મૌર્ય સમ્રાટ From Wikipedia, the free encyclopedia
ચંદ્રગુપ્ત મૌર્ય, (શાસન: ઇ.સ. પૂર્વે ૩૨૧-૨૯૭ [3][4][5][6]) મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો. નંદ વંશના રાજા ધનાનંદના શાસનનો અંત કરી તેણે સમગ્ર ભારતને એક શાસન હેઠળ લાવી ભારતીય ઉપખંડના વિશાળતમ સામ્રાજ્યની રચના કરી હતી. ઉત્તરમાં ગાંધાર, કાબુલ, બલૂચિસ્તાનથી લઈને પશ્ચિમ (સૌરાષ્ટ્ર, કોંકણ) અને દક્ષિણ ભારતના રાજ્યો (હાલના તમિલનાડુ, કેરળ) સુધી સત્તાનો વ્યાપ વધાર્યો હતો. ચંદ્રગુપ્ત એક કુશળ યોદ્ધો, સેનાનાયક તથા મહાન વિજેતા હોવાની સાથોસાથ યોગ્ય શાસક પણ હતો. તેણે મંત્રી કૌટિલ્ય (ચાણક્ય)ની સહાયથી સુદૃઢ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઉભી કરી. જૈન સંદર્ભ અનુસાર તેણે જીવનના અંતિમ વર્ષોમાં રાજપાટનો ત્યાગ કરીને આચાર્ય ભદ્રબાહુની સાથે નિરાહાર સમાધિસ્થ થઈને પ્રાણ ત્યાગ કર્યો હતો. ગ્રીક રાજદૂત મેગસ્થનીજ ચંદ્રગુપ્તના દરબારમાં ચાર વર્ષ સુધી રહ્યો હતો.
ચંદ્રગુપ્ત મૌર્ય | |
---|---|
ચંદ્રગુપ્ત મૌર્ય, લક્ષ્મીનારાયણ મંદિર | |
૧લો મોર્ય શાસક | |
શાસન | c. 324 – c. 297 BCE[1] |
પુરોગામી | નંદ સામ્રાજ્યનો ધન નંદ |
અનુગામી | બિંદુસાર |
જન્મ | ઈ.પૂ. ૩૪૦[સંદર્ભ આપો] પિપળીવન (હવે નેપાળની તળેટીમાં)[સંદર્ભ આપો] |
મૃત્યુ | ઈ.પૂ. ૨૯૭ (ઉંમર ૪૧-૪૨)[1] શ્રવણબેલગોલા, કર્ણાટક[2] |
જીવનસાથી | દુર્ધરા અને સેક્લુયલ પ્રથમ નિક્ટરની પુત્રી હેલન |
વંશજ | બિંદુસાર |
ગ્રીક | સેન્ડ્રોકોટ્ટસ |
વંશ | મૌર્ય વંશ |
ધર્મ | જૈન ધર્મ |
ચંદ્રગુપ્તના વંશ તેમજ પ્રારંભિક જીવન વિશે અલગ અલગ કિંવદંતિઓ અને પુરાણકથાઓ જોવા મળે છે. બૌદ્ધ સ્રોત મહાવંશમાં ચંદ્રગુપ્તનું વર્ણન પિપ્પલીવનના ક્ષત્રિય વંશજ તરીકે જોવા મળે છે. તે અનુસાર ચંદ્રગુપ્ત 'મોરિયા' કબીલાનો વંશજ હતો. કોશલ રાજ્યના રાજાના આક્રમણથી પ્રતાડિત થયેલા કબીલાના લોકોને તેમનું પૈતૃક નિવાસસ્થળ છોડી અન્ય સ્થળે વસવાની ફરજ પડી હતી. નવા વસવાટનું ક્ષેત્ર ત્યાંના મોર (પાલી ભાષામાં “મોરા”) પક્ષી માટે ખ્યાત હતું. જેના પરથી તેઓ 'મોરિયા' કહેવાયા.[7]
હેમચંદ્રના પરિશિષ્ઠપર્વણમાં ચંદ્રગુપ્તને 'મોર પાલકોના પ્રમુખની પુત્રીનો પુત્ર' દર્શાવ્યો છે.[7] કેટલાંક પૌરાણિક સ્રોત મૌર્યવંશને શુદ્ર અને અકુલિન દર્શાવે છે. વિશાખાદત્તના મુદ્રારાક્ષસમાં ચંદ્રગુપ્ત માટે વૃષલ અને કુળહીન તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે.[8] વૃષલ શબ્દનો અર્થ શુદ્રપુત્ર એવો થાય છે. જેથી ઘણા ઈતિહાસકારો ચંદ્રગુપ્તને શુદ્ર વંશ સંબંધિત હોવાનું સ્વીકારે છે. જોકે, ઇતિહાસકાર આર. કે. મુખર્જી આ સિદ્ધાંતથી અલગ મત દર્શાવે છે. તેમના તર્ક અનુસાર નાટકમાં વૃષલ શબ્દનો ઉપયોગ કેવળ ચંદ્રગુપ્તના શત્રુઓ દ્વારા જ કરવામાં આવ્યો છે. તેનો બીજો અર્થ 'રાજાઓમાં સર્વશ્રેષ્ઠ' થાય છે. ઉપરાંત નાટકોમાં ઘણી જગ્યાએ આ શબ્દ ચાણક્ય દ્વારા પ્રેમવશ ઉલ્લેખ કરાયો છે. ઇતિહાસકાર જસ્ટીનને ટાંકીને મુખર્જી એ મત દોહરાવે છે કે, ચંદ્રગુપ્ત “વિનમ્ર પરિવારમાં જન્મ્યો પરંતુ નિયતિ દ્વારા રાજપરિવાર મેળવવાની આકાંક્ષા માટે પ્રેરિત કરાયો.”[9]
માર્કંડેય પુરાણમાં મૌર્ય વંશનો અસુર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. આ પ્રકારના નકારાત્મક વિવરણનું કારણ મૌર્ય શાસકોનો જૈન અને બૌદ્ધ ધર્મ પ્રત્યેનો ઝુકાવ જવાબદાર હોઈ શકે છે.[10]
કોઇપણ પ્રાચીન ગ્રંથમાં ચંદ્રગુપ્તના ચોક્કસ જન્મસમય વિશે ઉલ્લેખ જોવા મળતો નથી. પ્લુટાર્કના મતે તે એક યુવા વ્યક્તિ હતો જેણે એલેકઝાંડર (સિકંદર)ને ભારત પરના આક્રમણ સમયે (ઈ.પૂ. ૩૨૬-૩૨૫) જોયો હતો. આથી માની શકાય કે તેનો જન્મ ઇ.સ.પૂર્વે ૩૫૦ પછી થયો હશે. ઇતિહાસકાર ઇરફાન હબીબ અને વિવેકાનંદ ઝા ચંદ્રગુપ્તનો શાસનકાળ ઇ.સ.પૂર્વે ૩૨૨–૨૯૮ માને છે.[11]
ગ્રીક અને રોમન સંદર્ભગ્રંથો અનુસાર ચંદ્રગુપ્ત ભારત પર સિકંદરના આક્રમણ પશ્ચાત સત્તા પર આવ્યો હતો તથા સિકંદરના મૃત્યુ બાદ તેના પ્રાંતો પર હુમલો કરી કબજો જમાવ્યો હતો. આ ગ્રંથોમાં એ પણ ઉલ્લેખ છે કે સિકંદરના નિધન બાદ તેનો સેનાપતિ સેલ્યુકસ નિકેટર બેબિલોનની ગાદી પર બેઠો હતો જેની સાથેના ભીષણ યુદ્ધ (ઇ.સ.પૂ.૩૦૧) પહેલાં ચંદ્રગુપ્તે તેની સાથે સંધિ કરી હતી.[12] આ ગ્રંથોમાં ચંદ્રગુપ્તના શાસનકાળ વિશે કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી પરંતુ ભારતીય શાસ્ત્રો તેની શાસનાવધિ ૨૪ વર્ષની જણાવે છે.[13]
બૌદ્ધ પરંપરા અનુસાર ગૌતમ બુદ્ધના મૃત્યુના ૧૬૨ વર્ષ પશ્ચાત ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ થયું હતું. સિંહાલી (શ્રીલંકન) બૌદ્ધ પરંપરા અનુસાર બુદ્ધનું મૃત્યુ ઇ.સ.પૂર્વે ૫૪૪માં થયું હતું. જ્યારે કેન્ટોનીઝ પરંપરા અનુસાર ઇ.સ.પૂર્વે ૪૮૬માં થયું હતું. આ રીતે બૌદ્ધ પરંપરા અનુસાર ચંદ્રગુપ્તના રાજ્યારોહણનો સમયગાળો ઇ.સ.પૂર્વે ૩૮૨ અથવા ઇ.સ.પૂર્વે ૩૨૪ હોઇ શકે. ઐતિહાસિક પુરાવા ઇ.સ.પૂર્વે ૩૮૨નું સમર્થન નથી કરતા. પરંતુ ગ્રીક અને રોમન ગ્રંથ-દસ્તાવેજોમાં આપેલી તારીખો ઇ.સ.પૂર્વે ૩૨૪ની સમકાલીન માલૂમ પડે છે.[14]
હેમચંદ્રાચાર્યના પરિશિષ્ટપર્વણ અને ૧૨મી સદીના અન્ય જૈન ગ્રંથોના મત અનુસાર ચંદ્રગુપ્તે મહાવીરના મૃત્યુના ૧૫૫ વર્ષ પશ્ચાત રાજ્યસત્તા ગ્રહણ કરી હતી. ૧૪મી સદીના જૈન લેખક મેરુતુંગાએ તેમના ગ્રંથ વિચારશ્રેણીમાં અન્ય સ્રોતોનો ઉલ્લેખ કર્યો છે જે દર્શાવે છે કે મહાવીરના મૃત્યુના ૨૧૫ વર્ષ બાદ ચંદ્રગુપ્ત સત્તામાં આવ્યો. મેરુતુંગાના કાળક્રમ અનુસાર આ તિથિ ઇ.સ.પૂર્વે ૩૧૩ની આસપાસની જણાય છે. જોકે, મહાવીરની નિર્વાણતિથિ પણ ચર્ચાનો વિષય છે. મેરુતુંગાના નિષ્કર્ષ પર જૈન લેખકોમાં જ મતમતાંતર છે. તથા આ તિથિને બૌદ્ધ મતનું સમર્થન પણ પ્રાપ્ત થતું નથી.[14]
ભારતીય ઇતિહાસનો ઘટનાક્રમ (Chronology) નક્કી કરવામાં ચંદ્રગુપ્તનો સમય મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય ઇતિહાસનો ઘટનાક્રમ (chronology) રચવાનો પ્રથમ પ્રયાસ ૧૮મી સદીમાં વીલીયમ જોન (William Nones) અને બીજા અંગેજ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો.[15] અંગ્રજોએ પ્રાચીન પુરાણ અને સાહિત્યમાં આપેલ રાજાઓની વંશાવલી અને સમય નકારી બીજા સંદર્ભ તપાસ્યા. ભારતીય ઇતિહાસની કોઇ પણ ઘટનાનો સમય નક્કી થઈ શકે તેમ ન હતો. એટલા માટે સમયઘટના નક્કી કરવા અંગ્રેજોએ પ્રાચીન ગ્રીકના સંદર્ભ તપાસ્યા. કારણ કે એલેક્ષજેંડરએ (સીકંદર) જ્યારે ભારતીય સીમાડા ઉપર હુમલો કર્યો હતો ત્યારે ગ્રીકના ઇતિહાસકાર તેની સાથે હતા. જેમણે તે સમયના ભારતીય રાજાઓના ઉલ્લેખ કર્યા છે. સીકંદરનો સમય ઈ.સ.પૂ. ૩૫૬–૩૨૩ નક્કી હોવાથી તે સમયના ભારતીય રાજાઓના સમય નક્કી કરવામાં આવ્યા.[16] આ રાજાઓના સમય ઉપરથી પ્રાચીનકાળથી મધ્યકાળ સુધીના ઘટનાક્રમનો સમય નક્કી કરવામાં આવ્યો જેને એન્કર સીટ(Anchor sheet) કહેવામાં આવે છે. ગ્રીક સંદર્ભ પ્રમાણે સીકંદરના મૃત્યુના સમયે ભારતમાં સેન્ડ્રોકોટ્ટસે (sandrakottus) ભારતના રાજા ક્ષેનડ્રામેશને (Xandrames) મારી પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. સેન્ડ્રોકોટ્ટસ પછી તેના પુત્ર સંડ્રાકાપ્ટસે (sandracyptus) ભારત ઉપર રાજ કર્યું હતું. અંગેજ ઇતિહાસકારોએ સેન્ડ્રોકોટ્ટસના શબ્દમાં સમાનતા હોવાથી તેને ચંદ્રગુપ્ત મૌર્યની ઓળખ આપી. તે ઉપરથી તેનો સમય ઈ.સ.પૂ. ત્રીજી સદી નક્કી કરવામાં આવ્યો. સેન્ડ્રોકોટ્ટસ અને ચંદ્રગુપ્તને એકજ માની લેવામાં આવ્યા. ગ્રીક સંદર્ભ સેન્ડ્રોકોટ્ટસના (જેને ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખવામા આવે છે) પૂર્વાધિકારી તરીકે ક્ષેન્ડ્રામેશનુ નામ આપે છે જેને મહાપડ્મનંદા તરીકે ઓળખાવામાં આવે છે. અને ઉત્તરાધિકારી તરીકે સંડ્રાકાપ્ટસનુ નામ આપે છે જેને બિંદુસાર તરીકે ઓળખાવામાં આવે છે.[6].
ચંદ્રગુપ્ત મૌર્યનો સમય ત્રીજી સદી નક્કી થવાથી અશોકરાજા (ચંદ્રગુપ્તની ત્રીજી પેઢી) અને ભગવાન બુદ્ધનો સમય નક્કી કરવામાં આવ્યો આવી રીતે પ્રાચીન કાળથી મધ્યકાળ સુધીના ઇતિહાસનો સમય નક્કી કરવામાં ચંદ્રગુપ્તનો સમય મહત્વનો ભાગ ભજવે છે. પણ અન્ય ઇતિહાસકારોએ અંગ્રેજ ઇતિહાસકારોને પડકાર કર્યા છે કે ગ્રીક સંદર્ભમાં સેન્ડ્રોકોટ્ટસ એટલે મૌર્ય સામ્રાજ્યના ચંદ્રગુપ્ત નહી પણ ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્ત.[17][18][3][19][20][21] જે સમયથી સેન્ડ્રોકોટ્ટસને ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાવામાં આવે છે તે દિવસથી વિખ્યાત ઇતિહાસકાર એમ. ટ્રોયર[22], ટી.એસ, નારાયણ શાસ્ત્રી[23], એન. જગન્નનાથરાવ[24], એમ. ક્રીષ્નામચાર્યાર[25], કોટા વેંકટચલમ[4], પંડીત ભગવાદત્તા, ડી. એસ. ત્રિવેદી[26] અને બીજા ઇતિહાસકારોએ વિરોધ દર્શાવ્યો છે કે સિકંદરના સમકાલીન રાજા ચંદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્યના હતા, મૌર્ય સામ્રજ્યના નહી. તેની પાછળ ઘણા પ્રામાણિક કારણ આપતા કહેવામાં આવે છે કે સેન્ડ્રોકોટ્ટસનો પૂર્વાધિકારી ક્ષેન્ડ્રામીશ હતો ક્ષન્ડ્રામેસનુ નામ રાજા ચંદ્રમાસ સાથે મળે છે જેને મારી ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્તએ રાજ્ય સ્થાપ્યું હતુ. અને સેન્ડ્રોકોટ્ટસનો ઉત્તરાધિકારી સંડ્રાકાપ્ટસ હતો જેનું નામ ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્તના ઉત્તરાધિકારી સમુદ્રગુપ્તના નામ સાથે મળે છે અને ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્ત ઈ.સ.પૂ. ત્રીજી સદીમાં હોવા જોઇએ નહી કે ઈ.સ. સદીમાં. આ ઉપરથી અંગ્રેજ ઇતિહાસકાર ઉપર ભારતીયના પ્રાચીન ઇતિહાસને ટૂંકો કરવાનો આક્ષેપ છે. પુરાણ અને બીજા પ્રમાણ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક ઈ.સ.પૂ. ૧૫૩૪માં થયો હતો અને ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્તનો સમય ઈ.પૂ. ૩૬૮ હતો.
ચંદ્રગુપ્ત [27]મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો. ચાણક્ય દ્વારા તક્ષશિલામાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સૌ પ્રથમ તેણે સેના નિર્માણનું કાર્ય આરંભ્યુ.[28] પ્લૂટાર્કના મત અનુસાર ચંદ્રગુપ્ત પાસે ૬ લાખ સૈનિકોની વિશાળ સેના હતી.[8]તેણે સશસ્ત્ર સૈન્યબળ ઉભું કર્યું હતું, જસ્ટીન અને અન્ય ઇતિહાસકારો નોંધે છે કે સેનામાંના સૈનિકો ભાડૂતી, શિકારી અને ડાકુ હતા.[29]
સેનાગઠન બાદ ઇ.સ.પૂર્વે ૩૨૩માં સિકંદરનું મૃત્યુ થવાથી તેના અધીન ભારતીય ભૂભાગ પંજાબને મુક્ત કરાવ્યો. ઇ.સ.પૂર્વે ૩૨૨ની આસપાસ ચંદ્રગુપ્તની સેનાએ પાટલીપુત્ર પર પોતાનો કબજો જમાવ્યો.[9] જૈન કૃતિ પરિશિષ્ઠપર્વણના વર્ણન અનુસાર ચાણક્યએ મગધના પડોશી રાજ્યના શાસક રાજા પર્વતક સાથે ચંદ્રગુપ્તની સંધિ કરાવી તથા બન્નેની સંયુક્ત સેનાઓ દ્વારા પાટલીપુત્રને ઘેરી લઈ નંદને આત્મસમર્પણ માટે વિવશ કરવામાં આવ્યો.
સિકંદરના મૃત્યુ બાદ તેના સેનાપતિ સેલ્યુકસ સાથે ઇ.સ.પૂર્વે ૩૦૫માં થયેલા યુદ્ધમાં વિજય સંધિ અનુસાર સેલ્યુકસે અર્કોસિયા (કન્ધાર) અને પરોપનિસડે (કાબુલ) પ્રાંત સહિત ગેડ્રોસિયાનો (બલૂચિસ્તાન) વિસ્તાર ચંદ્રગુપ્તને સોપ્યો. આ ઉપરાંત ૫૦૦ હાથી ભેટ આપ્યાનો ઉલ્લેખ છે. બન્ને રાજ્યો વચ્ચે વૈવાહિક સંધિ અનુસાર સેલ્યુકસની પુત્રી હેલેનાનો ચંદ્રગુપ્ત સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો હતો. સેલ્યુકસે મેગસ્થનીજને તેના રાજદૂત તરીકે ચંદ્રગુપ્તના રાજદરબારમાં નિયુક્ત કરી પારસ્પરિક સંબંધોને ગાઢ કર્યા હતા.
ઉત્તર-પશ્ચિમી ક્ષેત્રો પર ચંદ્રગુપ્તના વિજય અભિયાનની પુષ્ટી કેટલાક પરોક્ષ સાક્ષ્ય પરથી પ્રાપ્ત થાય છે. મૈસૂરમાંથી મળી આવેલા શિલાલેખો અનુસાર ઉત્તરી મૈસૂરમાં ચંદ્રગુપ્તનું શાસન હતું. ઈ.સ. ૧૫૦ના રુદ્રાદામન પ્રથમના ગિરનાર શિલાલેખોમાં આનર્ત અને સૌરાષ્ટ્ર (ગુજરાત) પ્રદેશના ચંદ્રગુપ્તના પ્રાંતીય રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા સંચાઇ માટે બંધ બાંધવામાં આવ્યાનો ઉલ્લેખ છે. પાલી ગ્રંથ સુર્પારક અનુસાર મહારષ્ટ્રના અત્યારના ઠાણે જીલ્લા ઉપરાંત સોપારા (કોંકણ) સુધી ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય વિસ્તરાયેલું હતું. અશોકના બીજા તથા તેરમા શિલાલેખમાં સામ્રાજ્યની સીમાઓ તથા ચોલ, પાંડ્ય, તથા કેરળના સમીપવર્તી રાજ્યોનો ઉલ્લેખ જોવા મળે છે.
આ વિશાળ સામ્રાજ્યની શાસન-વ્યવસ્થા એ સરળ કાર્ય નહોતું. ચંદ્રગુપ્તે તેના મંત્રી અને સલાહકાર ચાણક્યની મદદથી લોકભોગ્ય શાસન વ્યવસ્થા સ્થાપિત કરી હતી. મૌર્ય શાસન વ્યવસ્થા એક રીતે મગધના પૂર્વ શાસકોની વ્યવસ્થાનું વિસ્તૃત રૂપ હતું. વિદ્વાનોને મતે મૌર્ય વ્યવસ્થા પર તત્કાલીન યુનાની શાસન વ્યવસ્થાનો પણ થોડો ઘણો પ્રભાવ જોવા મળે છે. ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ સત્તાનું કેન્દ્રીકરણ, વિકસિત અધિકારતંત્ર, સુદૃઢ ન્યાયપ્રણાલી, કૃષિ તેમજ વેપાર વાણિજ્યની વૃદ્ધિ વગેરે છે.[32]
ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થા લોકકેન્દ્રી હતી જે તેના અનુગામી શાસકોએ પણ અપનાવી હતી. દાસ અને અન્ય કર્મકારોને તેમના માલિકોના અત્યાચારથી બચાવવા હેતું વિસ્તૃત નિયમો બનાવવામાં આવ્યા હતા. અનાથ, ગરીબ, મૃત સૈનિકો તેમજ રાજ્યના કર્મચારીઓના પરિવારોની ભરણપોષણની જવાબદારી રાજ્ય ઉપર રહેતી હતી. વ્યાપારીઓ તથા શિલ્પીઓના જાનમાલની સુરક્ષા સુદૃઢ કરવામાં આવી હતી તથા સામાન્ય જનતાના અનુચિત શોષણ સામે કઠોર નિયમો બનાવવામાં આવ્યા હતા.[33]
મૌર્ય શાસન વ્યવસ્થાના વિસ્તૃત વિવેચન પ્રમાણે ચંદ્રગુપ્તનું શાસન એક કલ્યાણકારી રાજ્યની ધારણા ચરિતાર્થ કરે છે. જોકે, કંઈક અંશે તે નિરંકુશ જણાય છે. દંડ વ્યવસ્થા અત્યંતિક કઠોર જોવા મળે છે તથા વ્યક્તિ સ્વાતંત્ર્યનો સર્વથા લોપ જોવા મળે છે. જોકે, આ તર્ક સામે એ દલીલ પણ કરવામાં આવે છે કે એક નવજાત વિશાળ સામ્રાજ્યની સુચારૂ શાસન-સુરક્ષા માટે તે જરૂરી છે.[33]
ચાણક્ય અર્થશાસ્ત્રમાં નોંધે છે કે પ્રજાના સુખમાં જ રાજાનું સુખ નિહિત છે તથા પ્રજાની ભલાઈ એ જ રાજાની ભલાઈ છે. રાજાને સારુ લાગે તે હિતકર નથી પરંતુ હિતકર તે છે જે પ્રજાને સારુ લાગે, [33]આમ, અર્થશાસ્ત્રના અભ્યાસ પરથી પણ ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થાના આદર્શો અને લક્ષ્યોની રૂપરેખા મળી આવે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.