વિશ્વના સૌથી પ્રાચિન ગ્રંથો અને હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો એક અથર્વવેદ From Wikipedia, the free encyclopedia
અથર્વવેદ (સંસ્કૃત: अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે, જે અન્ય ત્રણ વેદો પછીથી લખાયો હોવાનું માનવામાં આવે છે.[1][2] અથર્વવેદનો અર્થ થાય છે અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે.[3] વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદના શ્લોકોને ઋચાઓ કહેવામાં આવે છે. આ વેદમાં આવી કુલ ૫૯૮૭ ઋચાઓ છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ સંહિતાઓ (સ્કંધ)માં વહેંચાયેલી છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મી સંહિતા સિવાયની બધી જ સંહિતા પદ્ય સ્વરૂપે રચાયેલી છે.[4] ૨૦મી સંહિતામાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી હતી.[5] અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે.[6] વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.
અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે.[7][8] જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી 'બ્રાહ્મણ' રચાયા છે જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ.[9][10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.