ એવો આગ્રહ રાખેલો કે મહેબૂબા મહેબૂબા ની ધૂન સે યુ લવ મી (ડેમિસ રોઉસોસ) પરથી લેવાય અને નઝીર હુસૈન મામા મીઆ ગીતનો ઉપયોગ મિલ ગયા હમ કો સાથી માં થાય.[26] આઓ ટ્વિસ્ટ કરે (ભૂત બંગલા) ગીત લેટ્સ ટ્વિસ્ટ (ચબી ચેકર્સ), તુમસે મિલકે ગીત વ્હેન આઇ નીડ યુ (લીઓ સેયર), ઝિંદગી મિલકે બિતાયેંગે ગીત ધ લોંગેસ્ટ ડે (પોલ અન્કા) અને જહાં યે તેરી નજર હૈ ગીત હેલેહ માલી (પર્શિયન કલાકાર ઝીઆ અતાબી) અને દિલબર મેરે ઝિગનરજુન્ગે (એલેક્ઝાન્ડ્રા) પર આધારિત હતા.
આર.ડી. બર્મનના મૃત્યુ પછી તેમનાં મૂળ ગીતો અને રિમિક્સ આવૃત્તિઓ સાથે અનેક ફિલ્મો રજૂ થઇ. દિલ વિલ પ્યાર વ્યાર (૨૦૦૨)[27], ઝનકાર બિટ્સ (૨૦૦૩) (જે વડે વિશાલ-શેખર પ્રકાશમાં આવ્યા)[28], ખ્વાહિશ (૨૦૦૩) જેમાં મલ્લિકા શેરાવતનું પાત્ર બર્મનની ચાહક તરીકે દર્શાવેલ છે.[29] ૨૦૧૦માં, બ્રહ્માનંદ સિંહે પંચમ અનમિક્સ્ડ: મુજે ચલતે જાના હૈ નામની ૧૧૩ મિનિટની દસ્તાવેજી ફિલ્મ રજૂ કરી જેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો.[10] લૂટેરા (૨૦૧૩) ફિલ્મનું સંગીત બર્મનને શ્રદ્ધાંજલી તરીકે અર્પેલ છે. ગેંગ (૨૦૦૦) અને મોનસુન વેડિંગ(૨૦૦૧) (ચુરા લિયા હૈ, ગીત) ફિલ્મોમાં પણ બર્મનનું સંગીત છે.
તેમનાં ગીતોનાં અનેક રિમિક્સ ગીતો બન્યા છે જે દેશનાં ડિસ્કો ક્લબ અને પબમાં ઘણાં લોકપ્રિય બન્યા છે.[6] તેમનાં ગીતો ખાસ કરીને દક્ષિણ એશિયન ડી.જે.માં યુ.કે. અને ઉત્તર અમેરિકામાં લોકપ્રિય છે. બાલી સાગૂ દ્વારા બોલીવુડ ફ્લેશબેક નામના આલ્બમમાં તેમનાં ગીતો રિમક્સ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.[3] ક્રોનોસ ક્વાર્લેટનાં ગીત યુ હેવ સ્ટોલન માય હાર્ટ (૨૦૦૫) તેમનાં પત્નિ આશા ભોંસલે દ્વારા ગાવામાં આવ્યું હતું.[30] ૨૦૧૨ની ફિલ્મ ખિલાડી ૭૮૬માં હિમેશ રેશમિયા દ્વારા બલમા ગીત બર્મનની શ્રદ્ધાંજલિ છે.[31]
૧૯૯૫માં, ફિલ્મફેર પુરસ્કારોમાં ફિલ્મફેર આર.ડી. બર્મન એવોર્ડ ફોર ન્યૂ મ્યુઝિક ટેલેન્ટ નામનો પુરસ્કાર બર્મનની યાદમાં શરૂ કરાયો. આ પુરસ્કાર હિંદી સિનેમામાં ઉભરતી સંગીત પ્રતિભાઓને અપાય છે. ૨૦૦૯માં બૃહદમુંબઈ મહાનગરપાલિકાએ સાંતાક્રુઝમાં આવેલા ચોકને આર.ડી. બર્મનનું નામ આપ્યું.[32]
તેમણે અનેક બોલીવુડ સંગીત નિર્દેશકોને પ્રોત્સાહિત કર્યા, જેમાં વિશાલ-શેખરનો સમાવેશ થાય છે.[33] મનોહરી સિંગ અને સપન ચક્રવર્તી તેમનાં જાણીતાં સહાયકોમાં ગણાય છે. તેમનાં સંગીતવૃંદમાં હરિપ્રસાદ ચૌરસિયા, શિવ કુમાર શર્મા, લુઈ બેન્ક્સ, ભૂપિંદર અને કેર્સી લોર્ડનો સમાવેશ થતો હતો.[10] તેઓ ગીતકાર ગુલઝાર સાથે કામ કરવા માટે જાણીતા હતા. ગુલઝારે તેમનાં ઉત્તમ સંગીતનાં અનેક ગીતો લખ્યા હતા.[10]
આર.ડી. બર્મનની પ્રથમ પત્નિ રીટા પટેલ હતી, જેને તેઓ દાર્જિલિંગમાં મળ્યા હતા. રીટા, તેમની ચાહક હતી અને બન્ને જણાં એ ૧૯૬૬માં લગ્ન કર્યા અને ૧૯૭૧માં છૂટા-છેડા લીધાં.[34] પરિચય (૧૯૭૨)નું ગીત મુસાફિર હૂં યારો ગીતમાં તેમણે તેઓ જુદાં થયા બાદ હોટેલમાં સંગીત આપ્યું હતું.[35]
આર.ડી. બર્મને ૧૯૮૦માં આશા ભોંસલે સાથે લગ્ન કર્યા. બંને જણાંએ સાથે મળીએ અનેક લોકપ્રિય ગીતો રેકોર્ડ કર્યા અને અનેક જીવંત કાર્યક્રમો આપ્યા. તેમ છતાં, તેમની જિંદગીના અંતિમ ભાગમાં તેઓ સાથે રહ્યા નહી[36] જિંદગીના પાછળનાં ભાગમાં બર્મનને નાણાંકીય ભીડ રહી હતી. તેમનાં મૃત્યુનાં ૧૩ વર્ષ પછી તેમની માતા ૨૦૦૭માં મૃત્યુ પામી.[37] તેણી અલ્ઝાઇમરથી પિડાતી હતી અને બર્મનના મૃત્યુ પહેલાં સાન-ભાન ગુમાવી બેઠી હતી. મૃત્યુના થોડા સમય પહેલાં તેણી પુત્રના ઘરમાં પાછી આવી જે બાબત વિવાદનું કારણ બની હતી.[38]
આર. ડી. બર્મનની ૩૩૧ ફિલ્મોમાંથી ૨૯૨ હિંદી, ૩૧ બંગાળી, ૩ તેલુગુ, ૨ તમિલ, ૨ ઓરિયા અને ૧ મરાઠી હતી. તેમણે ૫ હિંદી અને મરાઠી ટીવી ધારાવાહિકોમાં પણ સંગીત આપ્યું હતું.
ફિલ્મો સિવાયના સંગીતમાં કેટલાંક આલ્બમોનો સમાવેશ થાય છે. જેમાં પાનતેરા (૧૯૮૭), જે પેટે ગાવનકર દ્વારા લેટિન રોક સંગીત આલ્બમ હતું. આ આંતર રાષ્ટ્રીય આલ્બમ માટે તેમણે જોસ ફ્લોરેસ સાથે સાન ફ્રાન્સિસ્કોમાં ભાગીદારી કરી હતી.[39] ૧૯૮૭માં, બર્મન, ગુલઝાર અને આશા ભોંસલે એ દિલ પડોશી હૈ નામના આલ્બમમાં સાથે કામ કર્યું જે ૮ સપ્ટેમ્બર ૧૯૮૭ના રોજ આશા ભોંસલેના જન્મદિવસ પર રજૂ થયેલું. બર્મન અને આશા ભોંસલે એ બોય જ્યોર્જ સાથે ગીત રેકોર્ડ કરેલું.[40] વધુમાં, તેેમણે મોટી સંખ્યામાં બંગાળી ગીતોમાં સંગીત આપ્યું, જેમાંથી અમુક પાછળથી હિંદી ફિલ્મોમાં રજૂ કરાયા. બર્મને અમુક ફિલ્મોમાં ગીતો પણ ગાયા, જેના માટે તેમણે પોતે સંગીત આપેલું.
બર્મને અસંખ્ય સંગીત નિર્દેશકોને ભવિષ્યના બોલીવુડ સંગીત તરફનો માર્ગ ચીંધ્યો હોવા છતાં તેમને માત્ર ૩ જ ફિલ્મફેર પુરસ્કારો પ્રાપ્ત થયા હતા, જેમાંથી એક (૧૯૪૨: અ લવ સ્ટોરી માટે) મરણોત્તર એનાયત થયો હતો.
૩ મે ૨૦૧૩ ના રોજ આર.ડી. બર્મનના માનમાં તેમની મુખાકૃતિ ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.