મહાભારતનું પાત્ર, ધૃતરાષ્ટ્રની પત્નિ અને કૌરવોની માતા ગાંધારી From Wikipedia, the free encyclopedia
ગાંધારી (સંસ્કૃત : गांधारी, 'ગાંધારની એક સ્ત્રી') હિંદુ મહાકાવ્ય મહાભારતનું એક મુખ્ય પાત્ર છે. તે ગાંધાર (આધુનિક કંદહાર) ની રાજકુમારી અને હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને સો કૌરવોની માતા હતી.[1] મહાભારતમાં તેને આંખે પાટા બાંધેલી દર્શાવવામાં આવી છે, જે તેણે પોતાના અંધ પતિની જેમ જીવવા માટે પહેરી હતી.
ગાંધારી | |
---|---|
મહાભારતનું પાત્ર | |
માહિતી | |
જીવનસાથી | ધૃતરાષ્ટ્ર |
બાળકો | દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ અને બીજા ૯૭ પુત્રોની સાથે દુઃશલા નામની પુત્રી |
ગાંધારીના પતિવ્રતાપણાને સદ્ગુણનું લક્ષણ માનવામાં આવે છે અને તે મહાકાવ્યની સૌથી આદરણીય નૈતિક શક્તિઓમાં સામેલ છે. તેણે માત્ર એક અંધ માણસ સાથે જ લગ્ન કર્યા ન હતા, પરંતુ તેના લગ્ન સમયે પોતાના પતિની નબળાઇ અને દુઃખ વહેંચવા માટે બાકીની જિંદગી પોતે એક અંધ મહિલા તરીકે ગાળવાનો સંકલ્પ કર્યો હતો. આખી જીંદગી તેણે આંખો પર પટ્ટી બાંધી રાખી પોતાને દૃષ્ટિની શક્તિથી વંચિત રાખી. કૌરવો અને તેમના પિતરાઇ ભાઈઓ વચ્ચેના મહાન યુદ્ધ દરમિયાન તેણે તેના તમામ સો પુત્રોની મૃત્યુની સાક્ષી આપી હતી; તેણે કૃષ્ણને શ્રાપ આપ્યો હતો તેમનો વંશ (કુળ) પણ તે જ રીતે નાશ પામશે. અંતે તે તેના પતિ સાથે વનવાસમાં છેલ્લા દિવસો ગાળવા માટે નિવૃત્ત થયા.[1]
ગાંધારીનો જન્મ સુબાલા અને સુધર્માને ત્યાં થયો હતો, જે ગાંધારના રાજા અને રાણી હતા. ગાંધારની રાજકુમારી હોવાથી તેઓ ગાંધારી કહેવાયા. એક કુમારિકા તરીકે, ગાંધારી તેની ધર્મનિષ્ઠા અને સદ્ગુણી સ્વભાવ માટે જાણીતી હતી. ગાંધારીને દેવી મતિનો અવતાર માનવામાં આવે છે.[2] તે શકુનીની નાની બહેન હતી. હાલમાં આ ગાંધાર અફઘાનિસ્તાનમાં કંદહારને નામે ઓળખાય છે.
કહેવાય છે કે એક કુમારિકા તરીકે તેમણે તપસ્યા દ્વારા શિવને પ્રભાવિત કર્યા હતા અને ૧૦૦ બાળકોને જન્મ આપવાનું વરદાન મેળવ્યું હતું. જો કે તેની તપસ્યા અને તેને આવું વરદાન મળવાનું કારણ જાણી શકાયું નથી. વૈકલ્પિક સંસ્કરણોમાં, તેણીએ વેદ વ્યાસને તેના કૃપાળુ અને ઉદાર સ્વભાવથી પ્રભાવિત કર્યા હોવાનું કહેવાય છે. ભીષ્મ દ્વારા ગાંધારીને કુરુ રાજ્યની જ્યેષ્ઠ પુત્રવધૂ તરીકે પસંદ કરવાનું એક મુખ્ય કારણ આ વરદાન હોવાનું કહેવાય છે, જેણે સિંહાસન ખાલી રહેવાની ભીષ્મની ચિંતાને સમાપ્ત કરી દીધી હતી.
ગાંધારીના લગ્ન કુરુ રાજ્યના સૌથી મોટા રાજકુમાર ધૃતરાષ્ટ્ર સાથે નક્કી કરવામાં આવ્યા હતા. મહાભારતમાં તેને એક ધર્મનિષ્ઠ સ્ત્રી, સુંદર અને સદ્ગુણી તરીકે દર્શાવવામાં આવી છે. તેમના લગ્ન ભીષ્મ દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે તેને ખબર પડી કે તેનો ભાવિ પતિ આંધળો જન્મ્યો છે, ત્યારે તેણે પોતાના પતિના અનુભવોનું અનુકરણ કરવા માટે આંખે પટ્ટી બાંધવાનું નક્કી કર્યું. એવું કહેવામાં આવે છે કે પોતાની આંખે પટ્ટી બાંધવાનું કૃત્ય સમર્પણ અને પ્રેમની નિશાની હતી. ઊલટું, ઇરાવતી કર્વે, દેવદત્ત પટ્ટનાયક અને ઘણા આધુનિક વિદ્વાનોએ એવી ચર્ચા કરી છે કે આંખે પટ્ટી બાંધવાનું આ કૃત્ય ભીષ્મ અને કુરુ વંશ સામે વિરોધનું કૃત્ય હતું, કારણ કે તેણે હસ્તિનાપુરના અંધ રાજકુમારને લગ્નમાં પોતાનો હાથ આપવા માટે તેના પિતાને ડરાવ્યા હતા.[3]
મહાભારતમાં તેના લગ્નને વાર્તાના મુખ્ય સંઘર્ષનું પ્રમુખ કારણ દર્શાવવામાં આવ્યું છે, કારણ કે તેનો ભાઈ શકુની એ જાણીને ગુસ્સો ભરાયો હતો કે તેનો પતિ આંધળો છે. જો કે વ્યાસના મહાભારતમાં શકુનીએ ગાંધારીના ધૃતરાષ્ટ્ર સાથેના લગ્ન સામે વાંધો ઉઠાવ્યો હોવાનો કોઈ ઉલ્લેખ નથી. મહાભારતના આદિ પર્વ મુજબ શકુની ગાંધારીને લગ્ન માટે હસ્તિનાપુર લઈ આવ્યો હતો. કુરુ વંશના વડીલોએ ગાંધારીનું સ્વાગત કર્યું અને શકુનીએ હસ્તિનાપુરને ઘણી ભેટો આપી અને પોતાના રાજ્યમાં પાછો ફર્યો.[4]
તેના પતિ ધૃતરાષ્ટ્રને જ્યેષ્ઠ પુત્ર હોવા છતાં તેના અંધત્વને કારણે રાજગાદીથી વંચિત રાખી સિંહાસન તેના નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું. કિદામા ઋષિ દ્વારા શાપ આપ્યા પછી, પાંડુએ પશ્ચાત્તાપ કરવા માટે પોતાનું રાજ્ય છોડી દીધું. ઘટનાઓના આ વળાંક સાથે, તેના પતિને હસ્તિનાપુરના રાજાનો તાજ પહેરાવવામાં આવ્યો અને તે રાણી બની.[5]
એક વાર થાકેલા વેદવ્યાસ ગાંધારીના મહેલમાં આવ્યા. વ્યાસ ગાંધારીના આતિથ્ય-સત્કારથી પ્રભાવિત થયા અને તેમણે તેને "શક્તિ અને ઉપલબ્ધિઓમાં તેના સ્વામીની સમકક્ષ સો પુત્રો"નું એક વરદાન આપ્યું.[6] તે ગર્ભવતી બની હતી પરંતુ તેનો ગર્ભાવસ્થાનો સમય અસમાન્ય રીતે બે વર્ષથી પણ વધુ લાંબો સમય રહ્યો. જ્યારે તેણે સાંભળ્યું કે કુંતીએ પાંડવોમાં સૌથી મોટા પુત્ર યુધિષ્ઠિરને જન્મ આપ્યો છે, ત્યારે તેણીએ હતાશામાં તેના પેટ પર પ્રહાર કર્યો, જેના પરિણામે બાળક નહીં પણ "લોખંડના દડા" જેવા "માંસના સખત ગઠ્ઠા" નો જન્મ થયો.[6]
કુરુ વડીલો માંસના ગઠ્ઠાનો ત્યાગ કરવાની તૈયારીમાં જ હતા કે તરત જ વેદવ્યાસ ત્યાં આવી પહોંચ્યા. વ્યાસ સમક્ષ, તેણે કુંતી પ્રત્યેની ઈર્ષ્યાનો સ્વીકાર કર્યો અને તેમણે આપેલા વરદાન વિશે ફરિયાદ કરી. વેદ વ્યાસે તેને ખાતરી આપી કે તે ક્યારેય "અસત્ય" બોલ્યા નથી અને આદેશ આપ્યો કે "માખણથી ભરેલા સો વાસણો તાત્કાલિક લાવવામાં આવે અને તેને કોઈ ગુપ્ત જગ્યાએ મૂકવામાં આવે. આ દરમિયાન, માંસના આ દડા પર ઠંડુ પાણીનો છંટકાવ થવા દો".[6]
માંસનો ગઠ્ઠો સો ભાગમાં કાપી નાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ગાંધારીએ જાહેર કર્યું કે તેને એક પુત્રી પણ જોઈએ છે ત્યારે એકસો એક ભાગ બનાવવા માટે ગઠ્ઠાને ફરી એકવાર કાપવામાં આવ્યો. પછી વ્યાસ "ચોખ્ખું માખણ ભરેલો બીજો ઘડો લાવ્યા અને તેમાં એક દીકરી માટે ઈચ્છિત ભાગ મૂકી દીધો." માંસના આ ટુકડાઓ, "પાણીના છંટકાવ"થી એક મહિના દરમિયાન વિકાસ પામ્યા અને ગાંધારીના સો પુત્રો અને બાળકોમાં સૌથી નાની એકમાત્ર પુત્રી દુશલાનો જન્મ થયો.[6][7]
પોતાના પહેલા પુત્ર દુર્યોધનના જન્મ પછી, ઘણાં અપશુકનો થયા. એ બાળક "ગધેડાની જેમ રડવા અને રેંકવા લાગ્યું" અને "હિંસક હવા" અને "વિભિન્ન દિશામાં આગ" પેદા થવાનું કારણ બન્યો. ભયભીત ધૃતરાષ્ટ્રએ વિદુર, ભીષ્મઅને અન્ય કુરુઓ અને અનેક બ્રાહ્મણોને તેના પ્રથમ પુત્રની ગાદી પર ઉત્તરાધિકારીની સંભાવના વિશે બોલાવ્યા. અપશુકનોનું નિરીક્ષણ કરીને, વિદુર અને બ્રાહ્મણોએ સૂચવ્યું કે બાળક કુરુ કુળનો વિનાશ કરી શકે છે આથી રાજાને તેના પ્રથમ પુત્રનો ત્યાગ કરવાનું મંતવ્ય આપ્યું, પરંતુ તેના પ્રથમ જન્મેલા બાળક પ્રત્યેના પૈતૃક પ્રેમને કારણે તેણે આ સલાહને અવગણવાનું પસંદ કર્યું.[6]
એવું માનવામાં આવે છે કે ગાંધારીએ તેની આંખે પાટા બાંધેલી સ્થિતિમાં એક જ હેતુપૂર્ણ અપવાદ કર્યો હતો, જ્યારે ગાંધારીએ પોતાના સૌથી જ્યેષ્ઠ પુત્ર દુર્યોધનને બચાવવા માટે આંખના પાટા છોડી એક જ નજરમાં પોતાની બધી જ શક્તિ પોતાના પુત્રના શરીરમાં રેડી દીધી અને દુર્યોધનનું આખું શરીર, સિવાય કે તેની કમર, વજ્ર જેવું મજબૂત બનાવી દીધું. કૃષ્ણએ દુર્યોધનને તેની માતાને મળતા પહેલાં તેના અંગત ભાગોને ઢાંકવાનું સૂચન કરી ગાંધારીની યોજનાને નિષ્ફળ બનાવી દીધી.[8]
કુરુક્ષેત્રના યુદ્ધના અઢારમા દિવસે તેમની નિર્ણાયક મુઠભેડ વખતે ભીમે દુર્યોધનની જાંઘ તોડી નાખી, જે અલંકારિક રીતે કમરપટ્ટાની નીચે આઘાત કરવાની એક ચાલ હતી. તેની લોકપ્રિયતા હોવા છતાં વેદ વ્યાસ દ્વારા લખાયેલા મહાભારતના મૂળ સંસ્કરણમાં વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વ્યાસના મહાભારત મુજબ, દુર્યોધને ભીમ સામે લડતી વખતે, તેની શ્રેષ્ઠ ગદા કુશળતાનું પ્રદર્શન કર્યું, જેના કારણે ભીમ તેને હરાવી શક્યો નહીં અને તેને મારવા માટે નિયમો તોડવો પડ્યો.[9]
ગાંધારીના બધા જ પુત્રો કુરુક્ષેત્રમાં, ખાસ કરીને ભીમના હાથે, તેમના પિતરાઈ ભાઈઓ પાંડવો સામેના યુદ્ધમાં માર્યા ગયા હતા. કહેવાય છે કે આ સમાચાર સાંભળીને આંખની પટ્ટીની એક નાનકડી જગ્યામાંથી તેની નજર યુધિષ્ઠિરના પગના અંગૂઠા પર પડી. તેના ક્રોધ અને શક્તિને કારણે તેનો સ્વચ્છ અંગૂઠો કાળો પડી ગયો હતો. જ્યારે તેણે પાંડવોના બધા પુત્રો (ઉપપાંડવો)ના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારે તેણે પાંડવોને ગળે લગાવ્યા અને તેમની ખોટ માટે તેમને દિલાસો આપ્યો. પાછળથી તેનો ક્રોધ કૃષ્ણ તરફ વળ્યો, કારણ કે તેણે આ બધા વિનાશને થવા દીધો.[10] તેણીએ શાપ આપ્યો કે કૃષ્ણ, તેનું શહેર અને તેની બધી પ્રજાનો નાશ થઈ જશે. કૃષ્ણએ શ્રાપ સ્વીકારી લીધો. મહાયુદ્ધના ૩૬ વર્ષ પછી જ્યારે એક તહેવારમાં યાદવો વચ્ચેની લડાઈ ફાટી નીકળ્યા બાદ યદુ રાજવંશનો નાશ થયો ત્યારે તેના શાપે તેનો માર્ગ અપનાવ્યો. કૃષ્ણ ૧૨૬ વર્ષ જીવ્યા પછી તેમના સ્વર્ગીય નિવાસ સ્થાને ગયા. તેના ગાયબ થયાના બરાબર સાત દિવસ પછી સુવર્ણ નગરી દ્વારકા ડૂબી ગયું. ગાંધારીએ પોતાના પતિ ધૃતરાષ્ટ્ર, દિયર વિદુર અને ભાભી કુંતી સાથે યુદ્ધના લગભગ ૧૫ વર્ષ બાદ હસ્તિનાપુર છોડીને તપસ્યા કરી હતી. કહેવાય છે કે તે હિમાલયમાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને કુંતીની સાથે જંગલની અગ્નિમાં મૃત્યુ પામી હતી અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી.
મહાભારત ગાંધારીને તેના ઉચ્ચ નૈતિક ધોરણોનો શ્રેય આપે છે. જોકે, તેના પુત્રોને ખલનાયક તરીકે દર્શાવવામાં આવ્યા છે, છતાં તેણીએ વારંવાર તેના પુત્રોને ધર્મનું પાલન કરવા અને પાંડવો સાથે શાંતિ કરવા વિનંતી કરી. પ્રખ્યાત રીતે, જ્યારે દુર્યોધન કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન તેના વિજયના આશીર્વાદ માંગતો, ત્યારે ગાંધારી ફક્ત એટલું જ કહેતા હતા કે "વિજયને ન્યાયીપણાનો પક્ષ મળે". ગાંધારીનો પ્રમુખ દોષ તેને પોતાના પુત્રો પ્રત્યેનો પ્રેમ હતો, ખાસ કરીને તેના પહેલા જન્મેલા દુર્યોધન પ્રત્યેનો પ્રેમ, જે તેને ઘણી વાર તેના ખતરનાક ચારિત્ર્ય પ્રત્યે આંધળો બનાવી દેતો હતો.
ગાંધારીએ કુંતી સાથે બહેન જેવો સંબંધ વિકસાવ્યો હતો, ઘણીવાર તેનો આનંદ, વેદના અને ગુસ્સો તેની સાથે વહેંચતી હતી. પાંડવો સાથેના તેના સંબંધો વિશે બહુ ઓછી માહિતી છે પરંતુ તે સંકેત આપે છે કે તેણીને તેમની પત્ની દ્રૌપદી પ્રત્યે ઉંડી સહાનુભૂતિ અનુભવાઈ હતી. મહાકાવ્યની સમગ્ર ઘટનાઓ દરમિયાન, ગાંધારીને શાંત દર્શાવવામાં આવી છે; જો કે તેના બધા પુત્રોને ગુમાવ્યા પછી, તે પરેશાન અને ગુસ્સે છે અને યુદ્ધ થતું અટકાવવા માટે કૃષ્ણને તેની દૈવી શક્તિઓનો ઉપયોગ ન કરવા બદલ દોષી ઠેરવે છે.
હેબ્બયા ગામ, નાંજનગુડ, મૈસૂર, ભારત ખાતે એક મંદિર આવેલું છે, જે ગાંધારીને સમર્પિત છે. આ મંદિર ગાંધારીની ભક્તિ અને વફાદારીનું સન્માન કરે છે કારણ કે તેણી માતા અને પ્રેમાળ પત્નીની ભલાઈનું પ્રતીક છે. ૧૯ જૂન, ૨૦૦૮ના રોજ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.[11]
રવીન્દ્રનાથ ટાગોરે તેના વિશે એક બંગાળી કાવ્યાત્મક નાટક લખ્યું હતું, જેનું નામ હતું ગાંધારીર અબેડોન (બાંગ્લા: গান্ধারীর আবেদন, અનુવાદ: ગાંધારીની પ્રાર્થના)). ગાંધારી, તેના પતિ ધૃતરાષ્ટ્ર અને તેમનો પુત્ર દુર્યોધન આ નાટકના મુખ્ય પાત્રો છે.[12] અદિતિ બેનર્જીએ ગાંધારીનો શ્રાપ નામની એક નવલકથા લખી હતી, જેમાં ગાંધારીના દૃષ્ટિકોણથી મહાભારતની કથાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.[13]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.