પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં સ્થિત પરિત્યક્ત જૈન મંદિરોનો સમુહ From Wikipedia, the free encyclopedia
નગરપારકર જૈન મંદિરો પાકિસ્તાનના દક્ષિણી સિંધ પ્રાંતમાં નગરપારકરના આસપાસના ક્ષેત્રમાં આવેલાં છે. આ સ્થળે ખંડિયેર જૈન મંદિરો તથા મંદિરની સ્થાપત્ય શૈલીથી પ્રભાવિત એક મસ્જિદ આવેલી છે. આ મંદિરો ૧૨થી ૧૫મી સદીના હોવાનું મનાય છે.[1]ગોડી મંદિરના ભીંતચિત્રો ભારતીય ઉપમહાદ્વીપના સૌથી પુરાણા જૈન ભીંતચિત્રો છે.[1]આ મંદિરોને ૨૦૧૬માં યુનેસ્કો દ્વારા નગરપારકર સાંસ્કૃતિક પરિદૃશ્ય તરીકે સંભવિત વિશ્વ ધરોહર સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.[1]
નગરપારકર જૈન મંદિરો
نگرپارکر جین مندر | |
---|---|
જૈન મંદિર | |
અક્ષાંશ-રેખાંશ: 24°21′21″N 70°45′16″E | |
દેશ | પાકિસ્તાન |
પ્રાંત | સિંધ |
જિલ્લો | નગરપારકર |
મહાનગરપાલિકા | પૂર્વ-ઇસ્લામિક હિંદુ-યુગ |
સમય વિસ્તાર | UTC+૦૫:૦૦ (પાકિસ્તાન માનક સમય) |
નગરપારકરની આસપાસનું ક્ષેત્ર કચ્છના રણના મીઠાના ખારા સપાટ પ્રદેશો તથા રેતીના ઢુવાના શુષ્ક મેદાનો અને કરુંજર પર્વતના પહાડી વિસ્તારો સાથે મળીને એક સંક્રમિત ક્ષેત્ર બનાવે છે. આ ક્ષેત્ર હંમેશા શુષ્ક મેદાની પ્રદેશ રહ્યું હોવા છતાં ૧૫મી શતાબ્દી સુધી મોટાભાગે આ વિસ્તારની આર્થિક પ્રવૃત્તિ અરબ સાગર દ્વારા આવરી લેવામાં આવતી હતી.[1]
નગરપારકર ઘણી સદીઓથી જૈન ધર્મનું કેન્દ્ર હતું. સ્થાનિક શ્રીમંત જૈન સમુદાય દ્વારા ૧૨મી થી ૧૫મી સદીના ગાળામાં આસપાસના પહાડી વિસ્તારોમાં જૈન સ્થાપત્યશૈલીના ઉત્કૃષ્ઠ નમૂનાઓરૂપ અસાધારણ જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું.[1]પરિણામે જૈન તપસ્વીઓ કરુંજરના પહાડી વિસ્તારોમાં સ્થાયી થયા[2] અને આ ક્ષેત્ર જૈનોના પવિત્ર તીર્થસ્થળ (સરધારા) તરીકે ખ્યાત થયું.[1] નગરપારકર ક્ષેત્રનો ૧૬૫૦માં ભારતીય ઉપમહાદ્વીપના બધાજ ધાર્મિક ક્ષેત્રોમાં સૌથી ગૌરવશાળી સ્થળ તરીકે ઉલ્લેખ જોવા મળે છે.[3]
ભૌગોલિક કારણોસર તટપ્રદેશમાં થયેલા ફેરફારોને કારણે અરબ સાગરની આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડવા લાગી. પરિણામે આ ક્ષેત્રમાં જૈન પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળ્યો અને ૧૯મી શતાબ્દીમાં મોટાપાયે જૈન સમુદાયો આ ક્ષેત્રમાંથી સ્થળાંતરિત થયા. શેષ સમુદાયે પણ ભારત વિભાજન બાદ આ ક્ષેત્ર છોડી દીધું. જોકે હાલ બાકી બચેલા હિંદુ સમુદાય દ્વારા આ મંદિરોની જાળવણી કરવામાં આવી રહી છે.[4] આ જૈન મંદિરો આસપાસના વિસ્તારમાં પર્યટન કેન્દ્ર તથા ધરોહર સ્થળ તરીકે વિખ્યાત છે.[5]માર્ગ વાહનવ્યવહારની અપર્યાપ્ત સવલતો આ સ્થળના સંરક્ષણ માટે અપ્રત્યક્ષરૂપે મદદરૂપ થાય છે.[6] હાલમાં માર્ગ નિર્માણને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો ઉછાળો જોવા મળ્યો છે.[6]૨૦૦૯માં પર્યટન ક્ષેત્ર તરીકે આ સ્થળના પ્રચાર-પ્રસાર માટે સેટેલાઈટ દ્વારા તસવીરો લઈ તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.[6]
આ મંદિરોની વાસ્તુ શિલ્પકલા અને આર્થિક પ્રવૃત્તિઓમાં જૈન સમુદાયના પ્રદાનને અનુલક્ષીને ૨૦૧૬માં પાકિસ્તાન સરકાર દ્વારા સંભવિત વિશ્વ ધરોહર સ્થળમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કરવામાં આવ્યું હતું.[1]
આ વિસ્તારમાં લગભગ ૧૪ જેટલાં જૈન મંદિરો આવેલાં છે.[7]
આ મંદિર વિરવાહ મંદિરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં લગભગ ૧૪ માઈલના અંતરે આવેલું છે.[8]મંદિરનું નિર્માણ 52 ઇસ્લામિક શૈલીના ગુંબજ અને ૩ મંડપ સહિત ગુજરાતી શૈલીમાં (૧૩૭૫-૭૬) કરવામાં આવ્યું છે.[9][10]સંગેમરમરનું બનેલું આ મંદિર ૧૨૫ X ૬૦ ફૂટનું છે.[9]સમગ્ર મંદિર એક ઉચ્ચ મંચ પર બનાવવામાં આવ્યું છે અને નકશીકામ કરેલા પગથિયાં દ્વારા ત્યાં પહોંચી શકાય છે.[1]
મંદિરના અંદરના ભાગમાં નકશીકામ કરેલા સંગેમરમરના સ્તંભ આવેલા છે. મંદિરના પ્રવેશદ્વારના મંડપ પર જૈન ધર્મની પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રો કંડારવામાં આવ્યા છે.[2] આ ભીંતચિત્રો ભારતીય ઉપમહાદ્વીપના સૌથી પુરાણા ભીંતચિત્રો છે.[1]સમગ્ર મંદિરમાં જોવા મળતા ૨૪ કક્ષ જૈનોના ૨૪ તીર્થંકરોનું પ્રતિનિધિત્ત્વ દર્શાવે છે.[2]
ભોડેસર મંદિર નગરપારકરથી ૪ માઈલના અંતરે ત્રણ ખંડિયેર જૈન મંદિર આવેલાં છે.[9]સોઢા શાસન દરમિયાન ભોડેસર રાજધાની ક્ષેત્ર હતું. ત્રણ મંદિરો પૈકીના બે મંદિરોનો ગૌશાળા તરીકે ઉપયોગ કરાતો હતો. ૧૮૯૭માં ત્રીજા મંદિરનો પાર્શ્વ ભાગ છિદ્રો દ્વારા જીર્ણ થયેલો માલૂમ પડ્યો છે.[9]નજીકની પહાડીઓમાં ભોડેસર તળાવ તરીકે ઓળખાતા જળાશયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[2]
નાગર પારકરથી ૧૫ માઇલ ઉત્તરે વિરવાહ શહેરમાં ત્રણ જૈન મંદિરો આવેલા છે. આ સ્થળ કચ્છના રણના કિનારા પર આવેલ પરિનગર નામના પ્રાચીન બંદરગાહના ખંડેર નજીક આવેલું છે.[9]
ત્રણ પૈકીનું એક મંદિર સફેદ સંગેમરમરનું બનેલું છે તથા બ્રિટીશ શાસન દરમિયાન ઉપયોગમાં લેવાતું હતું.[2]અન્ય એક મંદિરના કોતરણી કરેલા પથ્થરને બ્રિટીશ સરકાર દ્વારા પાકિસ્તાનના પ્રાચીન રાષ્ટ્રીય સંગ્રહાલયમાં (કરાંચી સંગ્રહાલય) સ્થળાંતરીત કરવામાં આવેલ છે. ત્રીજા ખંડિયેર મંદિરનો મુખ્ય ગુંબજ ૧૮ ફૂટનો છે જેની આસપાસ ૨૬ નાના ગુંબજ આવેલા છે.[9]
માર્ગ નિર્માણ કાર્ય દરમિયાન કેટલીક જૈન મૂર્તિઓ મળી આવી છે. જે પૈકી કેટલીક મંદિરોમાં પુન:સ્થાપિત કરવામાં આવી છે બાકીની ઉમરકોટના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.[9]
આ મંદિરોમાં સૌથી પુરાણું મંદિર પોની ડાહરો નામની જૈન મહિલા દ્વારા બંધાવવામાં આવ્યું છે. ૯મી સદીમાં શાસ્ત્રીય શૈલીમાં બંધાયેલ આ મંદિરમાં પથ્થરોને જોડવા માટે ચૂનાનો ઉપયોગ કરાયો નથી. તે એક ઉચ્ચ મંચ પર બનાવાયેલું છે તથા પથ્થરોમાં કોરતણી દ્વારા બનાવાયેલ પગથિયાંથી ત્યાં પહોંચી શકાય છે. મંદિરના સ્તંભ વિશાળ પથ્થરોમાંથી કોતરીને બનાવવામાં આવ્યા છે. હાલ મંદિરની દિવાલો અસ્થિર અને ધ્વસ્ત છે.[2] ઇમારતનો કેટલાક હિસ્સો સ્થાનિક લોકો દ્વારા ગૃહ નિર્માણના કાર્યમાં ધરાશાયી કરવામાં આવ્યો છે.
અન્ય બે જૈન મંદિરો અનુક્રમે ઇ.સ. ૧૩૭૫ અને ઇ.સ. ૧૪૪૯માં બાંધવામાં આવ્યા હતા.[2]
જૈન સ્થાપત્ય શૈલીથી પ્રભાવિત ભોડેસર મસ્જિદ ઇ.સ. ૧૫૦૫માં ગુજરાતના સુલતાન મહમદ બેગડા દ્વારા બાંધવામાં આવેલી હતી.[2]૯.૨ મીટર વર્ગાકારમાં ઘેરાયેલા ગુંબજ ઉપરાંત મસ્જિદની ભીંતો તથા છત ઉપર મંદિરની વાસ્તુકલાની સ્પષ્ટ અસર જોવા મળે છે.
મંદિરો તથા મસ્જિદ પુરાતત્ત્વ અધિનિયમ ૧૯૭૫ અંતર્ગત સંરક્ષિત છે. આ સ્થળનું પ્રબંધન પુરાતત્વ અને સંગ્રહાલય મહાનિર્દેશક દ્વારા કરવામાં આવે છે. ૨૦૦૮માં સિંધના ધરોહર સ્થળોના સંરક્ષણ માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે જે લોકભંડોળ દ્વારા આ સ્થળના પુન:સંસ્થાપનની કામગીરી કરી રહ્યું છે.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.