સમાજશાત્રની એક શાખા કે જે માનવીના સામાજિક વર્તનનો અભ્યાસ કરે છે From Wikipedia, the free encyclopedia
સામાજિક મનોવિજ્ઞાન એ વ્યક્તિના સામાજિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, જે સમાજલક્ષી મનોવિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. તે મુખ્યત્વે અનુભવ પર આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રયુક્તિઓ વડે સૈદ્ધાંતિક તેમજ વ્યાવહારિક જ્ઞાનનું સંપાદન અને પરિક્ષણ કરવાનો અભિગમ ધરાવે છે. તે એક વાર્તનિક (વર્તન પર આધારિત) અને સામાજિક વિજ્ઞાન હોવાથી સામાન્ય મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર તેમજ સામાજિક (સાંસ્કૃતિક) નૃવંશશાસ્ત્ર અને અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે જ્ઞાન, પદ્ધતિ અને પરિભાષા અંગે આદાનપ્રદાનનો સંબંધ ધરાવે છે.[1]
સમાજશાસ્ત્રની શાખા તરીકે, વ્યક્તિના સામાજિક વર્તનને કેન્દ્રમાં રાખીને એનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરનાર સામાજિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ વીસમી સદીમાં થયો.[1] સામાન્ય મનોવિજ્ઞાનમાં માનવ વ્યક્તિ અને તેના મનોવ્યાપારને તેના વર્તનો દ્વારા સમજવાના પ્રયાસોમાં વ્યક્તિના સામાજિક પાસાંની મોટાભાગે ઉપેક્ષા કરવામાં આવતી હતી. તે જ રીતે સમાજશાસ્ત્રમાં (અને અન્ય સામાજિક વિજ્ઞાનોમાં) વ્યક્તિના જૈવિક તેમજ માનસિક પાસાંની મોટાભાગે અવગણના કરવામાં આવતી હતી. આ ઉપેક્ષાને કારણે બંને વિજ્ઞાનોમાં કેટલીક ઉણપો અને સમસ્યાઓ રહી જવા પામી હતી. આ ઉણપો અને સમસ્યાઓના નિવારણ માટે તે સમયના મનોવિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીઓએ આ બંને પ્રકારનાં વિજ્ઞાનોનો સમન્વય કરીને સામાજિક મનોવિજ્ઞાન નામની અલગ શાખા વિકસાવી હતી.[2]
૧૯૦૮માં સૌપ્રથમ 'સામાજિક મનોવિજ્ઞાન' વિષયને લગતા બે પુસ્તકો પ્રકાશિત થયા; ઍડવર્ડ રોસનું સોસ્યલ સાયકોલૉજિ અને વિલિયમ મૅકડૂગલનું ઇન્ટ્રોડ્ક્શન ટુ સોશ્યલ સાયકોલૉજિ.[1][2]
સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ અને વિશ્લેષણ માટેનો એકમ માનવવ્યક્તિનું સામાજિક (સમાજથી પ્રભાવિત) વર્તન કે પ્રવૃત્તિ છે. આવા વર્તનને ક્રેચ, ક્રચફિલ્ડ અને બેલાચી 'આંતરવૈયક્તિક વર્તન ઘટના' તરીકે ઓળખાવે છે. સર્વગ્રાહી દ્રષ્ટિએ સામાજિક મનોવિજ્ઞાન એટલે ભૂતકાલીન, વર્તમાનકાલીન કે ભાવિ — અનુમાનિત સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિઓથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉદ્દીપ્ત અને પ્રભાવિત, સમાન કે સભાનતા વિનાનાં વ્યક્તિના બાહ્ય (શારીરિક) વર્તન કે પ્રવૃત્તિ તેમજ તે પાછળ સક્રિય રીતે કામ કરતી લાગણીઓ, માન્યતાઓ, ઈચ્છાઓ, વિચાર-પ્રક્રિયા જેવી, વ્યક્તિની પ્રત્યક્ષ રીતે અવલોકી ન શકાતી આંતરિક માનસિક બાબતોને સમજવા - સમજાવવા માટેનું વિજ્ઞાન.[2]
આમ, વ્યક્તિના સામાજિક બાહ્ય (શારીરિક) વર્તન તેમજ તે સાથે સંબધિત માનસિક બાબતોનાં પ્રત્યેક પાસાંનાં સંકલિત સર્વગ્રાહી ચર્ચા-વિચારણા તથા તલસ્પર્શી અભ્યાસ કરતા વિજ્ઞાનને સામાજિક મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. ક્રેચ, ક્રચફિલ્ડ અને બેલાચીના મત મુજબ સામાજિક વિજ્ઞાન એ "સમાજમાં વ્યક્તિના વર્તનનું વિજ્ઞાન" છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.