From Wikipedia, the free encyclopedia
કારતક સુદ પૂનમ સંવત ૧૫૨૬ (ઇ.સ.૧૪૬૯, ૧૫ નવેમ્બર)માં હાલ પાકિસ્તાનમાં છે તે તલવંડી ગામમાં નાનકનો જન્મ થયો. આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી જે બેદી કુળના હતા. માતા ત્રિપ્તાદેવી અને એક મોટી બહેન હતી નાનકી. નાનકનો જન્મ થતાં દાયણ દૌલતાં આનંદવિભોર થઇ ગઇ. મહેતા કલ્યાણદાસને વધાઇ આપતાં બોલી, ‘તમારે ત્યાં કોઇ અવતારી પુરુષનો જન્મ થયો છે. હું તો તેનાં દર્શનથી જ નિહાલ થઇ ગઇ.’ ચારે તરફ આનંદ છવાઇ ગયો.
બાળક નાનક નાનપણથી જ વિશિષ્ટ વ્યકિતત્વવાળા હતા. તેમની બાળલીલા અને મધુર વાણીવર્તનથી બહેન નાનકી ખૂબ પ્રભાવિત થતી. એકવાર બાળક નાનક પરિવારની ભેંસો ચારવા જંગલમાં ગયા. જયાં એક વૃક્ષ નીચે સૂઇ ગયા. થોડા સમયમાં વૃક્ષની છાયાની દિશા ફરતાં નાનકના મુખ પર તડકો આવવા લાગ્યો. એટલામાં એક ફણીધર નાગ કયાંકથી આવ્યો અને તેમના મુખ પર છાયો પડે તેમ બેસી ગયો. ગામનો ચૌધરી રાયબુલાર ઘોડા પર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. બાળકનાં દર્શન કરી ધન્ય થઇ ગયો. હંમેશ માટે તેમનો શ્રદ્ધાળુ બની ગયો.
બાળક નાનકને જનોઇ આપવાનો સમય થયો. પંડિત હરદયાળ જનોઇ લઇને આવ્યા. નાનક બોલ્યા આ જનોઇ તો મેલી થઇ જશે, તૂટી જશે ત્યારે પંડિતજી બોલ્યા, તમારે કેવી જનોઇ જૉઇએ છે નાનકે જવાબ આપ્યો. દયા કપાહ, સંતોષ સૂત, જતગંઢી, સતવટ એટલે કે દયા રૂપી કપાસમાંથી સંતોષ રૂપી સૂતર બનાવો. જેના પર સતના વળ ચઢાવી જત (સંયમ) ની ગાંઠો વાળો. પંડિતજી એવી જનોઇ હોય તો આપો જે ના તૂટે, ના મેલી થાય, ન બળે ન નષ્ટ થાય જેને ધારણ કરવાથી આત્માનું કલ્યાણ થાય. પંડિતજી તો આ સાંભળીને આશ્ચર્યથી જૉઇ જ રહ્યા.
નાનકને પાઠશાળામાં ભણવા મોકલવામાં આવ્યા તો પંડિતજી પાટી પર જે મૂળાક્ષર લખી આપે નાનક તે મૂળાક્ષરથી શરૂ થઇ પ્રભુસ્તતિની કાવ્યપંકિત લખી નાખતા. પંડિતજીએ પિતા કલ્યાણદાસને કહ્યું કે નાનક તો જન્મથી જ જ્ઞાની છે તેને હું શું ભણાવું? કાજી પાસે મોકલ્યા તો તેમનો પણ એ જ અનુભવ રહ્યો. માતા અને બહેન નાનકથી વારી વારી જતાં પણ પિતા કલ્યાણદાસ વ્યાપારી મનોવૃત્તિના હતા. તેથી તેમણે વિચાર્યું નાનક ભણતો નથી તો તેને વેપારમાં પલોટવો જૉઇએ.
પિતાએ નાનકને વીસ રૂપિયા આપ્યા અને કહ્યું કોઇ લાભનો સોદો કરી આવો. નાનક પોતાના મિત્ર બાલાને લઇને નીકળ્યા. કેટલાક ગાઉ ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી જે ત્રણ-ચાર દિવસથી ભૂખ્યા હતા. નાનકે વીસ રૂપિયાની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુઓને ભોજન કરાવી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગને સરચા સૌદા કહેવામાં આવે છે. આજે ત્યાં વિશાળ ગુરુદ્વારા છે. નાનક ધેર ગયા તો પિતાએ હકીકત જાણી અને ક્રોધથી પુત્રને લાફો માર્યો. બહેન નાનકી ખૂબ વ્યથિત થઇ અને ચૌધરી રાયબુલારે પણ કલ્યાણદાસને કહ્યું તારું જે નુકસાન થાય તે મારી પાસેથી લેજે પણ અલ્લાહના નૂર આ નાનક પર ક્રોધ ન કરીશ.
નાનકીનાં લગ્ન જયરામજી સાથે થયાં હતાં. તે નાનકને પોતાની સાથે સાસરીમાં લઇ ગઇ જયાં જયરામજીએ સુલતાનપુરના નવાબ દોલતખાનના મોદીખાનામાં નાનકને નોકરી પર રખાયા ત્યાં પણ નાનક ગરીબોને મફત અનાજ આપી દેતા. ગણતરી વખતે તેરનો આંકડો આવે ત્યારે તેરા-તેરા સબ કુછ તેરા (હે પ્રભુ તારું જ છે.) એમ પ્રભુલીન થઇ જતા. કેટલાક ઇર્ષાળુ કર્મચારીઓએ નવાબને ફરિયાદ કરી, નાનક તમારું અનાજ લૂંટાવી રહ્યા છે. હિસાબ જૉવામાં આવ્યો તો ખોટને બદલે ઉપરથી નફો થયેલો હતો. નવાબે માફી માગી છતાં નાનકે તે નોકરી છોડી દીધી. તેમનાં લગ્ન સુલક્ષણી નામની સન્નારી સાથે થયાં હતાં. તેમને ત્યાં બે પુત્રોનો જન્મ પણ થઇ ચૂકયો હતો. એક શ્રીચંદ અને બીજા લક્ષ્મીચંદ.
હવે ગુરુનાનકે ઇશ્વરીય સંદેશ જગતમાં ફેલાવવાના હેતુથી પગપાળા પ્રવાસ કરવાનું નક્કી કર્યું. તેમની સાથે તેમના બે સાથી હતા. એક હિન્દુ મિત્ર બાલા, બીજૉ મુસ્લિમ મરદાના. પહેલી યાત્રા પૂર્વ તરફ જેમાં જગન્નાથપુરી, બંગાળ, આસામ, બર્મા, નાગાલેન્ડ અને ચીનના કેટલાક પ્રદેશમાં ગયા. બીજી યાત્રા પિશ્ચમ તરફ કરી જેમાં ગુજરાતના લખતર બંદરેથી અરબસ્તાનમાં મક્કા, મદીના, કરબલા, બગદાદ, ઇરાક, ઇરાન અફઘાનિસ્તાન થઇ પાછા હિન્દુસ્તાન આવ્યા.
અહીં મક્કામાં અનેક હાજીઓ મળ્યા. તેમણે નાનક સાથે વિચાર વિમર્શ કર્યા. રાત્રે નાનક સૂઇ ગયા ત્યારે તેમના પગ કાબા તરફ થઇ ગયા. કાજી આવ્યા ક્રોધથી લાત મારીને બોલ્યા, એ કાફર, ખુદાના ઘર તરફ પગ કરીને કેમ સૂતો છે? નાનકે જવાબ આપ્યો બિરાદર બહુ થાકી ગયો છું જયાં ખુદાનું ઘર ન હોય તે તરફ મારા પગ કરી દે. કાજીએ ગુસ્સાથી નાનકના પગ ફેરવી નાખ્યા પણ તેને ફરી નાનકના પગ તરફ જ કાબા દેખાવા માંડયું. તેણે ઘણી વખત પ્રયત્ન કર્યોપણ દરેક વખત નાનકના પગ તરફ જ કાબાનાં દર્શન થતાં. તેમના પગે પડયો. ગુરુનાનક બોલ્યા, બિરાદર અલ્લાહ કે ઇશ્વર સર્વવ્યાપી છે.
એ જ રીતે હરિદ્વારમાં પિતૃ તર્પણ કરતા લોકોને પણ ઉપદેશ આપ્યો કે જીવતે જીવ માતા-પિતાની સેવા કરો. મૃત્યુ પછી પિતૃ તર્પણ કે શ્રાદ્ધ કરવા કરતાં એ વધુ જરૂરી છે. તેમણે ભૂમિયા ચોરનો ઉદ્ધાર કર્યો. કૌડા રાક્ષસ જે માનવભક્ષી ભીલ જાતિનો નેતા હતો તેને ઉપદેશ આપી સાચો માનવ બનાવ્યો અને જાતિમાંથી નરબલિની પ્રથા બંધ કરાવી. બાવીસ વર્ષના ભ્રમણ પછી કરતારપુર પોતાને ગામ આવ્યા. ખેતી કામ કરવા લાગ્યા. ગરીબો માટે લંગર (મફત ભોજન) શરૂ કર્યા. આમ પોતાના આચરણ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો.
… કિરત કરો: પરિશ્રમ કરી કમાઓ. … વહેંચીને ખાઓ અને જરૂરિયાત વાળાને દાન કરો. … નામ જપો અને પ્રભુભકિત કરો. … સત્કર્મ કરો … ઇશ્વર એક છે આપણે સૌ તેમનાં સંતાન છીએ. … સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખો. … સાદું અને પવિત્ર જીવન જીવો. … તેમના શિષ્યો જ સિકખ કે શીખ કહેવાયા.
તેમના પરમજયોતિમા લીન થવા વિશે એવી વાયકા છે કે ઇ.સ.૧૫૩૯ બાવીસમી સપ્ટેમ્બર, ભાદરવા વદ દસમે તેમણે સ્વેરછાએ દેહત્યાગ કર્યો. હિન્દુ-મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ ખૂબ વ્યથિત થયા. સાથે મતભેદ પેદા થયો. હિન્દુ તેમના અંતિમ સંસ્કાર કરવા માગતા હતા જયારે મુસ્લિમ તેમને દફનાવવા માગતા હતા પણ જયારે ચાદર હટાવવામાં આવી તો ચાદર નીચે માત્ર સફેદ ફૂલોનો ઢગલો હતો.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.