From Wikipedia, the free encyclopedia
પટના પૂર્વ ભારતમાં આવેલાં રાજ્ય બિહારની રાજધાની છે. પટનાનું પ્રાચીન નામ પાટિલપુત્ર હતું. પટના વિશ્વનાં એવા થોડા શહેરોમાંનું એક છે જે ચિર કાળથી આબાદ રહ્યું છે. મેગૅસ્થનીઝ (ઇ.પૂ. ૩૫0-૨૯0)એ પોતાના ભારત ભ્રમણ પશ્ચાત લખેલા પુસ્તક ઇંડિકામાં પલિબોથ્રા (પાટલિપુત્ર - આધુનિક પટના) નગરનો ઉલ્લેખ કર્યો છે જે ગંગા અને અરેન્નોવાસ (સોનભદ્ર-હિરણ્યવાહ)ના પ્રવાહ સંગમ પર વસ્યું હતું. તે પુસ્તકના આંકડાના હિસાબે પટના ૯ માઈલ (૧૪.૫ કિ.મી.)લાંબુ તથા ૧.૭૫ માઈલ (૨.૮ કિ.મી.) પહોળું હતું. આધુનિક પટના શહેર [ગંગા]]ના દક્ષિણી કિનારાથી તે બિંદુ પર સ્થિત છે જ્યાં ગંગા, ઘાઘરા, શોણ અને ગંડક નદીઓને મળે છે . અહીં પવિત્ર ગંગાનું સ્વરુપ નદીનું ન લાગતાં સાગર જેવું લાગે છે - અથાગ, ભયંકર અને અનંત.
લગભગ ૧૨,૦૦,૦૦૦ની વસ્તી ધરાવતું આ શહેર લગભગ ૧૫ કિ.મી. લાંબુ અને ૫-૭ કિ.મી. પહોળુ છે. બૌદ્ધ અને જૈન તીર્થસ્થળ વૈશાલી, રાજગીર(રાજગૃહી), નાલંદા, બોધગયા અને પાવાપુરી પટનાની આજુબાજુમાં આવેલા છે. પટના શીખો માટે પણ પવિત્ર સ્થળ છે કેમકે ૧૦મા તથા અંતિમ શિખ ગુરુ ગુરૂ ગોવિંદ સિંહ અહીં જન્મ્યા હતા. આસપાસના ભગ્નાવશેષ પટનાનાં ઐતિહાસિક ગૌરવને પ્રદર્શિત કરે છે.
ઐતિહાસિક અને પ્રશાસનિક મહત્તા સિવાય, નગર ચિકિત્સા અને શિક્ષાનું પણ કેન્દ્ર છે . દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, કેન્દ્ર સરકારની ઉપેક્ષા અને રાજ્ય સરકારની તમના પ્રત્યેની ઉદાસિનતાએ શૈક્ષણિક સંસ્થાનો, જે ઘણા જૂના અને દેશના શીર્ષસ્થ રહ્યાં છે, તેમની હાલત પાછલા એક દાયકામાં ચિંતાજનક કરી દીધી છે. કિલ્લેબંધ શહેરનો જૂનો વિસ્તાર, જેને પટના સિટીના નામ થી ઓળખવામાં આવે છે તે એક પ્રમુખ વાણિજ્યિક કેન્દ્ર છે. પટના નામ પટન (એક હિંદુ દેવી ) પરથી આવ્યું છે . એક અન્ય મત અનુસાર આ નામ સંસ્કૃતના પત્તનથી આવ્યું છે જેનો અર્થ 'તટીય બંદર' થાય છે. શહેર પાછલી બે સહસ્ત્રાબ્દિઓમાં ઘણા નામ પામી ચુક્યું છે - પાટલિગ્રામ, પાટલિપુત્ર, પુષ્પપુર, કુસુમપુર, અજીમાબાદ અને પટના .
લોકકથાઓ અનુસાર રાજા પત્રકને પટનાના જનક કહેવાય છે, જેણે પોતાની રાણી પાટલિ માટે જાદૂથી આ નગરનું નિર્માણ કર્યું. આ કારણે નગરનું નામ પાટલિગ્રામ પડ્યું. પાટલિપુત્ર નામ પણ આ જ કારણે પડ્યું.
પુરાતાત્વિક સંશોધનો પ્રમાણે પટનાનો ઇતિહાસ ૪૯૦ ઈસ પૂર્વથી શરુ થાય છે જ્યારે શિશુનાગ વંશના શાસક અજાતશત્રુએ પોતાની રાજધાની રાજગૃહથી બદલી અહીં સ્થાપિત કરી, કેમ કે વૈશાલીના લિચ્છવિઓ સાથેનાં સંઘર્ષમાં પાટલિપુત્ર, રાજગૃહ કરતાં વધુ સારા રણનીતિક સ્થાન પર આવેલું હતું. એણે ગંગાના કિનારે આ સ્થાન કરી પોતાનો કિલ્લો સ્થાપ્રો. આ સમયથી આ નગરનો લગાતાર ઇતિહાસ રહ્યો છે - આ ગૌરવ દુનિયાના બહુ ઓછા નગરોને મળ્યું હશે. ભગવાન ગૌતમ બુદ્ધ પોતાના આખરી દિવસોમાં અહીંથી પસાર થયા હતા. એમણે ભવિષ્યવાણી કરી હતી કે નગરનું ભવિષ્ય ઉજ્જવળ હશે, પણ ક્યારેક પૂર, આગ કે અંદરો-અંદરનાં સંઘર્ષના કારણે તે બરબાદ થઇ જશે.
મૌર્ય સામ્રાજ્યના ઉત્કર્ષ પછી પાટલિપુત્ર સત્તાનું કેન્દ્ર બની ગયું. ચન્દ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય બંગાળની ખાડીથી અફઘાનિસ્તાન સુધી ફેલાયું હતું. શરૂઆતનું પાટલિપુત્ર લાકડાં વડે બન્યું હતું પણ સમ્રાટ અશોકે નગરને શિલા-પથ્થરોની રચનામાં ઢાળી દીધું. ચીનના ફાહિયાને, કે જેણે સન્ ૩૯૯ થી ૪૧૪ સુધી ભારત યાત્રા કરી, પોતાના યાત્રા-વૃતાંતમાં અહીંના શૈલ સ્થાપત્યોનું જીવંત વર્ણન કર્યું હતું. મેગાસ્થનીઝ, કે જે એક યુનાની ઇતિહાસકાર અને ચન્દ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક રાજદૂતના નાતે આવ્યા હતા, તેમણે પાટલિપુત્ર નગરનું પ્રથમ લિખિત વિવરણ આપ્યું . જ્ઞાનની શોધમાં પછી કેટલાય ચીની યાત્રી અહીં આવ્યા અને એમણે પણ આ નગર વિશે, પોતાના યાત્રા-વૃતાંતોમાં લખ્યું છે.
આ પછી નગર પર ઘણા રાજવંશોનું રાજ રહ્યું. આ રાજાઓએ અહીંથી જ ભારતીય ઉપમહાદ્વીપ પર શાસન કર્યું . ગુપ્ત વંશનાં શાસનકાળને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે. પણ આ પછી નગરને એવું ગૌરવ કદી મળ્યું નહી જે મૌર્ય વંશના સમયમાં પ્રાપ્ય હતું. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી પટનાનું ભવિષ્ય ઘણું અનિશ્ચિત રહ્યું. ૧૨મી સદીમાં બખ઼્તિયાર ખિલજીએ બિહાર પર પોતાનું આધિપત્ય જમાવ્યું અને ઘણાં ધાર્મિક સ્થાનોને ધ્વસ્ત કરી નાખ્યાં જેથી કરીને પટના, દેશનું સાંસ્કૃતિક અને રાજનૈતિક કેન્દ્ર રહ્યું નહી.
મોગલકાળમાં દિલ્હીના સત્તાધીશોએ અહીં પોતાનું નિયંત્રણ બનાવી રાખ્યું. આ સમયમાં સૌથી ઉત્કૃષ્ઠ સમય ત્યારે આવ્યો જ્યારે શેરશાહ સૂરીએ નગરને પુનર્જીવિત કરવાની કોશિશ કરી. એણે ગંગાના તીરે એક કિલ્લો બનાવવાનું વિચાર્યું. એણે બનાવેલ કોઈ દુર્ગ તો હાલમાં નથી, પરંતુ અફઘાન શૈલીમાં બનાવેલ એક મસ્જિદ અત્યારે પણ જોવા મળે છે. મોગલ બાદશાહ અકબર ઇ.સ. ૧૫૭૪માં અફઘાન સરગના દાઉદ ખાનને કચડી નાખવા પટના આવ્યો. અકબરના મંત્રી તેમજ આઇને અકબરીના લેખક અબુલ ફઝલે આ જગ્યાને કાગળ, પત્થર તથા કાચનાં સંપન્ન ઔદ્યોગિક કેન્દ્રના રૂપમાં વર્ણવી છે. પટના રાઇસના નામથી યુરોપમાં પ્રસિદ્ધ ચોખાની વિભિન્ન જાતોની ગુણવત્તાનો ઉલ્લેખ પણ આ વિવરણોમાં મળે છે. મોગલ બાદશાહ ઔરંગઝેબે પોતાના પ્રિય પૌત્ર મુહમ્મદ અઝીમના અનુરોધ પર ૧૭૦૪માં, શહેરનું નામ અજીમાબાદ કરી દીધું . અઝીમ આ સમયે પટનાનો સૂબેદાર હતો. પણ આ કાળખંડમાં, નામ સિવાય પટનામાં કંઇ વિશેષ બદલાવ થયો નહી.
મોગલ સામ્રાજ્યના પતનની સાથે જ પટના બંગાળના નવાબોને શાસનાધીન થઇ ગયું. તેમણે આ ક્ષેત્ર પર ભારે કર લાદ્યો, પરંતુ પટણાને વાણિજ્યિક કેન્દ્ર બની રહેવાની છૂટ આપી. ૧૭મી સદીમાં પટના આંતર્રાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્ર બની ગયું. અંગ્રેજોએ ૧૬૨૦માં અહીં રેશમ તથા કેલિકો (સફેદ કાપડ)ના વેપાર માટે કારખાનાં ખોલ્યાં. ઝડપથી આ સૉલ્ટ પીટર (પોટેશિયમ નાઇટ્રેટ)ના વેપારનું કેન્દ્ર બની ગયું જેના કારણે ફ્રેંચ અને ડચ લોકો સાથે સ્પર્ધા વધી ગઇ.
બક્સરના નિર્ણાયક યુદ્ધ પછી નગર ઇસ્ટ ઇંડિયા કંપનીનાં નેજા હેઠળ ચાલી ગયું અને વાણિજ્યનું કેન્દ્ર બની રહ્યું. ઇ.સ. ૧૯૧૨માં બંગાળના વિભાજન પછી, પટના, ઓરિસ્સા તથા બિહારની રાજધાની બન્યું. આઈ એફ મુન્નિંગે પટનાના ભવનોનું નિર્માણ શરૂ કર્યું - સંગ્રહાલય, ઉચ્ચ ન્યાયાલય વિધાનસભા ભવન વગેરેના નિર્માણનું શ્રેય એમને જ આપવું રહ્યું. અમુક લોકોનું કહેવું છે કે પટનાનાં નવા મકાનોના નિર્માણમાં પ્રાપ્ત થયેલી આવડત દિલ્લીના શાસનિક ક્ષેત્રના નિર્માણમાં ખૂબ કામ આવી.
૧૯૩૫માં ઓરિસ્સાને બિહારથી અલગ કરી એક રાજ્ય બનાવી દેવામાં આવ્યું . પટના જુના રાજ્યની રાજધાની બની રહ્યું . ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં શહેરે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી . ગળીની ખેતી માટે જે ચમ્પારણનું આંદોલન તથા ૧૯૪૨નું ભારત છોડો આંદોલન થયું એત્માં અહીંથી ઉલ્લેખનીય નામો છે. આઝાદી પછી પણ પટના બિહારની રાજધાની તરિકે બરકરાર રહ્યું . ઇ.સ. ૨૦૦૦માં ઝારખંડ રાજ્ય બન્યા પછી હજી સુધી આ બિહારની રાજધાની છે.
પટના ગંગાના દક્ષિણી તટ પર સ્થિત છે જે શહેર સાથે એક લાંબી તટ રેખા બનાવે છે. પટનાનો પૂર્વથી પશ્ચિમ એમ પટામાં લંબાયેલું છે. શહેર ત્રણ તરફથી ગંગા, શોણ નદી અને પુનપુન નદીઓથી ઘેરાયેલું છે. ઉત્તરમાં ગંગા ને સામે પાર ગંડક નદી પણ ગંગામાં આવી મળે છે. મહાત્મા ગાંધી પુલ કે જે પટનાથી હાજીપુરને જોડવા માટે ગંગા નદી પર બાંધવામાં આવ્યો છે તે દુનિયાનો સૌથી લાંબો, એક જ નદી પર બનેલ, સડક પુલ છે. આની લંબાઈ ૫૮00 મીટર એટલે કે ૫.૮ કિ.મી. છે.
બિહારના અન્ય ભાગોની જેમ પટનામાં પણ ઉનાળામાં તાપમાન ઊંચુ રહે છે. ગ્રીષ્મ ઋતુમાં સૂરજનો સીધો તાપ તથા ઉષ્ણ તરંગોંને કારણે ગરમી અસહ્ય થઈ જાય છે. જોકે દેશના અન્ય મેદાની ભાગો (જેમકે દિલ્લી)ની સરખામણિઇએ ઓછું હોય છે. ચાર મોટી નદીઓની નજીક હોવાથી શહેરમાં ભેજનું પ્રમાણ આખું વર્ષ અધિક રહે છે. ઉનાળો એપ્રિલમાં શરૂ થઈ જૂન-જુલાઈ મહીનામાં પોતાના ચરમ પર હોય છે જ્યારે તાપમાન ૪૬ ડિગ્રી સુધી પહોંચી જાય છે. જુલાઈમાં ચોમાસૂ ઝાપટાંથી રાહત પહોંચે છે અને વર્ષા ઋતુના શ્રીગણેશ થાય છે. નવેમ્બરથી શીયાળાનો આરંભ થાય છે જે ફેબ્રુઆરી સુધી ચાલે છે. ફેબ્રુઆરીમાં વસંતનું આગમન થાય છે તથા માર્ચમાં આના અવસાન સાથે જ ઋતુ ચક્ર પૂરુ થઈ જાય છે.
પટનાની વસ્તિ ૧૨,૮૫,૪૭૦ (૨૦૦૧ વસ્તિ ગણતરી મુજબ) છે કે જે ૧૯૯૧માં ૯,૧૭,૨૪૩ હતી. વસ્તીની ગીચતા ૧૧૩૨ વ્યક્તિ પ્રતિ ચો.કિ.મી. છે. સ્ત્રી/પુરૂષ પ્રમાણ છે - ૮૩૯ સ્ત્રી પ્રતિ ૧,૦૦૦ પુરૂષ. સાક્ષરતાનો દર ૬૨.૯%, સ્ત્રી સાક્ષરતા ૫0.૮% છે.[1] પટનામાં અપરાધનો દર અપેક્ષાકૃત ઓછો છે . મુખ્ય જેલ બેઉરમાં છે. પટનામાં ઘણી ભાષાઓ તથા બોલીઓ બોલાય છે. હિન્દી રાજ્યની સરકારી ભાષા છે. અંગ્રેજીનો પણ ઉપયોગ થાય છે. મગધી અહીંની સ્થાનીક ભાષા છે. અન્ય ભાષાઓ, કે જે બિહારના અન્ય ભાગોમાંથી આવેલા લોકોની માતૃભાષા છે, તેમાં અંગિકા, ભોજપુરી અને મૈથિલી મુખ્ય છે. અન્ય ભાષાઓંમાં બાંગ્લા અને ઉડ઼િયાનું નામ લઈ શકાય છે. પટનાના મેમણને પાટની મેમણ કહે છે અને એમની ભાષા મેમણી ભાષાનું એક સ્વરૂપ છે.
પટનાનું મુખ્ય જનજીવન અંગ તથા મિથિલા પ્રદેશોથી ઘણું પ્રભાવિત છે. આ સંસ્કૃતિ બંગાળને મળતી આવે છે.
સ્ત્રીઓનું પરિવારમાં સન્માન થાય છે તથા પારિવારિક નિર્ણયોંમાં એમની વાત પણ સાંભળવામાં આવે છે. છતાં સ્ત્રીઓ હજી સુધી ઘરના કમાઊ સદસ્યોંમાં નથી પણ તેમની દશા ઉત્તર ભારત કે અન્ય ક્ષેત્રોની સરખામણીએ સારી છે. ક્યાંક ક્યાંક સ્ત્રીઓનું શોષણ પણ થાય છે.
અધિકતર વિવાહ માતા-પિતા દ્વારા જ નિર્ધારિત-નિર્દેશાનુસાર થતાં હોય છે. વિવાદમાં સંતાનની ઇચ્છાની માન્યતા પરિવાર પર નિર્ભર કરે છે. વિવાહને પવિત્ર માનવામાં આવે છે . લગ્ન ઉત્સવની જેમ મનાવવામાં આવે છે અને આ દરમ્યાન સંસ્કૃતિક કાર્યક્રમોંની ભરમાર રહે છે. વાસ્તવમાં જો અમુક પર્વોં ને છોડી દઈએ તો લગ્નના અવસર પર જ કલાની સર્વોત્તમ ઝાંખી મળી શકે છે. આ અવસર પર ખર્ચ અને ભોજનની અધિકતા રહે છે. દહેજનું ચલન હજી સુધી ઘણાં પરિવારોમા છે.
દીવાળી, દુર્ગાપૂજા, હોળી, ઈદ, ક્રિસમસ આદિ લોકપ્રિયતમ પર્વો માં છે .
દશહરા (દશેરા)માં સાંસ્કૃતિક કાર્યક્રમોની લાંબી પણ ક્ષીણ પરંપરા છે. આ પરંપરાની શરુઆત વર્ષ ૧૯૪૪માં મધ્ય પટનાના ગોવિંદ મિત્રા રોડ મુહલ્લેથી થઈ. ધુરંધર સંગીતજ્ઞોંની સાથે-સાથે મોટા કવ્વાલ અને મુકેશ તથા તલત મહમૂદ જેવા ગાયક પણ આની સાથે જોડાયેલા હતાં. ૧૯૫૦ થી ૧૯૮૦ સુધી તો એમ જ લાગી રહ્યું હતું કે દેશના સર્વોત્કૃષ્ટ સંગીતકારોનું તીર્થ બની ગયું છે પટના. ડીવી પલુસ્કર, ઓમકાર નાથ ઠાકુર, ભીમસેન જોશી, અલી અકબર ખાન, નિખિલ બૅનર્જી, વિનાયક રાવ પટવર્ધન, પંડિત જસરાજ, કુમાર ગંધર્વ, બીજી જોગ, અહમદ જાન થિરકવા, બિરજૂ મહારાજ, સિતારા દેવી, કિશન મહારાજ, ગુદઈ મહારાજ, બિસ્મિલ્લા ખાન, હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શર્મા ... ઘણી લાંબી સૂચી છે . પંડિત રવિશંકર અને ઉસ્તાદ અમીર ખાન ને બાદ કરતા બાકી લગભગ દરેક નામી સંગીતજ્ઞો પટનાના દશેરા સંગીત સમારંભની શોભા બની ચુક્યા હતાં. ૬0 વર્ષ પહેલાં પટનાના દશેરા અને સંગીતનો જે સંબંધ સૂત્ર કાયમ થયો હતો તે ૮૦ના દશકમાં આવી તૂટી ગયો. તે પરંપરાને ફરીથી જોડવાનો એક તથાકથિત સરકારી પ્રયાસ વર્ષ ૨00૬ના દશેરાના મોકા પર કરવામાં આવ્યો પણ અસફળ રહ્યો.
લોકોનું મુખ્ય ભોજન ભાત-દાળ-રોટી-તરકારી(શાક)-અચાર(અથાણું) છે. સરસવનું તેલ પારંપરિક રૂપથી ભોજન તૈયાર કરવામાં વપરાય છે. ખિચડી, જે ચોખા તથા દાળ સાથે અમુક મસાલાને મેળવી બનાવવામાં આવે છે, તે ઘણી લોકપ્રિય છે. ખિચડી, મોટેભાગે શનિવારે, દહી, પાપડ, ઘી, અચાર તથા ચોખા (ભાત નહી તે નામની વાનગી) સાથે પીરસાય છે.
પટના કેન્દ્રીય બિહારના મિષ્ટાન્નો તથા પકવાનો માટે પણ પ્રસિદ્ધ છે. આમાં ખાજા, મોતીચૂરના લાડુ, કાલા જામુન, કેસરિયા પેંડા, પરવળની મિઠાઈ, ખુબીની લાઈ અને ચના મર્કીનું નામ લઈ શકાય છે. આ પકવાનો પટનાની આજુબાજુનામ્ વિસ્તારોનાં નામ સાથે (કે જે તેમનાં ઉદ્ગમ સ્થાન છે) પ્રખ્યાત છે, જેમકે સિલાવનાં ખાજા, મનેરના લાડુ, વિક્રમના કાલા જામુન, ગયાના કેસરિયા પેડા, બખ્તિયારપુરની ખુબીની લાઈ, ના ચના મર્કી, બિહિયાની પૂરી વિગેરે ઉલ્લેખનીય છે. હલવાઈઓના વંશજ, પટનાના નગરીય ક્ષેત્રમાં મોટી સંખ્યામાં વસી ગયા આ કારણે અહીં નગરમાં જ સારા પકવાન તથા મિઠાઈઓ ઉપલબ્ધ થઈ જાય છે. બંગાળી મિઠાઈઓ જે હંમેશા ચાશણીમાં ડૂબી રહે છે, તેથી અવળાં અહીં ના પકવાન મોટેભાગે સૂકા હોય છે.
આ સિવાય નીચેના પકવાનોનું ચલણ પણ ઘણું છે -
માંસાહારી વાનગીઓ પણ લોકપ્રિય છે. માછલી ઘણી લોકપ્રિય છે, અને મુગ઼લ વાનગીઓ પણ પટનામાં જોઈ શકાય છે. હાલમાં કૉન્ટિનેન્ટલ ખાણાને પણ લોકો પસંદ કરવા લાગ્યાં છે. ઘણી જાતના રોલ, જે ન્યૂયૉર્કમાં પણ ઉપલબ્ધ છે, તેનું મૂળ પટના જ છે. ભારતનં ભાગલા સમયે ઘણાં મુસ્લિમ પરિવાર પાકિસ્તાન ચાલ્યાં ગયા અને ત્યાર બાદ અમેરિકા. પોતાની સાથે-સાથે તેઓ અહીંની સંસ્કૃતિ પણ લઈ ગયા. તે ઘણા શાકાહારી તથા માંસાહારી રોલ બિહારી નામથી ન્યૂયાર્કમાં વેચે છે.
ભારતીય રેલ દ્વારા પટના દેશના અન્ય સૌ મહત્વપૂર્ણ શહેરો સાથે જોડાયેલું છે. પટનાથી જવાવાળા રેલવે માર્ગ છે- પટના-મોકામા, પટના-મુગલસરાઈ તથા પટના-ગયા. પટના પૂર્વ રેલવેના મુખ્ય માર્ગ પર સ્થિત છે. પટનામાં એક રાષ્ટ્રીય હવાઈ પટ્ટી (રનવે) પણ છે જેનું નામ લોકનાયક જયપ્રકાશ નારાયણ હવાઈ અડ્ડા રાખવામાં આવ્યું છે. અહીંથી દિલ્લી, રાંચી, કોલકાતા, મુંબઈ તથા અમુક અન્ય શહેરો માટે નિયમિત સેવા ઉપલબ્ધ છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ ક્રમાંક ૩૧, શહેરની પાસેથી પસાર થાય છે. પટનાથી બિહારના અન્ય શહેરો પણ સડક માર્ગે જોડાયેલાં છે. બિહારના દરેક તથા ઝારખંડના અમુક શહેરો માટે નિયમિત બસ-સેવા ઉપલબ્ધ છે.
ગંગા નદીનો પ્રયોગ વાહનવ્યવહાર માટે હાલ સુધી થતો હતો આની ઉપર પુલ બની જવાથી તેનું પરિવહન માટે મહત્વ નથી રહ્યું. સ્થાનીય પરિવહન બસ સેવા અમુક વિસ્તારો માટે ઉપલબ્ધ છે પણ નગરની મુખ્ય પરિવહન સેવા ઑટોરિક્શા છે (જેને ટેમ્પો પણ કહેવાય છે).
પ્રાચીન કાળમાં વ્યાપારનું કેન્દ્ર રહેલ આ શહેરમાં હવે નિકાસ કરવા લાયક ઓછાં ઉત્પાદન જ બને છે, જોકે બિહારના અન્ય ભાગોમાં પટનાના પૂર્વી જૂના ભાગ (પટના સિટી)માં નિર્મિત માલની માંગ હોવાથી અમુક ઉદ્યોગ ધંધા ફલી ફૂલી રહ્યાં છે .
પટનામાં નિમ્નલિખિત જોવાલાયક સ્થળો છે,
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.