Remove ads
From Wikipedia, the free encyclopedia
હિમાચલ પ્રદેશ (હિંદી: हिमाचल प्रदेश [ɦɪmaːtʃəl prəd̪eːʃ] (listen)) એ ભારત નું એક રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં બાકીના ભારતીયોને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ રાજ્યનું ક્ષેત્રફળ 21,495 sq mi (55,670 km2),[૩] જેટલું છે અને તેની સીમા ઉત્તરે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ અને વાયવ્યે પંજાબ અગ્નિ દિશાએ હરિયાણા અને ઉત્તરાખંડ અને પૂર્વે તિબેટને સ્પર્શે છે.
હિમાચલ પ્રદેશ | |
हिमाचल प्रदेश | |
— ભારતીય રાજ્ય — | |
કુલુખીણમાંથી હિમાલય દર્શન | |
ભારતમાં હિમાચલ પ્રદેશનું સ્થાન (લાલ રંગમાં) | |
અક્ષાંશ-રેખાંશ | 31°6′12″N 77°10′20″E |
દેશ | ભારત |
જિલ્લા(ઓ) | ૧૨ |
સ્થાપના | ૨૫ જાન્યુઆરી, ૧૯૭૧ |
મુખ્ય મથક | શિમલા |
સૌથી મોટું શહેર | શિમલા |
રાજ્યપાલ | ઉર્મિલા સિંઘ |
મુખ્યમંત્રી | વિરભદ્ર સિંહ[૧] (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) |
વિધાનમંડળ (બેઠકો) | એકગૃહી (૬૮[૨]) |
લોકસભા મતવિસ્તાર | ૪ |
ઉચ્ચ ન્યાયાલય | હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય |
વસ્તી • ગીચતા |
૬૮,૫૬,૫૦૯ (૨૦મો) (૨૦૧૧) • 123/km2 (319/sq mi) |
માનવ વિકાસ દર | 0.652 (medium) (૩જો (૨૦૧૧)) |
સાક્ષરતા | ૮૩.૭૮% |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી |
---|---|
સ્થાનીય ભાષા(ઓ) | પહાડી (કાંગડી, લાહૌલી, કિન્નોરી, ચંબ્યાલી, સિરમૌરી, બિલાસપુરી) |
અન્ય ભાષા(ઓ) | હિમાચલી, પહાડી |
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
55,673 square kilometres (21,495 sq mi) (૧૭મો) • 2,319 metres (7,608 ft) |
ISO 3166-2 | IN-HP |
વેબસાઇટ | himachal.nic.in |
હિમાચલ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. [૪] ૧૮૧૪-૧૮૧૬ના ગોરખા યુદ્ધ પછી બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સત્તા પર આવી અને ત્યાં અંગ્રેજ શાસન સ્થપાયું. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ ૧૯૫૦માં હિમાચલ પ્રદેશને કેંદ્રશાસિત પ્રદેશ બનાવાયું. ૧૯૭૧ના હિમાચલ પ્રદેશ કાયદા હેઠળ તેને રાજ્યનો દરજ્જો અપાયો અને તે ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. આ રાજ્યના નામનો અર્થ "હિમાલયના ખોળામાં વસેલ રાજ્ય" એવો થાય છે. આ રાજ્યનું નામ કરણ આ રાજ્યના સંસ્કૃત પંડિત આચાર્ય દિવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. [૫]
માથાદીઠ આવકમાં હિમાચલ ભારતના રાજ્યોમાં ચોથા ક્રમાંકે આવે છે. મોટા પ્રમાણમાં વહેતી બારમાસી નદીઓને કારાણે હિમાચલ પ્રદેશમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં જળવિદ્યુત ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત શક્તિને દિલ્હી, પંજાબ અને રાજસ્થાનને વેચવામાં આવે છે. હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થા જળવિદ્યુત, પ્રવાસન અને ખેતી આધારીત છે.
હિમાચલ પ્રદેશ એ સૌથી ઓછું શહેરી કરણ પામેલું રાજ્ય છે, અહીંની ૯૦% વસ્તી ગામડામાં રહે છે. જો કે શિમલા જિલ્લામાં ૨૫% વસ્તી શહેરી ક્ષેત્રમાં રહે છે. ૨૦૦૫ના ટ્રાન્સપરેન્સી ઈંટરનેશનલન સર્વેક્ષણ પ્રમાણે સૌથી ઓછું ભ્રષ્ટાચાર ધરાવતું કેરળ પછી હિમાચલ પ્રદેશ બીજી ક્રમાંકે આવતું રાજ્ય છે.[૬]
હિમાચલ પ્રદેશ ક્ષેત્રનો ઇતિહાસ ઈ.પૂ. ૨૨૫૦ થી ૧૭૫૦ સુધીના સિંધુ ખીણ સંસ્કૃતિ કાળ જેટલો પુરાતન છે.[૭] પ્રાગૈતિહાસિક કાળથી અહીં કોઈલી, હાલી, ડાગી, ધૌગ્રી, દસા ખાસસ અને કિરાત જેવી જાતિઓ વસવાટ કરતી હતી. વેદિક કાળમાં જનપદ તરીકે ઓળખાતા નાના રાજ્યો અહીં અસ્તિત્વમાં હતાં જેને પાછળથી ગુપ્ત રાજાઓએ જીતી લીધા. રાજ હર્ષવર્ધન હેઠળના અલ્પ શાસન પછી ફરીથી આ ક્ષેત્ર નાના રજવાડામાં વહેંચાયું જેમાં અમુક રજપૂતી રાજ્ય પણ હતાં. આ નાના રાજ્યો ઘણી હદ સુધી સ્વાતંત્ર ભોગવતાં અને દીલ્હીના સુલતાન દ્વારા તેમની પર ઘણી ચડાઈઓ કરવામાં આવી હતી.[૭] ૧૦મી સદીની શરૂઆતમાં મહંમદ ગઝની એ કાંગડા જીતી લીધું હતું. તૈમુર અને સિકંદર લોધીએ પણ આ ક્ષેત્રના તળેટી ભાગ પર ચડાઈ કરી ઘણાં કિલ્લા જીત્યા હતા. .[૭] અમુક રાજ્યોએ મોગલોનું આધિપત્ય સ્વીકારી તેમનું ખંડીયાપણું માન્ય કર્યું હતું.[૮]
૧૭૬૮માં નેપાળની સત્તા લડાયક ટોળી - ગોરખાઓના હાથમાં આવી.[૭] તેમણે પોતાનું સૈન્ય પ્રબળ કર્યું અને તેમના રાજ્યનો વિસ્તાર શરૂ કર્યો.[૭] ધીરે ધીરે તેમણે શિરમોર અને શિમલા જીતી લીધાં. અમરસિંહ થાપાના નેતૃત્વ હેઠળ ગોરખાઓએ કાંગડાને ઘેરો ઘાલ્યો. સ્થાનીય સરદારોની સહાયતા વડે તેમણે ૧૮૦૬માં સંસારચંદ કટોચને હરાવ્યો. પરંતુ ૧૮૦૯માં મહારાજ રણજીત સિંહની સત્તા હેઠળ કાંગડા કિલ્લાને તેઓ જીતી ન શક્યા. આ હાર પછી ગોરખાઓએ રાજ્યના દક્ષિણી ભાગ પર સામ્રાજ્ય વિસ્તાર શરૂ કર્યો. આને કારણે તરાઈ ક્ષેત્રમાં તેઓ બ્રિટિશ સત્તા સામે સીધા સંઘર્ષમાં ઉતર્યા. ત્યાં બ્રિટિશ સૈન્યએ તેમને સતલજ ક્ષેત્રમાંથી ખદેડી કાઢ્યા.[૭] સમય જતાં બ્રિટિશ સત્તા સર્વોપરી સત્તા તરીકે ઉભરાઈ આવી.[૭]
૧૮૪૬ના [૭]સમયના પ્રથમ શીખ-અંગ્રેજ યુદ્ધ દરમ્યાન લાહોર દરબાર હેઠળના બચેલ ક્ષેત્રમાંથી રાજા રામ સિંહે સીબાનો કિલ્લો પાછો જીતી લીધો.
બ્રિટિશ સત્તા સામે ના અસંતોષાને કારણે થયેલા ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ય સંગ્રામ સમયે હિમાચલ પ્રદેશના લોકો રાજનૈતિક રીતે અન્ય રાજ્યોના લોકો જેટલા સક્રીય ન હતા. [૭]બુશરના રાજા ના અપવાદ સિવાય આ ક્ષેત્રના સર્વ રાજ રજવાડાં નિષ્ક્રિય રહ્યાં હતાં.[૭] ચંબા, બિલાશપુર, ભાગલ અને ધામી જેવા રજવાડાઓએ તો આ સંગ્રામમાં બ્રિટિશ સત્તાને મદદ કરી હતી.
૧૮૫૮ના રાણીના ઢંઢેરા પછી બ્રિટિશ વસાહતો હવે બ્રિટિશ રાજસત્તાના આધિપત્ય હેઠળ આવી. બ્રિટિશ સાશન દરમ્યાન ચમ્બા, વિલાશપુર અને મંડીના રાજ્યો એ ઘણો વિકાસ કર્યો. [૭] પ્રથમ વિશ્વ વિગ્રહ સમયે આ પર્વતીય રાજના દરેક રજવાડાઓ બ્રિટિશ સત્તાને વફાદાર રહ્યા અને તેમણે બ્રિટિશ રાજ ને માનવ અને વસ્તુઓ જેવી જરૂરિયાતો પૂરી પાડી.[૭]
સ્વતંત્રતા પછી ૧૯૪૮માં હિમાચલ પ્રદેશ ( વ્યવસ્થાપન) કાયદો, ૧૯૪૮ ના અનુચ્છેદ ૩ અને ૪ હેઠળ પશ્ચિમી હિમાલયના ૨૮ રજવાડા જમીનદારો અને દક્ષિણ પંજાબ હિલ સ્ટેટના ૪ રાજ્યો ભેળવીને ૧૫ એપ્રિલ ૧૯૪૮ના દિવસે ચીફ કમીશનર હિમાચલ પ્રદેશ પ્રાંતની રચના કરવામાં આવી. ૧ એપ્રિલ ૧૯૫૪ના દિવસે બિલાસપુર રાજ્યને હિમાચલ પ્રદેશ સાથે ભેળવી દેવામાં આવ્યું. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હિમાચલ પ્રદેશને ક્લાસ સી સ્ટેટનો દરજ્જો મળ્યો. અહીંની વિધાન સભાની ચૂંટણી ૧૯૫૨માં થઈ. ૧ નવેંબર ૧૯૫૬ના દિવસે હિમાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો.[૭] ૧૯૬૬માં ભારતીય સંસદે પંજાબ પુનઃગોઠવણી ના કાયદો પારિત કર્યો આને કારણે સિમલા, કાંગડા, લાહુલ જેવા પૂર્ન ક્ષેત્રો અને અંબાલા જીલ્લાનો નાલગઢ ક્ષેત્ર, અંબ, લોહરા, ઉનાકાનુંગો જીલ્લો, સંતોખગઢકાનુંગોનો અમુક ક્ષેત્ર હોશિયાર પુર જીલ્લાનો અમુક ક્ષેત્ર, ધાર કાલન કાનુંગો આદિને હિમાચલ પ્રદેશ સાથે ભેળવી દેવામાં આવ્યા. ૧૮ ડિસેંબર ૧૯૭૦ના દિવસે હિમાચલ પ્રદેશ કાયદો પારિત કરી ૨૫ જાન્યુઆરી ૧૯૭૧ ના દિવસે હિમચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.[૭]
Climate | |
---|---|
તાપમાન | [સંદર્ભ આપો] |
• સરાસરી શિયાળુ | 7 °C (45 °F) |
• સરાસરી ઉનાળુ | 28 °C (82 °F) |
વરસાદ | 1,469 mm (57.8 in) |
હિમાચલ પ્રદેશ એ પશ્ચિમી હિમાલયમાં વસેલું એક પર્વતીય રાજ્ય છે. તેનું ક્ષેત્રફળ 55,673 kilometres (34,594 mi)[૩] જેટલું છે.
હિમ નદીઓ અને નદીઓ હિમાચલ પ્રદેશની પ્રાકૃતિક નિતારણ વ્યવસ્થા બનાવે છે. અહીંની નદીઓ સમગ્ર પર્વત માળાઓમાંથી તાણાવાણ સ્વરૂપે વહે છે. ગંગા અને સિંધુ આ બન્ને નદીના ખીણ પ્રદેશને પાણી પુરવઠો આપે છે.[૯] ચંદ્રભાગા કે ચેનાબ, રાવી, બિયાસ, સતલજ અને યમુના નદી મળીને અહીંની જલનિતારણ બનાવે છે. આ નદીઓમાં આખું વરસ પાણી રહે છે અને વરસાદ તથા બરફ પીગળવાથી તેમાં પાણીની પુરવઠો કાયમ રહે છે.[૯] હિમાચલ પ્રદેશમાં ભૂપૃષ્ઠની ઊંચાઈમાં ઘણો મોટો તફાવત હોવાથી અહીં વિવિધ સ્થળોની આબોહવા પણ વિવિધ પ્રકારની છે. દક્ષિણ તરફના પ્રદેશમાં સમષીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય વાતાવરણ હોય છે. ઉત્તર અને પૂર્વ તરફના ક્ષેત્રો વધુ ઉંચાઈએ આવેલા હોવાથી અહીં ઠંડુ, શંકુદ્રુમ અને બરફીલું હવામાન જોવા મળે છે.[૧૦] આ પ્રદેશમાં ધર્મશાલા જેવા ક્ષેત્રો છે જે ખૂબ વર્ષા ધરાવે છે અને તેથી વિપરિત લાહૌલ અને સ્પીતી જેવા ક્ષેત્રો પણ છે કે જે અત્યંત ઠંડા અને વર્ષા રહિત છે. મોટાભાગે હિમાચલ પ્રદેશમાં ત્રણ ઋતુઓ જોવા મળે છે: ઉનાળો, શિયાળો અને ચોમાસું. ઉનાળો મધ્ય એપ્રિલ થી શરૂ થઈ જૂનના અંત સુધી રહે છે. શંકુદ્રુમ ક્ષેત્રો સિવાયના દરેક ક્ષેત્રો ખૂબ ગરમી અનુભવે છે. ઉનાળામાં અહીંનું સરાસરી તાપમાન 28 to 32 °C (82 to 90 °F) જેટલું હોય છે. નવેંબરથી માર્ચ મહિના દરમ્યાન અહીં શિયાળો હોય છે. શંકુદ્રુમ ક્ષેત્રોમાં (સામાન્ય રીતે 2,200 metres (7,218 ft) થી વધુ ઉંચાઈ ધરાવતા ક્ષેત્રોમાં, એટલેકે ઉચ્ચ અને ટ્રાંસ-હિમાયલયન ક્ષેત્રોમાં). હિમવર્ષા પણ થાય છે.
આ રાજ્યમાં કુલ ૧૨ જિલ્લાઓ આવેલા છે.
શિમલા એ હિમાચલ પ્રદેશની રાજધાની છે. શિમલા એ પહેલાં ભારતના બ્રિટિશ રાજની ઉનાળુ રાજધાની હતી.
જિલ્લોએ રાજ્યનું એક પ્રશાસનિક ક્ષેત્ર છે. જિલ્લાના પ્રમુખ અધિકારી ડૅપ્યુટી કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટ હોય છે. આ અધિકારી ભારતીય પ્રશાસનિક સેવા (IAS)નો અધિકારી હોય છે. ડૅપ્યુટી કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટના હાથ નીચે હિમાચલ પ્રશાસનિક સેવા કે હિમાચલની અન્ય રાજ સેવાના અન્ય અધિકારીઓ કાર્યરત્ હોય છે. દરેક જિલ્લાને પેટા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે જેના વડા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હોય છે. સબ ડિવિઝનને બ્લોકમાં વિભાજીત કરાય છે. બ્લોકમાં વિવિધ પંચાયતો અને નગર પાલિકાઓ હોય છે. કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી ભારતીય પોલીસ સેવાના અધિકારી સંભાળે છે. તેમની નીચે હિમાચલ પોલીસ સેવાના અધિકારીઓ હોય છે.
૨૦૦૩ના ભારતીય વન સર્વેક્ષણ અનુસાર હિમાચલ પ્રદેશની ૬૬.૫૨% જમીન પર કાયદાકિય રીતે વ્યાખ્યાયીત જંગલો છે. જો કે વૃક્ષાચ્છાદિત ક્ષેત્ર માત્ર ૨૫.૭૮% છે.[૧૧] જમીનની ઉંચાઈ અને વરસાદને આધારે અહીં હરિયાળીની વિવિધતા જોવા મળે છે.
હિમાચલ પ્રદેશનો દક્ષીણી ભાગ ઓછી ઉંચાઈએ આવેલો છે. અહીં ઉષ્ણ કટિબંધના અને સમષીતોષ્ણ કટિબંધના શુષ્ક તેમજ આર્દ્ર પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના વનો જોવા મળે છે[૧૧]. હરિયાણાની ઉત્તર પ્રદેશ સાથેની સીમાના ક્ષેત્રોમાં વાયવ્યના કાંટાળા છોડવાનાં જંગલો છે જે શુષ્ક પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના વનના ઉદાહરણ છે જ્યારે અગ્નિ દિશામાં ગંગાના ઉપરવાસના મેદાનોમાં આર્દ્ર પાનખરના જંગલો આવેલાં છે. અહીં સાલ અને સીસમનાં વૃક્ષો જોવા મળે છે.
જેમ જેમ ભૂપૃષ્ઠની ઉંચાઈ વધતી જાય છે તેમ તેમ વિવિધ પ્રકારના જંગલો જોવા મળે છે જેમ કે પશ્ચિમ હિમાલયન પહોળા પાન ધરાવતા વૃક્ષોના જંગલો, હિમાલયન સમશિતોષ્ણ શંકુદ્રુમ જંગલો વગેરે. પહોળા પાંદડાવાળા વૃક્ષો ધરાવતા જંગલોમાં સદાહરિત ઓકના વૃક્ષો જોવા મળે છે જ્યારે પાઈનના જંગલોમાં ચીર પાઈન પ્રમુખ પણે જોવા મળે છે. વૃક્ષાંત-રેખાની બાજુએ પશ્ચિમ હિમાલયન ઉપ-અલ્પાઈન શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. જેમાં પૂર્વી હિમાલયન ફર, પશ્ચિમી હિમાલયન સ્પ્રુસ, દેવદાર અને ભૂરા પાઈનના વૃક્ષો જોવા મળે છે
મહત્તમ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં ઈશાન દિશામાં પશ્ચિમ હિમાલયન આલ્પાઈન ઝાંખરા અને ઘાસના મેદાનો અને વાયવ્ય ક્ષેત્રોમાં વાયવ્યી હિમાલયન આલ્પાઈન ઝાંખરા અને ઘાસના મેદાનો જોવામળે છે.
અહીંના વૃક્ષો ખૂજ મજબૂત હોય છે. તેમના મૂળનો વિસ્તાર ઘણો મોટો હોય છે. એલ્ડર, બર્ચ, ર્હોડેનડ્રોન અને આર્દ્ર આલ્પાઅન ઝાંખરા અહીંની સ્થાનીય વનસ્પતિ છે. માર્ચથી મેના કાળ દરમ્યાન શિમલા તરફ ટેકરીઓના ઢોળાવ પર ર્હોડેનડ્રોન જોવા મળે છે. ઝાંખર ભૂમિ અને ઘાસના મેદાનો બાદ વધુ ઉંચાઈએ ખડકાળ અને હિમ્ચ્છાદિત ટેકરીઓ શરૂ થાય છે.
હિમાચલ ક્ષેત્રને દેશની ફળોની ટોપલી કહેવામાં આવે છે. અહીં ઘણા મોટા પ્રમાણમાં ફળોના બગીચા આવેલાં છે. ટૅકરીના ઢોળાવ પર ઘાસના મેદાનો અને ગોચર જમીન જોવા મળે છે. શિયાળા પછી ફળોના બગીચા અને ટેકરીઓના ઢોળાવ પરના વૃક્ષો પર ફુલો ખીલી નીકળે છે. અહીં ગુલાબ, ચ્રીસેન્થેમમ, તુલીપ અને લીલીની ખેતી પણ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશને વિશ્વની ફુલછાબ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે.
હિમાચલ પ્રદેશમાં પક્ષીઓની ૧૨૦૦ અને પ્રાણીઓની ૩૫૯ પ્રજાતિઓ મળી આવે છે. તેમાં દીપડો, હિમ દીપડો (રાજ પ્રાણી), ઘોરલ, કસ્તુરી મૃગ અને પશ્ચિમી ટ્રગોપન નો સમાવેશ થાય છે. અહીં ૨ મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયાર્ણ્યો આવેલા છે. કુલુ જિલ્લામાં ધ ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જેની રચના હિમાલયની મુખ્ય વન્ય અને પ્રાણી સંપત્તિના સંવર્ધન માટે કરવમાં આવી હતી. હિમ ક્ષેત્રની વન્ય અને પ્રાની સૃષ્ટીના સંવર્ધન માટે પીન વેલી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશની વિધાન સભાનો કોઈ સંવિધાનની રચના પહેલાનો કોઈ ઇતિહાસ નથી. આ રાજ્યની સ્થાપના જ સ્વાતંત્રય પ્રાપ્તિ પછી થઈ છે. આની સ્થાપના ૧૫ એપ્રિલ ૧૯૪૮ના દિવસે ૩૦ રજવાડાઓનું એકીકરણ કરીને, કેન્દ્રીય પ્રશાશનિક ક્ષેત્ર તરીકે કરવામાં આવી. [૧૨]
હિમાચલ પ્રદેશમાં ભારતના અન્ય રાજ્યોની જેમ પ્રતિનિધિક સંસદીય લોકશાહી છે. અહીં સર્વ નાગરિકોને મતાધિકાર નો હક્ક હોય છે. લોકોદ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિની વિધાન સભા હોય છે. આ સભ્યો પોતાનામાંથી એક સ્પીકર અને એક ડેપ્યુટી સ્પીકર ચૂંટી કાઢે છે જેઓ વિધાન સભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે.
હિમાચલ પ્રદેશનું ન્યાયતંત્ર હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય અને નીચલા ન્યાયાલયો મળીને બનેલું છે. રાજ્યના સંવૈધાનિક વડા રાજ્યપાલ હોય છે તેમના હક્કો નામ માત્રના હોય છે. ખરા કાર્યકારી અધિકાર મુખ્ય મંત્રી અને મંત્રી મંડળ ધરાવે છે. રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
રાજ્ય વિધાનસભામઆં બહુમતી ધરાવતા પક્ષ કે યુતિ અથવા ગઠબંધનના નેતાને રાજ્યપાલ દ્વારા સરકાર રચવાનું આમંત્રન આપવામાં આવે છે. આ નેતા મુહ્ય મંત્રી બને છે અને તેમની સલાહ મુજબ રાજ્યપાલ અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે. હિમાચલ પ્રદેશની વિધાન સભા એક ગૃહી હોય છે તેમાં ૬૮ વિદાન સભ્યો છે.[૧૩] વિધાન સભાની મુદ્દત ૫ વર્ષની હોય છે. કોઈ કારણસર સમય પહેલાં વિધાન સભા ભંગ કરવાના પ્રાવધાનો પણ સંવિધાનમાં છે. વહીવટના અન્ય ઘટકો જેવા કે પંચાયત, શહેરની નગર પાલિકા, જિલ્લા પરિષદ વગેરેની ચૂંટણીઓ પણ તેમના બંધારાણ અનુસાર નિયમીત થાય છે.
હિમાચલ પ્રદેશના સ્થાનીય ઉત્પાદનનો ૪૫% જેટલો ભાગ ખેત પેદાશોનો બનેલો છે. હિમાચલ પ્રદેશના લોકોની આવકનું તે મુખ્ય સ્રોત છે. આ રાજ્યના ૯૩% લોકોનો રોજગાર સીધી કે આડકતરી રીતે ખેતી આધારીત છે.
હિમાચલ પ્રદેશમાં ખેતીની ખાસ કરીની ધાન્ય ખેતીની અમુક મર્યાદાઓ છે. પર્વતીય ક્ષેત હોવાને કારણે અહીં ખેતરો અમુક સીમાથી મોટા નથી હોતાં. ઢોળાવ પર ભરણી કરી ખેતરો નિર્માણ કરવાનું કામ પર્યાવરણને હાનિ પહોંચાડે છે. આથી હિમચલ પ્રદેશમાં ત્યાંની આબોહવા અનુસાર રોકડીયા પાકો ઉગાડી વધુ નફો મેળવાય છે.
ઘઉં, મકાઈ. ચોખા અને જવ એ હિમાચલ પ્રદેશમાં ઉગતું મુખ્ય અનાજ છે. મંડી, કાંગડા અને સિરમુર જિલ્લાના પાઓન્તાના ખીણ પ્રદેશામાં ઘઉં, મકાઈ અને ચોખા ઉગાડવામાં આવે છે. જ્યારે શિમલામાં જવનો પાક લેવાય છે.
હિમાચલ પ્રદેશમાં અનાજનું ઉત્પાદન જરૂરિયાત કરતાં ઓછું થાય છે પણે અન્ય ખેતીમાં તે અગ્રેસર છે જેમકે બીજ બેટેટા, આદુ, શાકભાજી, શાકભાજીના બીજ, ખાધ્ય મશરૂમ, ચિકોરીના બીજ, જૈતૂન(ઓલિવ), હોપ્સ અને અંજીર વગેરે. બીજ બટેટા મુખ્યત્વે શિમલા, કુકુ અને લાહૌલ ક્ષેત્રમાં ઉગાડાય છે. અહીં ઓલિવ, અંજીર, હોપ્સ, મશરૂમ, ફુલો, પીસ્તા, ખરબુચ અને કેસરના વાવેતરને વિશેષ ઉત્તેજન અપાય છે. સોલન જિલ્લો શાકભાજીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. સિરમૌર જિલ્લામાં ફુલોનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
ફળોનું ઉત્પાદન પણ આ રાજ્ય માટે આર્થિક વરદાન સાબિત થયું છે. અહીં ફળોના ઉત્પાદન માટે યોગ્ય એવા વિશાલ ભૂમિખંડ આવેલાં છે. ફળોના ઉત્પાદનને લીધે ભૂમિનું વિદારન અટકે છે અને પારંપારિક ખેતી કરતાં તે વિશેષ પ્રમાણમાં આવકની તકો ઊભી કરે છે. અહીં આવક સંબંધે પ્રતિ એકર ઉત્પન્ન વધુ છે. સફરજની બાગાયતી ખેતી સૌથી વધુ ઉત્પાદન આપે છે.
મધ્ય હિમાલયન જલ નિતારણ વિકાસ પરિયોજના જેવા જમીન સંચયની યોજનાઓ અહીં હાથ ધરાઈ છે. હિમાચલ પ્રદેશ જંગલીકરણ પ્રોજેક્ટ આ પરિયોજનાનો એક ભાગ છે. આવી પરિયોજનાને કારાણે ખેતીની ઉત્પાદન ક્ષમતા વધી છે પરિણામે ગામડાના લોકોની આવક વધી છે.[૧૪]
ભારતના અન્ય ક્ષેતોની જેમ પંચવર્ષી યોજના આ ક્ષેત્રમાં પણ ૧૯૪૮માં ચાલુ થઈ. પ્રથમ પંચવર્ષી યોજનામાં ૫.૨૭ કરોડ રૂપિયાની હતી. તેમાંથી ૫૦% વધુ ભાગ રસ્તા બાંધકામ માટે વાપરવાનું પ્રાવધાન હતું. ભારતના રાજ્યોમાં પ્રતિ વ્યક્તિ આવકમાં હિમાચલ પ્રદેશ ચોથે ક્રમે આવે છે.
રાજ્યની સ્થાનીય આવકનો ૪૫% ભાગ ખેતી ક્ષેત્રમાંથી આવે છે. ખેતી એ આવક અને રોજગારનું મુખ્ય સ્રોત છે. હિમાલયના ૯૩% લોકોનો રોજગાર ખેતી આધારીત છે. ઘઉં, મકાઈ, ચોખા ને જવ એ અહીંનું મુખ્ય અનાજ છે. જળ વિદ્યુત પણ રાજ્યની આવકનો અન્ય સ્રોત છે.[૧૫] રાજ્યની પાંચ નદીઓની (યમુના, સતલજ, બિઆસ, રાવિ અને ચિનાબ) જળવિદ્યુત ક્ષમતા ૨૩૦૦૦.૪૩ મેગાવૉટ આંકવામાં આવી છે[૧૬] . રાષ્ટ્રીય જળ વિદ્યુત ક્ષમતાનો ૨૫% ભાગ હિમાચલ પ્રદેશમાં સમાયેલો છે.
દરેક કુટુંબનું એક બેંક ખાતું એ લક્ષ્ય પ્રાપ્ત કરવા વાળો હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યો .[સંદર્ભ આપો]
હિમાચલ પ્રદેશમાં પ્રવાસન એ અર્થવ્યવસ્થા અને વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ કારક છે. અહીં વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓ અને ભુપૃષ્ઠ છે, જે વિશ્વભરમાંથી પ્રવાસીઓને આકર્ષે છે. હિમાચલ પ્રદેશ અહીંના સાહસિક ખેલો માટે પણ જાણીતું છે જેમ કે બીર બિલિંગ અને સોલાંગ વેલી, કુલુમાં રાફ્ટીંગ, શિમલામાં આઈસ સ્કેટીંગ, બિલાસ પુરમં બોટિંગ અને અન્ય ખેલો જેવા કે પર્વતારોહણ, ઘોડે સવારી, સ્કીઈંગ, માછીમારી. વગેરે
ફીલ્મના ચિત્રીકરણ માટે પણ આ રાજ્ય પ્રખ્યાત છે. હિન્દી ફિલ્મો જેવી કે રોજા, હીના, જબ વી મેટ, વીર ઝારા, યે જવાની હૈ દિવાની, હાઈ-વે વગેરેનું ચિત્રિકરણ હિમાચલમાં થયું છે.
બહાદુરપુર કિલ્લો, ભાકરા બંધ, નૈના દેવી મંદિર, મણિમહેશ, ભૂરીસિંહ સંગ્રહાલય, ભરમાપુર, ખજીયાર, નાકો સરોવર, પ્રાશર સરોવર, તેવલસર, છોટી કાશી, મંડી, જોગીંદર નગર ખીણ, ડેલહાઉઝી, સુજાનપુર ટીરા, ધર્મશાલા, પાલમપુર, મસરુર ખડક મંદિર, કાંગડાનો કિલ્લો, કિનૌર, મણિકરન, મનાલી, કિબ્બર ગામ, કુંઝુમ ઘાટ, રોહતાંગ પાસ, સ્પીતિ, શિમલા, કસૌલી, ગોવિંદસાગર સરોવર આદિ અન્ય જોવાલાયક સ્થળો છે.
વસતી વધારો | |||
---|---|---|---|
વસતી ગણતરી | વસ્તી | %± | |
Source:Census of India[૧૭] |
Literacy Rate | |||
---|---|---|---|
વસતી ગણતરી | વસ્તી | %± | |
Source:Census of India[૧૭] |
૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર હિમાચલ પ્રદેશની કુલ વસતી ૬૮,૫૬,૫૦૯ હતી. તેમાં ૩૪,૭૩,૮૯૨ પુરુષો અને ૩૩,૮૨,૬૧૭ સ્ત્રીઓ હતી. આ વસ્તી ભારતની વસ્તીના ૦.૫૭ % છે. વસ્તી વધારાનો દર ૧૨.૮૧% છે. અહીં ૮૩.૭૮% સાક્ષરતા છે અને સ્ત્રી પુરુષ પ્રમાણ ૯૭૪/૧૦૦૦ છે.
વસતીના આધારે હિમાચલપ્રદેશ ભારતના રાજ્યોમાં ૨૧મા ક્રમાંકે આવે છે. હિમાચલ પ્રદેશામાં કાંગડા જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે.
અહીં પ્રમુખ રૂપે રજપૂત, રાથી, બ્રાહ્મણો અને ઘીર્થ (ચૌધરી) લોકો રહે છે. અહીં તિબેટી લોકોની વસ્તી પણ સારા પ્રમાણમાં છે.
હિમાચલ પ્રદેશના લોકોની જીવન પ્રત્યાશા (૧૯૮૬-૧૯૯૦) ૬૨.૮ વર્ષ છે (જે ભારતીય સરાસરી ૫૭.૭ વર્ષ કરતાં વધુ છે). ૨૦૧૦માં શિશુ મૃત્યુ દર ૪૦ હતો. જન્મ દર ૧૯૭૧ ૩૭.૩ થી ઘટીને ૨૦૧૦માં ૧૬.૯ થયો છે. જે રાષ્ટ્રીય સરાસરી ૨૬.૫ (૧૯૯૮). મૃત્યુ દર ૨૦૧૦માં ૬.૯ છે. હિમાચલ પ્રદેશની સાક્ષરતાનો દર ૧૯૮૧થી ૨૦૦૧ની વચમાં ૩૪.૬૫% વધ્યો છે. [૧૮]
હિંદી એ હિમાચલ પ્રદેશની સત્તાવાર તથા પ્રચલિત ભાષા છે. જોકે મોટા ભાગના લોકો પહાડી ભાષા પણ બોલે છે.
Religion in Himachal Pradesh[૧૯] | ||||
---|---|---|---|---|
Religion | Percent | |||
હિંદુ | 98.14% | |||
ખ્રિસ્તી | 0.35% | |||
બૌદ્ધ | 0.26% | |||
શીખ | 0.20% | |||
ઈસ્લામ | 0.01% | |||
અન્ય | 1.15% |
અહીં ૯૫% લોકો હિંદુ ધર્મ પાળે છે. બાકીનો ભાગ બૌદ્ધ અને શીખ ધર્મ પાળનારાઓનો છે. લાહૌલ અને સ્પિતી ક્ષેત્રના લહૌલી લોકો મુખ્યત્વે બુદ્ધ ધર્મ પાળે છે. શીખો મોટે ભાગે શહેરોમાં મળે છે અને વસતીનો ૧.૨૩% ભાગ ધરાવે છે. [૨૦] અહી મુસ્લીમોની વસ્તી ૧.૬૩% જેટલી છે.
ભૌગોલિક રીતે દુર્ગમ હોવાને કારાણે હિમાચલ પ્રદેશ ઘણાં સમય સુધી બાહ્ય સાંસ્કૃતિક પ્રવાહોથી ભિન્ન રહ્યું. યાંત્રિકી વિકાસને કારણે હવે આ રાજ્યમાં ઝડપથી બદલાવ આવવા માંડ્યો છે. ભારતના અન્ય રાજ્યોની જેમ હિમાચલ પ્રદેશ પણ એક બહુ ભાષી બહુ સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે. અહીંની હિંદી, પહાડી, ડોગરી, મંડીલી, કાંગરી અને કિનૌરી ભાષાઓ બોલાય છે. અહીં ખત્રી, બ્રાહ્મણ, ગુજ્જર, રજપૂત, ગડ્ડી, ગીર્થ, ચૌધરી, કાનેટ, રાઠી, કોલી સૂદ જેવી જાતિના લોકો વસે છે. તે સિવાય અહીં કિન્નર, પંગવાલ સુલેહરિયા અને લાહૌલી જેવી જનજાતિઓ પણ વસે છે.[૨૧]
હિમાચલ પ્રદેશ તેની હસ્તકળાઓ માટે જાણીતો છે. કાલીન, ચામડાની વસ્તુઓ, શાલ, ધાતુકામ, લાકડાની વસ્તુઓ અને ચિત્રકળા જેવા હસ્ત ઉદ્યોગો આ રાજ્યમાં છે. અહીં બનતી પશ્મિના શાલની આખા દેશમાં માંગ છે. હિમાચલી ટોપીઓ પણ ઘણી આકર્ષક હોય છે. હિમાચલમાં પડતી અત્યંત ઠંડીને કારણે અહીં ઊનનું વણાટકામ પ્રચલિત છે. હિમાચલના લગભગ બધા ઘરોમાં હાથશાળ હોય છે. અહીં ઊનને પવિત્ર ગણવામાં આવે છે અને તેનો ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાશ થાય છે. કુલુ શાલના ઉત્પાદનમાટે પ્રખ્યાત છે. કાંગડા તેની ચિત્રકારી માટે પ્રસિદ્ધ છે.
હિમાચલ સંસ્કૃતિ હસ્તકળાનો સમૃદ્ધ વારસો ધરાવે છે. જેમાં પશ્મિના શાલ, કારપેટ, ચાંદીનું ધાતુકામ, ભરત ભરેલી ચપ્પલો, ઘાસના બુટ, કાંગડા અને ગોમ્પા શૈલીની ચિત્રકળા, લાકડા પરનું કાર્ય, ઘોડાના વાળમાંથી બનતી બંગડી, લાકડા અને ધાતુના વાસણ અને ઘરવખરી આદિનો સમાવેશ થાય છે. આજના આધુનિક યુગના યંત્રો દ્વારા બનતા સાધનો સામે અને માર્કેટિંગ સુવિધાના અભાવને કારાણે આ કળાઓ લુપ્તપ્રાયઃ થતી જાય છે. હાલના સમયમાં સ્થાનીય અને વિદેશી બજારમાં આ કળાકૃતિઓની માગ વધી રહી છે.
આ રાજ્યનું એક પોતાનું આગવું સંગીત અને નૃત્ય છે. ઉત્સવો અને અન્યે કાર્યક્રમો દરમ્યાન તેઓ નૃત્ય અને સંગીત દ્વારા ભગવાનોને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. ભારમાં ઉજવાતા તહેવારો સીવાય અન્ય સ્થાનીય મેળાઓ અને ઉત્સવો પણ અહીં અજવાય છે.
શિમલા એ અહીંની રાજ્ધાની છે. એશિયાની એક માત્ર આઈસ સ્કેટીંગ રીંક અહીં આવેલી છે. [૨૨]
હિમાચલ પ્રદેશના લોકોનો રોજિંદો ખોરાક ઉત્તર ભારતીયો જેવો જ છે પણ તે સ્વાદમાં જુદો તરી આવે છે. તેઓ ઘઉં અને મકાઈના રોટલા ખાય છે, આ સિવાય મસૂર, ચોખા ને શાકભાજ્કીઓ વિશેષ વાપરે છે. મદ્રાહ, માહની, મીઠા સલૂના, બાટ, ભુજ્જુ, સાગ, પાલ્ડા, રેધુ, કૌક, ઝોઉલ. સિધુ/બરુરુ, બેદુઆન ચટણી, ખટ્ટી દાલ વગેરે એ અહીંની વિશેષ વાનગીઓ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.