ખાખરો
ખાખરો એક વનસ્પતિ / From Wikipedia, the free encyclopedia
ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.
ખાખરો અથવા કેસૂડો | |
---|---|
ખાખરો/કેસૂડો | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Division: | સપુષ્પ વનસ્પતિ |
Class: | મેગ્નોલિઓપ્સિડા |
Order: | ફેબેલ્સ |
Family: | ફેબેસી |
Subfamily: | ફેબોઈડી |
Tribe: | ફેસિઓલી |
Genus: | બ્યુટિયા (Butea) |
Species: | મોનોસ્પર્મા (monosperma) |
દ્વિનામી નામ | |
બ્યુટિયા મોનોસ્પર્મા (Butea monosperma) લેમાર્ક (Jean-Baptiste Lamarck), ટોબર્ટ (Paul Hermann Wilhelm Taubert), 1894 | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
બ્યુટિયા ફ્રોન્ડોઝા (Butea frondosa) Roxb. ex Willd. |
તે એક મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે અને ૮-૧૬ સે.મી. લાંબો પર્ણદંડ ધરાવે છે, તથા દરેક પર્ણિકાની લંબાઈની ૧૦-૨૦ સેમી જેટલી હોય છે. પુષ્પો ૨.૫ સે.મી. લાંબા, ઘાટ્ટા કેસરી કે પીળા રંગનાં હોય છે અને ૧૫-૨૦ સે.મી. લાંબા કલગી પુષ્પવિન્યાસમાં ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, જે ૧૫-૨૦ સે.મી. લાંબી અને ૪-૫ સે.મી. જાડી હોય છે.[2] તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાદડાં ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધાં ખરી પડે છે. એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે તે પહેલા મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ)માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે[3].
કેસૂડાનાં ફૂલને ઝારખંડ રાજ્યમાં રાજફૂલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે[4].