One of the Ayurvedic and Useful Plants Of The World. From Wikipedia, the free encyclopedia
તુલસી (વૈજ્ઞાનિક નામ:Ocimum tenuiflorum; સંસ્કૃત: तुलसी) લેમિએસી કુળની એક સુવાસિત વનસ્પતિ છે. તુલસી એક ટટ્ટાર, બહુશાખી છોડ છે જે ૩૦ થી ૬૦ સેમી ઊંચો વધે છે. તેની ડાળીઓ રોમમય (રૂંવાટી વાળી) હોય છે તથા સામસામે એક-એક એમ સાદા પાન ઉગે છે જે તીવ્ર ગંધ ધરાવે છે. આના પાન પર્ણદંડ (petiole) દ્વારા મુખ્ય ડાળી સાથે જોડાયેલા હોય છે અને તેમનો આકાર લંબગોળ હોય છે જે ૫ સેમી સુધી લાંબા થાય છે, તેની કિનારે થોડા ખાંચા પણ હોય છે. આને આછા જાંબુડી રંગના ઝીણાં ફૂલ આવે છે જે કલગી પ્રકારનાં પુષ્પવિન્યાસમાં હોય છે.[1] મુખ્ય બે પ્રકારની તુલસીનું ભારતમાં વાવેતર કરાય છે—લીલા-પાંદડા વાળી (રામ તુલસી) અને જાંબુડીયા-પાંદડા વાળી (શ્યામ/કૃષ્ણ તુલસી).[2]ઓસીમમ ટેનુફ્લોરમની એક જાત થાઈ વાનગીઓમાં પણ વપરાય છે, તેને થાઈ તુલસી, અથવા ખા ફ્રાઓ (กะเพรา)[3]તરીકે ઓળખાય છે—આને "થાઈ બાસીલ" ન ગણવું, જે ઓસીમમ બેસીલીકમની એક જાત છે.
તુલસી | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
(unranked): | સપુષ્પ |
(unranked): | Eudicots |
(unranked): | Asterids |
Order: | લેમિએલ્સ |
Family: | લેમિએસી |
Genus: | 'ઓસિમમ (Ocimum)' |
Species: | ''ટેનિફ્લોરમ (tenuiflorum)'' |
દ્વિનામી નામ | |
ઓસિમમ ટેનિફ્લોરમ (Ocimum tenuiflorum) L. | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
ઓસિમમ સેન્ક્ટમ (Ocimum sanctum) |
તુલસી પ્રાચીન વિશ્વ તરિકે ઓળખાતા અને સમશિતોષ્ણ પ્રદેશોની મૂળ નિવાસી છે, અને તેનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે, આ ઉપરાંત છુટા-છવાયા નિંદણ તરિકે પણ ઉગેલી જોવા મળે છે.[4] તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ મટે થાય છે, અને તેના સુગંધી-તેલ માટે પણ. દક્ષિણ એશિયામાં આ એક ઘરગથ્થુ ઓસડ તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે, આ ઉપરાંત આયુર્વેદમાં પણ બહોળા પ્રમાણમાં વપરાતી ઔષધિ છે. વળી વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે.
ઘા રુઝવવાના તુલસીના ગુણને કારણે તુલસી હજારો વર્ષોથી આયુર્વેદમાં વપરાતી આવી છે. ચરકે આયુર્વેદનાં પ્રાચિતતમ ગ્રંથ ચરક સંહિતામાં તેનો ઉલ્લેખ કર્યો છે.[5]તુલસીને બળપ્રદાયી ગણાય છે,[6] જે શરીરની વિવિધ પ્રક્રિયાઓમાં સમતોલન લાવે છે, અને તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.[7] તેની તીવ્ર સુગંધ અને તીખા સ્વાદને લીધે, તેને આયુર્વેદમાં રામબાણ જીવન ઔષધ મનાય છે અને તે દીર્ધ આયુષ્ય આપે છે એમ કહેવાય છે.[8] તુલસીના અર્કનો ઉપયોગ આયુર્વેદમાં સામાન્ય શર્દી, માથાનો દુખાવો, પેટની તકલીફો, સોજા, હૃદયના દર્દ, ઝેર વિકાર અને મલેરિયામાં કરવામાં આવે છે. પારંપારિક રીતે તુલસી વિવિધ રીતે ગ્રહણ કરવામાં આવે છે: ઉકાળા તરીકે, સુકા ચૂર્ણ તરીકે, તાજા પાંદડા કે ઘી સાથે મેળવીને. કર્પૂર તુલસીમાંથી કાઢેલા સુગંધી-તેલને ઔષધિ તરીકે સૌંદર્ય પ્રસાધનોમાં અને તેના જીવાણું-નાશક (એન્ટિ-બેક્ટેરિયલ) ગુણધર્મને લીધે તેને ત્વચા રોગના ઔષધોમાં વપરાય છે. સદીઓથી તુલસીના સુકાવેલા પાંદડાને અનાજમાંથી જીવડા (ધનેરા વગેરે)ને દૂર રાખવા જાળવણીમાં વપરાય છે.[9]
હાલના સંશોધનોમાં જણાયું છે કે તુલસી તેનામાં વિપુલ પ્રમાણમાં રહેલા યુજીનોલ(eugenol:1-hydroxy-2-methoxy-4-allylbenzene)ને કારણે એમ માનવામાં આવે છે કે આધુનિક દર્દનાશક (painkillers) દવાઓની માફક કદાચ COX-2 અવરોધક હોય.[10][11] એક અભ્યાસમાં જણાવ્યું છે કે તુલસી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડીને ડાયાબિટીસના ઈલાજમાં મદદ કરે છે. આ જ અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે તુલસી વાપરવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં દેખીતો ઘટાડો થયો. એક અન્ય અભ્યાસમાં જણાયું કે તેનામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને કારણે લોહીમાં ગ્લુકોઝના સ્તરની જાળવણીમાં ફાયદો થાય છે.[12]
કીરણોત્સર્ગ (રેડીએશન)થી થયેલા વિષ વિકારો[13] અને મોતિયા (મોતિબિંદુ)[14] ઉપર પણ તુલસી ફાયદાકારક સાબિત થઈ છે. ડૉ.પંકજ નરમ કહે છે કે પશ્ચિમના દેશોમાં તેણે ૨૦ વર્ષમાં ૨૦૦૦૦ બ્રેસ્ટ કેન્સરના કેસો આયુર્વેદથી સારા કર્યાં છે. ત્યાં જોવા મળ્યું છે કે મેકડોનાલ્ડઝના જંક ફૂડ, પિત્ઝા અને બીજી ચરબીવાળા ભોજનની ટેવને કારણે ત્રિદોષ વકરે છે. તે માટે ત્રિદોષહરની આયુર્વેદની દવા આવે છે પણ સૌથી વધુ અસરકારક અસર તુલસી કરે છે. સાદો આહાર રાખીને આયુર્વેદની ટ્રીટમેન્ટ સાથે રોજ સવારે તુલસીનાં સાત પાન ચાવી જવાં. પછી રોજ સંખ્યા વધારીને ૧૦ પાંદડા ખાવાથી કેન્સર જલદી સારું થાય છે.[15]
તુલસીના અમુક ખાસ રાસાયણીક તત્વો આ પ્રમાણે છે: ઓલિનોલીક એસિડ, અર્સોલીક એસિડ, રોસમેરીનીક એસિડ, યુજીનોલ, કાર્વાક્રોલ, લીનાલુલ, અને બીટા-કેરીઓફાયલીન.[6]
તુલસી, જેનો સંસ્કૃત અર્થ થાય છે 'અદ્વિતીય', તેની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. તેને મોટે ભાગે વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે .[16][17] હિંદુ ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે—"રામ તુલસી" જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે; અને "કૃષ્ણ તુલસી" જેને ઘેરા રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પુજા માટે મહત્વના છે.[18]
ઘણાં હિંદુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે, ક્યરેક ખાસ તુલસી ક્યારીમાં. વિષ્ણુ મંદિરોમાં તુલસી સવિશેષ જોવા મળે છે, અને ઉગાડવામાં આવે છે, વારાણસીમાં તો ખાસ.[19]
તુલસી વિવાહ નામના એક ઉત્સવમાં હિંદુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત તુલસીના છોડને વિષ્ણુ સાથે પરણાવવામાં આવે છે. આ દિવસે વિવાહ-લગ્ન આદિ શુભ કાર્યમાટે અશુભ ગણાતા ચાતુર્માસનો પણ અંત આવે છે. આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે. કારતક મહીનામાં દીવા પ્રગટાવવાની પ્રથા સાથે તુલસીની પણ પૂજા કરાય છે અને તેને શુકનવંતી મનાય છે. વૈષ્ણવો ખાસ કરીને કારતક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે.[20]
તુલસીના લાકડા (થડ)માંથી બનેલા મણકાની માળા વૈષ્ણવો જપ માટે રાખે છે અને આવા જ ઝીણા મણકાઓની બનેલી તુલસી માળા ગળામાં પણ પહેરે છે. આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે ઓળખાય છે.[17]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.