ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
ગુજરાતમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય / From Wikipedia, the free encyclopedia
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી. તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે, જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી.[1] આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં, તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલો છે.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
સિંહ અને કુટુંબ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે | |
સ્થળ | જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લો ગુજરાત, ભારત |
નજીકનું શહેર | વેરાવળ |
અક્ષાંશ-રેખાંશ | 21°08′08″N 70°47′48″E |
વિસ્તાર | ૨૫૮ ચો.કિ.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કિ.મી. અભયારણ્ય |
સ્થાપના | ૧૯૬પ |
મુલાકાતીઓ | ૬૦૧૪૮ (in ૨૦૦૪) |
નિયામક સંસ્થા | Forest Department of Gujarat |
આ એશિયાઇ સિંહો (Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપારિસ્થિતિક તંત્ર, તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોના રક્ષણમાં ખૂબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઈ હતી.
એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિંહ નોંધાયેલા હતા, જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨નો વધારો સૂચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસલને રક્ષણ આપવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ સિંહ નોંધાયા હતા, જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨નો વધારો સૂચવે છે. ૨૦૧૫ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષ કરતાંં ૧૧૨નો વધારો સૂચવે છે.[2]