From Wikipedia, the free encyclopedia
મહારાજ વિચિત્રવિર્ય ના જન્મથી અંધ[1] પુત્ર ધૃતરાષ્ટ્ર (સંસ્કૃત: धृतराष्ट्र, અર્થ: "સારો રાજા"[2])ને તેના ભાઈ પાંડુ બાદ હસ્તિનાપુરનો રાજા બનાવવામા આવ્યો હતો. તેના વિવાહ ગાંધારી સાથે કરવામા આવ્યા હતા. પાંડુના મૃત્યુ પછી તે હસ્તિનાપુરનો રાજા બન્યો હતો.
વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબિકા તથા અંબાલિકાથી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીએ ભીષ્મને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા. ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબિકાથી આંખો મીચાઇ ગઇ, આમ તે અંધ ધૃતરાષ્ટ્રની માતા બની.
ધૃતરાષ્ટ્ર, પાંડુ તથા વિદુરને શિક્ષા ભીષ્મએ આપી જેમા ધૃતરાષ્ટ્ર ખુબજ બળવાન હતા, પાંડુ ધનુર વિદ્યામાં તથા વિદુર નીતિમા નિપુણ હતા. તે અંધ હોવાને લીધે તેમની બદલે પાંડુને રાજા બનાવવામા આવ્યા. પરંતુ આ વાત ધૃતરાષ્ટ્રને અંતરથી ખુંચતી રહી. પાંડુના અકાળે અવસાનને લીધે તેમની જગ્યાએ ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં આવ્યા.
વનવાસ દરમિયાન કુંતીને ત્રણ તથા માદ્રીને બે પુત્રો થયા જ્યારે બીજી બાજુ ગાંધારીને સો પુત્રો થયા. આ બધા પુત્રો મા યુધિષ્ઠિર સૌથી મોટો હોવાથી યુવરાજ પદનો નૈસર્ગિક અધિકારી હતો. પરંતુ, ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ તેને દુર્યોધનને રાજ્ય આપવા પ્રેરતો હતો. આખરે વિવાદ ટાળવા માટે ધૃતરાષ્ટ્રએ હસ્તિનાપુરના બે ભાગ કરી બિનઉપજાઉ તથા ભૌગોલિક રીતે પ્રતિકુળ એવું ખાંડવપ્રસ્થ પાંડવો ને આપ્યું.
યુધિષ્ઠિર જ્યારે શકુની, દુર્યોધન, દુશાસન, અને કર્ણ સામે જ્યારે દ્યુત હાર્યો ત્યારે ધૃતરાષ્ટ્ર તે સભામાં હાજર હતાં. દર એક પાસા સાથે એક પછી એક એમ રાજા યુધિષ્ઠિર પોતાનું રાજ્ય, પોતાની સંપત્તિ, પોતાના ભાઈ અને છેવટે પોતાની પત્નીને પણ હારી બેઠાં. જ્યારે દુશાસને ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ધૃતરાષ્ટ્ર ચૂપ રહ્યાં. છેવટે, પાંડવોના ક્રોધાવેશ તળે થનારા વિનાશનો અંદેશો આવતા તેમનું હૈયું ભયાંવીત થયું અને અંતરાઅત્મા જાગૃત થયો. પાંચ ભાઈઓના ક્રોધને ખાળવા તેમણે પાંડવો દ્વારા દ્યુતમાં ગુમાવેલુ સર્વ તેમને પાછું દઇ દીધુ. શકુનીએ ફરી એક વાર યુધિષ્ઠિરને રમવા લલકાર્યો અને ફરી યુધિષ્ઠિર હાર્યો આ વખતે હારનું ઋણ અને પોતાનું રાજ્ય મેળવવા માટે ૧૪ વર્ષ વનવાસમાં ગાળવાની શર્ત રાખવામાં આવી. ધૃતરાષ્ટ્રને ઘણાં લોકોએ સલાહ આપી કે પાંડવો પોતાનું આવું અપમાન ભુલશે નહિ. તેમને ફરી ફરીને એ પણ યાદ દેવડાવવામાં આવ્યું કે પિતા તરીકેના તેમના પ્રેમ કરતાં રાજા તરીકેનું તેમનું કર્તવ્ય પહેલાં આવવું જોઇએ.
ભૂત ભવિષ્ય અને વર્તમાન જોવાની વ્યાસ ઋષી દ્વારા મળેલી દિવ્ય દૃષ્ટીથી સારથિ સંજયે અંધ રાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ કુરુક્ષેત્રના યુદ્ધની મહત્વની ઘટનાઓનું વર્ણન કર્યું. દિવસે દિવસે ભીમ દ્વારા હણવાતા પોતાના પુત્રોની સંખ્યામાં થતો વધારો જોઇ તે ચિંતિત થઈ ઉઠતાં. દુર્યોધનને યુધ્ધમાં જતો રોકવાની પોતાની મજબૂરી માટે તે પોતાને વારંવાર કોસતા રહ્યાં. સંજય તેમને સાંત્વન આપતાં રહ્યાં પણ એ પણ યાદ દેવડાવતાં રહ્યા કે ધર્મ પાંડવોના પક્ષે છે અને અર્જુન અને કૃષ્ણ સામેનું યુદ્ધમાં ગમે તેટલું બળ હોય તેમ છતાં જીતી શકાય નહિ.
મહાયુદ્ધના અંતે પોતાના ૧૦૦ પુત્રોની મૃત્યુથી અંધ રાજા ધૃતરાષ્ટ્ર અત્યંત શોકાતુર થઇ ગયાં. સિંહાસન પર બેસવા પહેલાં જ્યારે પાંડવો તેમની પાસે આશિર્વાદ મેળવવા ગયાં ત્યારે તેમણે સૌને બાથમાં લીધાં. કૃષ્ણ જાણતા હતાં કે વ્યાસજી દ્વારા મળેલા વરદાન થકી અંધ રાજા ધૃતરાષ્ટ્ર માં હજાર હાથીઓનું બળ હતું. ભીમનો વારો આવ્યો ત્યારે ચપળતાથી ભીમને હટાવી તેમણે લોખંડની ભીમની મૂર્તિ આડી ધરી દીધી.
જ્યારે ધૃતરાષ્ટ્રના મગજમાં એ વાત યાદ આવી કે જે વ્યક્તિને તે ભેટી રહ્યો છે તેણે જ તેના ૧૦૦ પુત્રોનો દયાહીન વધ કર્યો છે ત્યારે તેનો ક્રોધાવેગ એટલો પ્રચંડ બજી ગયો કે લોખંડની મૂર્તિ ભસ્મ બની ગઇ. આમ ભીમને બચાવી લેવામાં આવ્યો. ધૃતરાષ્ટ્રએ પોતાને સંભાળ્યા અને પાંડવોને આશિર્વાદ આપ્યાં.
યુધિષ્ઠિરને ઇંદ્રપ્રસ્થ અને હસ્તિનાપુર બન્નેના રાજા બનાવવામાં આવ્યાં. યુદ્ધમાં બન્ને પક્ષે ધણાં મહાન વીર અને અસંખ્ય સૈનિકો માર્યા ગયાં હતાં. યુધિષ્ઠિરે ફરી દયા બતાવીને ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરના રાજા બની રહેવા કહ્યું. ધૃતરાષ્ટ્રની ભૂલો અને તેના પુત્રોની દૃષ્ટતા છતાં યુધિષ્ઠિરે તેમને વડીલ તરીકે પૂરું સન્માન અને સલામતી આપી. ઘણાં વર્ષ રાજ્ય કર્યું માટે તે ગાંધારી કુંતી અને વિદુર સાથે વાનપ્રસ્થાશ્રમ માટે જંગલમાં ચાલ્યાં ગયાં અને હિમાલયના જંગલમાં લાગેલી એક દાવાનળમાં મૃત્યુ પામ્યાં.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.