વૈદિક ઋષિ From Wikipedia, the free encyclopedia
મહર્ષિ અગસ્ત્ય (સંસ્કૃત: अगस्त्य) (તમિલ: அகத்தியர், અગતિયાર) એ સપ્તર્ષિમાં ના એક તથા ઋગ્વેદના અનેક મંત્રોના, તેમાં પણ ખાસ કરીને પ્રથમ મંડળનાં સૂક્તોના તેઓ રચયિતા છે. આ મંત્રોનો પ્રાદુર્ભાવ તેમના માનસમાં બ્રહ્માજીની પ્રેરણાથી થયેલો મનાય છે. તેમનું ગૃહસ્થ જીવન લોપામુદ્રા સાથે જોડાયેલું, જેનાથી તેમને પુત્ર જન્મ્યો એનું નામ ઋભુ પાડવામાં આવ્યું હતું. પિતા મિત્રાવરુણ અને માતા ઉર્વશીના સંતાન એવા અગસ્ત્ય મુનિના વડીલબંધુ વસિષ્ઠ ઋષિ હતા. દૈવી સાધનામાં અગસ્ત્ય અને લોપામુદ્રાના ઉલ્લેખો થયેલા જોવા મળે છે. આ સિવાય અન્ય કોઈ વિગતો પૌરાણિક કથાઓમાંથી ઉપલબ્ધ નથી.
ભગવાન આદિત્યના યજ્ઞમાં મહર્ષિ વરુણએ ઉર્વશી નામની અપ્સરાને દેખીને અને તેમનું વીર્ય સ્ખલિત થયું. આ વીર્ય માંથી કેટલોક ભાગ કુંભમાં પડ્યો અને તેમાંથી અગસ્ત્ય ને વસિષ્ઠ ઋષિ જન્મ્યા. તેમની ઉત્પત્તિ કુંભમાંથી થઈ તેથી તેમને કુંભયોનિ અથવા કુંભજ પણ કહે છે. તે પોતાનો આશ્રમધર્મ પાળતા, તે સમયે એક રાક્ષસ લોકોને દુઃખ દેતો. ઋષિઓની પ્રાર્થના પરથી તેણે સમુદ્રને પી જઈ કાળકેયનો નાશ કર્યો. આ પ્રસંગથી એનું નામ પીતાબ્ધિ પડ્યું.
અસુરો અને ખાસ કરી કાળકેય નામનો અસુર સમુદ્રમાં સંતાઈ પ્રજાને પીડા કરતો. ઇન્દ્રએ એમ ધાર્યું કે જો સમુદ્રને શોષી લેવામાં આવે તો અસુરો નો સંહાર થઇ શકે આથી ઇન્દ્રએ અગ્નિ અને વાયુને સમુદ્રનું પાણી શોષી લેવાની આજ્ઞા કરી. પરંતુ તેઓએ ઇંદ્રની આજ્ઞા માની નહી આથી ઇન્દ્રએ બન્નેને શાપ આપ્યો કે તમે મનુષ્ય યોનિમાં જન્મશો. ચાલુ વૈવસ્વત મન્વંતરમાં અગ્નિ અને વાયુ બન્નેને મિત્રાવરુણ દ્વારા એકજ દેહમાં મહર્ષિ અગસ્ત્ય રુપે જન્મ મળ્યો. આ માટે તેઓ મૈત્રાવરુણિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એમની સાથે વિંધ્ય પર્વતની પણ કથા વણાયેલી છે. આ કથા મુજબ વિંધ્યાચળ પર્વત વધતો હતો અને સૂર્ય નો માર્ગ રોકતો હતો. તે પર્વત અગસ્ત્યનો શિષ્ય હતો, તેથી દેવ અગસ્ત્ય પાસે ગયા. તેમની પ્રાર્થનાથી અગસ્ત્ય ઋષિ વિંધ્યાચળ પાસે આવ્યા. વિંધ્યાચળે તેમને જોઇને દંડવત્ પ્રણામ કીધા, ત્યારે મુનિએ કહ્યું કે "હું પાછો આવું ત્યાં સુધી ઊભો ના થઇશ", પછી કહ્યું કે `મારે દક્ષિણમાં કામ છે તો ત્યાં જઈ આવું; હું પાછો આવું ત્યારે ઊઠજે.` એમ કહી દક્ષિણમાં ચાલ્યા ગયા હતા. આમ તે સદા નમેલો જ રહ્યો અને આ વાત પરથી અંત વિનાનો વાયદો અથવા જૂઠું વચન અગસ્ત્યના વાયદા (ગુજરાતી કહેવત) તરીકે ઓળખાય છે. વાયદા નહિ પાળનાર પુરુષ ને કટાક્ષમાં અગસ્ત્યાચાર્ય કહેવામાં આવે છે. વિંધ્ય ઓળંગવાનું શક્ય બનવાથી ભારતીય ઉપખંડમાં ઉત્તર અને દક્ષિણ ભાગ વચ્ચે વહેવાર સ્થપાયો હતો. ભારતીય ઉપખંડ ઉપરાંત તેમણે સાગરપાર પણ હિંદુ સંસ્કૃતિનો પ્રસાર કર્યો હતો. આજે પણ પૂર્વના ટાપુઓ જાવા, સુમાત્રા, સારાવાક અને બાલીમાં ભારતીય સંસ્કૃતિના અંશો જોવા મળે છે. આ સંસ્કૃતિના જનક અગસ્ત્ય મુનિ હતા. કંબોડિયામાં આજે પણ દર્શનીય વિષ્ણુ ભગવાનનું મંદિર જોવા મળે છે. જેને યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે સ્થાન આપ્યું છે.
એક વાર અગસ્ત્ય મુનિએ સ્વપ્નમાં પોતાના પિતૃઓને એક ખાડામાં ઊંધે માથે લટકતા જોયા. તેમણે પિતૃઓને આનુ કારણ પુછ્યું તો તેમણે કહ્યું કે તું દીકરો મેળવ તો અમારો છૂટકો થાય. ત્રિલોકમાં તેમને લાયક સ્ત્રી ન મળતા તેમણે જાતે જ જુદા-જુદા પ્રાણીઓમાંથી સુંદર શરીરના ભાગો લઈ એક મનોહર કન્યા બનાવી અને છાની રીતે તેને વિદર્ભ રાજાના મહેલમાં મૂકી આવ્યા અને તેને મોટી થઈ ગયા પછી પરણ્યા. તેનું નામ લોપામુદ્રા રાખ્યું, કેમકે સંસ્કૃતમાં લોપ ધાતુનો અર્થ નાશ પામવું થાય છે અને હરણ વગેરે પ્રાણીઓએ પોતાની આંખો વગેરે સુંદર ભાગો આ કન્યા માટે ગુમાવ્યા હતા. આ ઉપરાંત તેને કૌશીતકી અને વરપ્રદા પણ કહે છે. તેના થકી સમય જતા દૃઢાસ્ય અને દૃઢસ્યુ નામના બે દીકરા થયા. એવી પૌરાણિક કથાઓ મળે છે.
શ્રીરામજી જ્યારે સીતાજીની ખોળ કરતાં-કરતાં ત્યાં આવ્યા ત્યારે અગત્સ્ય ઋષિએ તેમને થોડા દિવસ તેમના આશ્રમમાં જ પ્રેમ થી રોક્યા. વળી તેમણે ભગવાનને `વિરજા` નામની શૈવદીક્ષા આપી જેમા એમાં આખે શરીરે ભસ્મ ચોળી ભસ્મ ઉપર સૂઈ રહેવું, રુદ્રાક્ષ ધારણ કરવા અને શિવમંત્ર જપવાનો હોય છે. તેમની પાસે અનેક અમોઘ અને અજોડ શસ્ત્રાસ્ત્ર હતા તે ભગવાન રામને વિદાય થતી વેળા સોંપ્યા.
શાપિત ઇંદ્રએ ૧૦૦૦ વર્ષ માટે ગાદી છોડવી પડી અને તેથી દેવોએ નહુષને થોડો વખત ઇંદ્રની ગાદી સંભાળવા બોલાવેલા. તે વેળા તેણે આળસુ થઈ સાત ઋષિઓ પાસે પાલખી ઉપડાવેલી ને ઋષિઓને ચાલતાં વાર લાગે ત્યારે પાલખીમાંથી `સર્પ, સર્પ` એટલે જલદી ચાલો, જલદી ચાલો એમ તે બોલતો. આ સાંભળી અગસ્ત્યે તેને શાપ આપ્યો કે તું `સર્પ` થઈ પૃથ્વી પર પડ.
મદ્રાસ પાસે અગસ્ત્યકૂટ નામનો પર્વત આવેલો છે. એક માન્યતા મુજબ અગસ્ત્ય ઋષિ હજી હયાત છે અને તિનેવેલીમાં આવેલા આ પર્વત ઉપર રહેતા મનાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.