સ્વામીનારાયણ ધર્મનું તીર્થ સ્થળ, ગોંડલ From Wikipedia, the free encyclopedia
અક્ષર દેરી એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક તીર્થસ્થાન છે અને ભારતના ગોંડલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રંગ મંડપમાં સ્થિત છે. આ દેરી BAPS ના પ્રથમ ગુરુ અને સ્વામીનારાયણ ભગવાનના શિષ્ય અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અંતિમ સંસ્કાર સ્થળ પર બાંધવામાં આવી છે. આ જગ્યાએ ગોંડલ રાજ્ય એ પ્રથમ વિમાન આકારની દેરી બાંધી અને સમય જતાં આ સ્થાને BAPS સંસ્થાના શાસ્ત્રીજી મહારાજ એ નીચે દેરી અખંડિત રાખી ઉપર અક્ષર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.[1] સન ૨૦૧૮માં આ દેરીની ૧૫૦મી વર્ષગાંઠે "અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ" ઉજવાયો હતો, અને ૨૦૦ એકરમાં સ્વામીનારાયણ નગર ઉભુ કરાયું હતું[2] અને આ દેરીને આધુનિક ધોરણોને લાયક બનાવવા માટે માળખાની સાથે સાથે પૂર્ણ સ્થળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અક્ષર દેરીની ઉપર બંધાયેલું સ્વામીનારાયણ મંદિર અને યોગી સ્મૃતિ મંદિર પણ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.
ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મહત્વપૂર્ણ સાધુ હતા. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના સભ્યો તેમને સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ અનુગામી તરીકે માને છે. તેઓ ૨૧ ઓક્ટોબર ૧૮૬૭ ના દિવસે અવસાન પામ્યા હતા, અને તેમનો અંતિમ સંસ્કાર ભારતના ગુજરાતના ગોંડલમાં ગોંડલી નદીના કાંઠે કરવામાં આવ્યો.[3] આ મંદિર તેમના અંતિમ સંસ્કારની યાદમાં બાંધવામાં આવ્યું હતું.[4]
તેના નિર્માણ પછી, આ સ્થળ સંપ્રદાયના તીર્થસ્થાનોમાં એક મુખ્ય તીર્થસ્થાન બની રહ્યું છે, જે વિશ્વભરના જાત્રાળુઓને આકર્ષિત કરે છે.[5] દરરોજ સવારે મંદિરમાં મહાપૂજા થાય છે. યાત્રાળુઓ વેદી પર તેમની પૂજા અર્ચના પ્રાર્થના કરે છે, સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે, મંદિરની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને મૂર્તિઓ સમક્ષ પ્રણામ કરે છે. જાત્રાળુઓ આધ્યાત્મિક અથવા દુન્યવી ઇચ્છાઓની પરિપૂર્ણતા માટેની પ્રાર્થનાના ભાગ રૂપે શ્રદ્ધાળુઓ આ વિધિઓ કરે છે.[6]
ગુણાતીતાનંદ સ્વામીની અંતિમક્રિયાના થોડા સમય બાદ, ગોંડલના તત્કાલિન રાણીબા મોંઘીબાએ ગણોદના દરબાર અભયસિંહની દેખરેખ હેઠળ આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું.[7] આ મંદિરનું નિર્માણ ૨૮ નવેમ્બર ૧૮૬૭ ના રોજ શરૂ થયું હતું અને ૨૯ જાન્યુઆરી ૧૮૬૮ ના રોજ પૂર્ણ થયું હતું. ગોંડલના નવલખા મહેલના ઝરુખાના આકાર પરથી આ દેરીનો આકાર તૈયાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢના સ્વામી બાલમુકુન્દે કાળા પથ્થરમાં કોતરવામાં આવેલા ચરણાવિંદ કે સ્વામિનારાયણ ના "પવિત્ર પદચિહ્ન"ને અંદર સ્થાપિત કરાવ્યા હતા. રાણી મોંઘીબાએ આ મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમની એક દોરલી છબી મૂકાવી હતી અને વસંતપંચમી તહેવાર ઉજવવા અહીં આવ્યા હતા. ત્યાર બાદ આ યાત્રાધામમાં અન્ય મુખ્ય તહેવારોની ઉજવણીની પરંપરાની શરૂઆત થઈ હતી. ગુણાતીતાનંદ સ્વામીની જન્મજયંતિ સૌરાષ્ટ્રના સ્વામિનારાયણના અનુયાયીઓ દ્વારા ૧ ઓક્ટોબર ૧૮૬૮ ના રોજ આ સ્થળ પર ઉજવવામાં આવી હતી.
૧૮૬૭ બાદ આ સ્થળને આવતી લેતા ભૂભાગને અક્ષર વાડી નામ મળ્યું. ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરની અભિવ્યક્તિ ગણી આ નામ આપવામાં આવ્યું હતું.[8] આ મંદિર દુ:ખ નાશક અને માન્તાઓ પૂરી કરનાર ચમત્કારી સ્થળ તરીકે પ્રચલિત બન્યું.[9][10]
દેવપોઢી એકાદશીની એક પરોઢે, ગુણાતીતાનંદ સ્વામી વીરસદના નારાયણજી મહારાજ નામના એક વરિષ્ઠ ભક્તના સ્વપ્નમાં આવ્યા અને કહેવાય છે કે તેમણે તેમને ગોંડલમાં ત્રણ શિખરો ધરાવતા એક શિખરબંધ મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો.[11] આ સ્વપ્નને પગલે નારાયણજી મહારાજ તેમના ત્રણ શિષ્યો શંકરભાઇ અમીન, હરિભાઇ અમીન અને ભીખાભાઇ શુક્લા સાથે ગોંડલ ગયા, ત્યાં તેમણે અક્ષર દેરીની આસપાસની જમીન માટે ગોંડલ રજવાડાના મહારાજા ભગવતસિંહજીને વિનંતી કરી. ભગવતસિંહે મંદિર માટે જમીન વેચવાની સંમતિ આપી અને તેના નિર્માણ માટે ત્રણ શરતો નક્કી કરી: પ્રથમ મંદિર ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ; બીજું, અક્ષર દેરીને અખંડ રાખવી જોઈએ; અને ત્રીજું, આ પરિયોજના પર રૂ. ૧૦,૦૦,૦૦૦ કરતાં ઓછા ખર્ચાવા જોઈએ નહીં.[12]
૧૮ જાન્યુઆરી ૧૯૩૨ ના રોજ શાસ્ત્રીજી મહારાજે (શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ) ભાગવતસિંહની હાજરીમાં ભૂમિ પુજનનો સમારોહ કર્યો.[13] સાધુ અક્ષરસ્વરૂપદાસને મંદિર નિર્માણનો હવાલો સોંપાયો હતો. સાધુ જ્ઞાનનજીવનદાસ (યોગીજી મહારાજ) અને અન્ય ભક્તોની તેમની મદદ માટે અપાયા. સાધુઓ અને ભક્તોએ આર્થિક તંગી અને અન્ય અવરોધો વચ્ચે અથાગ મહેનત કરી મંદિરને પૂર્ણ કરવા માટે ચોવીસે કલાક કામ કર્યું અને ૨૪ મે ૧૯૩૪ના દિવસે શાસ્ત્રીજી મહારાજે એક મહાન યજ્ઞના સમાપન બાદ મૂર્તિપ્રતિષ્ઠા કરી. તેમણે કેન્દ્રીય ગર્ભગૃહમાં અક્ષરપુરૂપોત્તમની મૂર્તિ પ્રસ્થાપિત કરી. આ કાર્યમાં તેમણે ભગવતસિંહજીની શરતોનું પાલન કર્યું જેમ કે અક્ષર દેરીને અક્ષત રાખી તેની આસપાસ મંદિર બંધાયું, તેમાં ૧૦ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ થયો અને તેનું બાંધકામ સવા બે વર્ષમાં પૂર્ણ થયું. સમારોહના બીજા દિવસે શાસ્ત્રીજી મહારાજે સાધુ જ્ઞાનજીવનદાસને મંદિરના મહંત તરીકે નિયુક્ત કર્યા.[14]
૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ ના દિવસે શાસ્ત્રીજી મહારાજે અક્ષર દેરી સમક્ષ બેઠેલા શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ (પાછળથી પ્રમુખ સ્વામી મહારાજ)ને ભગવતી દીક્ષા આપી હતી.[15][16]
ચોથા આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજના અંતિમ સંસ્કાર પછી યોગી સ્મૃતિ મંદિર નામના સ્મારકનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. અક્ષર દેરીની સ્થાપનાના ૧૫૦ વર્ષ પૂરા થતાં, યોગી સ્મૃતિ મંદિરનું પણ નવીનીકરણ થયું. તે જૂના સ્મારક સ્થળે હવે એક શિખર ધરાવતું મંદિર ઊભું છે.[17]
અક્ષર દેરી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતીકમાં સ્થાન પામી છે.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.