સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મની વૈષ્ણવ માર્ગ અંતર્ગત એક સંપ્રદાય છે. જેના સ્થાપક સ્વામિનારાયણ ભગવાન હતા. આ સંપ્રદાયના અનુયાયીઓ ભગવાન સ્વામિનારાયણને તેમના પરમ આરાધ્ય માની તેમની ઉપાસના કરે છે. વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, સ્વામીની વાતો આ સંપ્રદાયના મુખ્ય ગ્રંથો છે.[1]

સ્વામિનારાયણ ભગવાન, સંતો અને ભક્તો સાથે

ગઢડા આ સંપ્રદાયનું મુખ્ય તીર્થસ્થળ છે. સંપ્રદાયના અનેક ફાંટાઓ પણ છે, આ બધામાં બીએપીએસ સૌથી જાણીતી છે[2] હિંદુ ધર્મ ની સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય, તત્વજ્ઞાન અને સ્થાપત્યમાં આ સંપ્રદાય પોતાનું આગવું મહત્વ ધરાવે છે.

હાલમાં આ સંપ્રદાય સાથે ૪ કરોડ જેટલા અનુયાયીઓ જોડાયેલા છે.[સંદર્ભ આપો]

ફાંટાઓ

સહજાનંદ સ્વામીએ પોતાની હયાતીમાં, ગુજરાતના મધ્યભાગને કેન્દ્રમાં રાખી પૂર્વ-પશ્ચિમ આડી રેખાથી દેશના બે ભાગ – ઉત્તર અને દક્ષિણ – કલ્પ્યા અને બંને ભાગોનો વહીવટ પોતાના મોટા ભાઈ અને નાના ભાઈને સોંપ્યો. ઉત્તર ભાગની વહીવટી ધુરા મોટા ભાઈ રામપ્રતાપભાઈના દીકરા અયોધ્યાપ્રસાદજીને સોંપવામાં આવી. તેઓશ્રી કાલુપુર – અમદાવાદ ગાદીના પહેલા આચાર્ય બન્યા. તેમના તાબામાં તથા મૂળી વગેરે મંદિરોનો વહીવટ સોંપેલો હતો. દક્ષિણ ભાગ(નીચેના ભાગ)ની વહીવટી ધુરા નાનાભાઈ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરપ્રસાદજીને સોંપવામાં આવેલી. વડતાલ ગાદીના એ પ્રથમ આચાર્ય બન્યા હતા[2]. જૂનાગઢ તથા ગઢડા વગેરે સંસ્થાઓ/મંદિરોનો વહીવટ એમના તાબામાં હતો. આમ મૂળ આ સંપ્રદાયની બે ગાદી/સંસ્થાઓ જ સ્થાપવામાં આવી હતી,

કાલુપુર (અમદાવાદ) : અયોધ્યાપ્રસાદ, કેશવપ્રસાદ, પુરુષોત્તમપ્રસાદ, વાસુદેવપ્રસાદ, દેવેન્દ્રપ્રસાદ, તેજેન્દ્રપ્રસાદ અને કૌશલેન્દ્રપ્રસાદ (સાંપ્રત). સૌ આચાર્યો પોતાને સ્વામિનારાયણ ભગવાનના દાસ ગણીને રહે છે.

વડતાલ : રઘુવીરપ્રસાદ મહારાજ, ભગવત્પ્રસાદ, વિહારીલાલ, શ્રીપતિપ્રસાદ, આનંદપ્રસાદ, નરેન્દ્રપ્રસાદ (નૃપેન્દ્રપ્રસાદ હકદાર હતા એમને ટાળીને). હાલ રાકેશપ્રસાદ ગાદી સંભાળે છે.

કાળક્રમે આચારવિચાર, ઉપાસના-વિધિ અને વ્યવહારાદિમાં મતભેદ થતાં કેટલાક સાધુસંતોએ પોતાના હરિભક્તો-સત્સંગીઓ સાથે ઉપર્યુક્ત બંને મૂળ સંસ્થાઓથી અલગ થઈને નવી સંસ્થાઓ રચી છે. આ સિલસિલો ચાલતો રહેવા છતાં સ્વામિનારાયણ સંસ્થાના મૂળ હેતુઓ અને ઉદ્દેશ કાર્યોની જાળવણી તથા વિકાસ થતાં રહ્યાં છે. જુદા પડેલા ફિરકાઓ (મંદિરસંસ્થાઓ) આ પ્રમાણે છે.

મણિનગર સંસ્થા : કાલુપુર ગાદીથી જુદી પડેલી સંસ્થા તે મણિનગર સંસ્થા છે. શ્રીજી સ્વામી, અબજીબાપા સ્વામી, સ્વામી મુક્તજીવનદાસ, સ્વામી પુરુષોત્તમપ્રિયદાસ (સાંપ્રત). વિવિધ મંદિરો તથા ગુરુકુળો રચીને આ સંસ્થા નીતિબોધ તથા વિદ્યાકાર્યો કરે છે.

કુમકુમ સંસ્થા : મણિનગર સંસ્થામાંથી અલગ થયેલી સંસ્થા છે.

વાસણા સંસ્થા : આ સંસ્થા મણિનગર સંસ્થામાંથી અલગ થયેલી છે. તે વાસણા–અમદાવાદમાં છે.

ગામડાંમાં પણ મંદિરો/સંસ્થાઓ બંધાયાં છે. દા. ત., મોહિલા, તા. સંતરામપુર. આ સંસ્થા નીતિબોધ અને લોકશિક્ષણનું કાર્ય કરે છે.

બોચાસણ : વડતાલ ગાદીથી ૧૯૦૭માં અલગ થયેલી સંસ્થા તે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (B.A.P.S. – ‘બાપ્સ’) આજે સૌથી વધુ મંદિરો, અનુયાયીઓ, સેવાકાર્યો માટે વિશ્વભરમાં જાણીતી છે.

સોખડા સંસ્થા : બોચાસણ સંસ્થામાંથી વિચારભેદને લીધે છૂટા પડેલા હરિભક્તો દાદુભાઈ અને બાબુભાઈ વગેરેએ સ્વામી હરિપ્રસાદજીને ગાદીપદે સ્થાપીને સોખડા (જિ. વડોદરા) ખાતે મંદિર વગેરેની રચના કરી.

મોગરી તથા વલ્લભવિદ્યાનગરની બે સંસ્થાઓ (૧) બ્રહ્મજ્યોત (મોગરી) તથા (૨) ગુણાતીત-જ્યોત (વલ્લભ-વિદ્યાનગર)

સંપ્રદાયના શાસ્ત્રો

૧. શિક્ષાપત્રી: સ્વામિનારાયણે સ્વયં સંવત ૧૮૮૨ મહા સુદ પાંચમને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીમાં વ્યવહાર અને આચારની નિયમાવલી છે. શિક્ષાપત્રીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ શ્રુતિ તરીકે માને છે.

૨. વચનામૃત: જુદાં જુદાં સ્થળે અને સમયે સ્વામિનારાયણે તેમનાં અનુયાયીઓની સભામાં જે જ્ઞાનચર્ચા કરી તેમની વાણીનો સંગ્રહ છે. વચનામૃતોનો ક્રમ વિષયાનુસાર નહિ પણ સમયાનુસાર છે. તેમાં ૨૬૨ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે. આ વચનામૃતોનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ કર્યું. અમદાવાદ દેશમાં પાછળથી નવા ૧૧ વચનામૃતો શોધાયા હતા. જેથી અમદાવાદ દેશમાં ૨૭૩ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે.

૩. સત્સંગિજીવન: સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ ભાગમાં (જેને પ્રકરણ નામ અપાયા છે) વહેંચાયેલા આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં ઉપરનાં બે ગ્રંથો બાદ કરતાં પ્રથમ ક્રમાંકનું છે. “સંપ્રદાયનાં ધર્મશાસ્ત્ર” તરીકે આદર પામેલા આ ગ્રંથમાં સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.

૪. ભક્તચિંતામણી: નિષ્કુળાનંદ સ્વામીએ લોકભોગ્ય ભાષામાં સત્સંગી-જીવન જેવો પણ સરળ ગુજરાતી પદ્યમાં ભક્તચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. તેમાં સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવનવૃતાંત તથા તેમનું વિચરણ, સરળ અને ભાવવાહી શૈલીમાં, હોવાથી સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતા લોકોને પણ તે સુગમ બન્યો છે.

૫. સત્સંગિભૂષણ: વાસુદેવાનંદ મુનિએ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અને તેમના અવતાર પ્રયોજનનું ભક્તિપૂર્ણ વર્ણન છે. સત્સંગીજીવન ધર્મપ્રધાન હોઇને ધર્મશાસ્ત્ર ગણાય છે તેમ સત્સંગિભુષણ ભક્તિપ્રધાન હોઈને સંપ્રદાયમાં ભક્તિશાસ્ત્ર તરીકે સ્થાન પામ્યો છે.

૬. હરિદિગ્વિજય: નિત્યાનંદ સ્વામીએ આ પદ્યકાવ્ય સંસ્કૃતમાં રચેલ છે. તેમાં સંપ્રદાયની અને ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત તત્ત્વ સિદ્ધાંતની વિદ્વત્તાપૂર્ણ છણાવટ છે.

૭. સ્વામીની વાતો: ગુણાતીતાનંદ સ્વામી ના ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને મોક્ષ સંબંધિત કથાવાર્તા, ઉપદેશો વગેરે આ ગ્રંથમાં સંગ્રહિત થયેલા છે. વચનામૃત ને સમજવા માટે આ ગ્રંથ ખૂબ ઉપયોગી છે.

આ ઉપરાંત અનેક શાસ્ત્રોની રચના સંપ્રદાયના સંતોએ કરેલી છે. સ્વામિનારાયણે સંપ્રદાયની પુષ્ટિ અને વૃદ્ધિ માટે સંપ્રદાય સંબંધી શાસ્ત્રોને ખૂબ જ મહત્વ આપ્યું છે.

મંદિર નિર્માણ

Thumb
ટોરોન્ટોમાં આવેલું સ્વામીનારાયણ મંદિર

સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમુનારુપ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા, મૂળી, વડતાલ વગેરે સ્થળોએ ભવ્ય શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કરાવ્યુ હતું. તેમણે સૌ પ્રથમ મંદિર અમદાવાદમાં હાલના કાલુપુરમાં બનાવેલું અને છેલ્લું મંદિર ગઢડામાં. આ સિવાય પણ સ્વામિનારાયણ સંપ્રદાય આખા વિશ્વમાં ૭૫૦૦થી વધુ મંદિરો ધરાવે છે.[2] જેમાં ગુજરાતમાં સૌથી વધુ મંદિરો બન્યાં છે.

અમદાવાદ મંદિરનો નક્શો સ્થપતિ નારાયણજી સુતાર પાસે કરાવીને આનંદાનંદ સ્વામીને નિર્માણની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવેલી. આ મંદિર માટેની જગ્યા અંગ્રેજ અધિકારી ડનલોપ સાહેબે ફાળવી આપેલી. વડતાલ મંદિર માટે વડોદરાના પુરુષોત્તમ અને દામોદર, અમદાવાદના કુબેરજી, મારવાડી હીરાજી, નડિયાદના કેવળદાસ વિગેરે સ્થપતિઓ પાસે રેખાચિત્ર તૈયાર કરવ્યા હતા; તેમાંથી હીરાજીના રેખાચિત્ર પ્રમાણે મંદિર તૈયાર કરવાની જવાબદારી બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવેલી. ગઢપુર મંદિર માટેનું રેખાચિત્ર નારાયણજી સુતાર પાસે જ કરાવેલું અને જેઠા શિલ્પી પાસે તે પ્રમાણે મંદિર તૈયાર કરાવ્યું. ભુજ મંદિર વૈષ્ણવાનંદ સ્વામી, ધોલેરા મંદિર નિષ્કુળાનંદ સ્વામી, જુનાગઢ અને મુ઼ળી મંદિર બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ નીચે તૈયાર થયા હતા. મંદિરોનો વહિવટ પણ સંતો સંભાળે છે.

બીએપીએસ સંસ્થાએ જ ૧૫૦૦થી વધુ સ્વામિનારાયણ મંદિર અને દિલ્હી અને ગાંધીનગરમાં વિશ્વપ્રસિદ્ધ અક્ષરધામનું નિર્માણ કર્યું છે. આ સિવાય આ સંસ્થા અબુધાબી અને રોબિન્સવિલેમાં પણ મંદિર બનાવી રહી છે.

આચાર્ય સ્થાપના

ભગવાન સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી ઉદ્ધવ સંપ્રદાયનીં ધુરા સંભાળી ત્યારે સંપ્રદાયનાં અનુયાયીઓની સંખ્યા જૂજ હતી પરંતું પછી ટુંક સમયમાં જ તેમના અનુયાયીઓની સંખ્યા વધવા માંડી હતી. સ્વામિનારાયણ ભગવાને સં. ૧૮૮૨ના કારતક સુદી એકાદશીના રોજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં મોટા ભાઈ રામપ્રતાપના પુત્ર અયોધ્યાપ્રસાદ તથા નાનાભાઈ ઇચ્છારામના પુત્ર રઘુવીરને દત્તક લઇ સંપ્રદાયના આચાર્યપદે સ્થાપ્યા. તેમણે નરનારાયણ (અમદાવાદ) અને લક્ષ્મીનારાયણ (વડતાલ) એ બે મંદિરોને મુખ્ય રાખી ઉત્તર અને દક્ષિણ એ રીતે બે દેશ-વિભાગો કર્યા. તેમણે અમદાવાદ અને વડતાલ એમ બે જગ્યાએ ગાદીઓ સ્થાપી તેમના ઉત્તરાધિકારીઓ તરીકે અયોધ્યાપ્રસાદ રઘુવીરજી મહારાજને નિમ્યા હતા.

સ્વામિનારાયણીય ચિત્રકલા

Thumb
નારાયણજી સુથારે તૈયાર કરેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રારંભિક ચિત્ર

ચિત્રકલા ભારતીય ઇતિહાસનું એક અવિસ્મરણીય પૃષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણ સાહિત્ય, સંગીત અને ચિત્રકલાના પોષક હતા. તેમણે રાજસ્થાની ચિત્રકલાને અનુસરીને સંપ્રદાયમાં ચિત્રકલાનો વિકાસ કરાવ્યો. સંપ્રદાયના પ્રથમ ચિત્રકાર આધારાનંદ સ્વામી અને નારાયણજી સુતાર છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં કેમેરા ન હોવાથી તેમણે આધારાનંદ સ્વામી અને નારાયણજી સુથાર પાસે પોતાના ચિત્રો તૈયાર કરાવ્યા હતા.

આજે ઘણા મોટા મંદિરોમાં નાનાંનાનાં ચિત્રોને ઇતિહાસના રુપમાં સાચવવામાં આવ્યા છે. પોથીચિત્રના રુપમાં આ સંપ્રદાયમાં આધારાનંદ સ્વામીએ જમયાતના ગ્રંથ સચિત્ર તૈયાર કર્યો છે જેમાં ગરુડ પુરાણ આધારિત યમયાતનાનું વર્ણન છે. તે ઉપરાંત નિષ્કુળાનંદ સ્વામીએ પણ આજ વિષયવસ્તુ પર આધારિત સચિત્ર ગ્રંથયમદંડ રચ્યો છે જે. ઇતિહાસની દ્રષ્ટિએ સંપ્રદાયના આ પોથીચિત્રો ગુજરાતની પોથી ચિત્રકલાના અંતિમ અવશેષરુપ છે[સંદર્ભ આપો].

ભગવાન સ્વામિનારાયણની કુંડલી વઢવાણના જ્યોતિષજ્ઞ લાધારામ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવેલી તેને આધારાનંદ સ્વામીએ ૪૦ મીટર લાંબુ સચિત્રરુપ આપ્યું છે. આ કુંડલીચિત્ર ગાંધિનગર ગુરુકુલના શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી પાસે સંગ્રહિત છે. ફતેહસિંહ વાળા આજે આ સંપ્રદાયના પ્રખ્યાત ચિત્રકાર છે. આધારાનંદસ્વામીના શિષ્ય શ્રીહરિદાસજી સ્વામી પણ ચિત્રકાર હતા. મોગલ પદ્ધતિથી પ્રભાવિત તેમના ચિત્રો આજે પણ અમદાવાદ અને ધોળકા મંદિરનાં સંતનિવાસમાં પ્રતિષ્ઠિત છે. તેમના શિષ્ય સ્વામી હરગોવિંદદાસજી પણ ચિતારા હતા અને તેમની કૃતિઓ ઉત્તર ગુજરાત, ભાલ અને ઝાલાવાડના મંદિરોમાં જોવા મળે છે.

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.