ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ધરાસણા સત્યાગ્રહનો એક ભાગ From Wikipedia, the free encyclopedia
દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના ૭૮ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી.[૧] ૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા.[૨]
દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે ૨૫ માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ ચોથી મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો.[૩] મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા.[૪] જોકે, આ સત્યાગ્રહ અંગ્રેજો તરફથી મોટી કર માફી અપાવવામાં નિષ્ફળ રહ્યો.[૫]
૫ ફેબ્રુઆરીએ સમાચારપત્રોએ ખબર છાપી કે ગાંધીજી મીઠાના કાયદાને ભંગ કરી સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરશે. આ સત્યાગ્રહ ૧૨ માર્ચે શરૂ થશે અને ૬ એપ્રિલે મીઠાના કાયદાના ભંગ સાથે દાંડી ખાતે સમાપ્ત થશે.[૬] ગાંધીજીએ સાબરમતી આશ્રમથી પ્રાર્થનાસભાઓમાં તથા પ્રેસના સીધા સંપર્કમાં નિયમિત નિવેદન બહાર પાડી વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમના નિવેદનોથી તેમની ધરપકડ થવાની સંભાવના વધતી રહી. ભારતીય, યુરોપીયન તથા અમેરીકન સમાચારપત્રોના સંવાદદાતાઓ અને ફિલ્મ કંપનીઓ આ સમગ્ર ઘટનાક્રમના દસ્તાવેજી અહેવાલ માટે તૈયાર રહ્યાં.[૭]
કૂચ માટે ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હતા. આ કારણોસર જ તેમણે કૂચ માટે કોંગ્રેસ પક્ષના સભ્યોના બદલે પોતાના આશ્રમમાં પ્રશિક્ષિત સ્વયંસેવકો પર પસંદગી ઉતારી હતી.[૮] ૮ જિલ્લા અને ૪૮ ગામોને આવરી લેતી ૨૪ દિવસની કૂચ દરમિયાન રાત્રિરોકાણ, સંપર્કો અને સમય આયોજન સાથેની યોજના તૈયાર કરવામાં આવી. કૂચ પહેલાં ગાંધીજીએ પ્રત્યેક ગામમાં પોતાના સ્વયંસેવકો મોકલ્યા જેથી તે સ્થાનિકો સાથે મળીને રાત્રિરોકાણની વ્યવસ્થા કરી શકે.[૯] પ્રત્યેક કાર્યક્રમને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સમાચારપત્રોમાં પ્રકાશિત કરાયા.[૧૦]
૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કરવધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો.[૧૧] વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરી આ પ્રસ્તાવને ફગાવી દેતાં કૂચની તૈયારીઓએ ગતિ પકડી.[૧૨] ગાંધીજીએ ટીપ્પણી કરી કે, " મેં ઘૂંટણ ટેકવીને રોટલીનો ટુકડો માંગ્યો હતો બદલામાં મને પથ્થર મળ્યા."[૧૩] કૂચની પૂર્વ સંધ્યાએ હજારો ભારતીયો ગાંધીજીના પ્રાર્થનાસભાના ભાષણને સાંભળવા સાબરમતી આશ્રમે ઉમટી પડ્યા. ધ નેશનએ અહેવાલ છાપ્યો કે ગાંધીના યુદ્ધ હુંકારને સાંભળવા ૬૦૦૦૦ લોકો નદીકિનારે ઉમટી પડ્યાં. [૧૪][૧૫]
આ કૂચમાં ગાંધીજી સહિત કુલ ૮૦ સ્વયંસેવકોએ ભાગ લીધો જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની હતી. જેમ જેમ કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. નિમ્નલિખિત સૂચિ કૂચ દરમિયાન શરૂઆતથી અંત સુધી ગાંધીજીનો સાથ આપનારા સ્વયંસેવકોની છે.[૧૬][૧૭]
ક્રમ | નામ | ઉંમર | પ્રાંત (બ્રિટીશ ભારત) | રાજ્ય (પ્રજાસત્તાક ભારત) |
---|---|---|---|---|
૧ | મોહનદાસ કરમચંદ ગાંધી | ૬૧ | પોરબંદર રિયાસત | ગુજરાત |
૨ | પ્યારેલાલ નાયર | ૩૦ | પંજાબ | પંજાબ |
૩ | છગનલાલ નાથુભાઈ જોશી | ૩૫ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૪ | પંડિત નારાયણ મોરેશ્વર ખેરે | ૪૨ | બોમ્બે | મહારાષ્ટ્ર |
૫ | ગણપતરાવ ગોડસે | ૨૫ | બોમ્બે | મહારાષ્ટ્ર |
૬ | પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આશર | ૧૯ | કચ્છ | ગુજરાત |
૭ | મહાવીર ગીરી | ૨૦ | નેપાળ | |
૮ | બાલ દત્તાત્રેય કાલેલકર | ૧૮ | બોમ્બે | મહારાષ્ટ્ર |
૯ | જયંતી નાથુભાઇ પારેખ | ૧૯ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૧૦ | રસિક દેસાઈ | ૧૯ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૧૧ | વિઠ્ઠલ લીલાધર ઠક્કર | ૧૬ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૧૨ | હરખજી રામજીભાઇ | ૧૮ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૧૩ | તનુષ્ક પ્રાણશંકર ભટ્ટ | ૨૦ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૧૪ | કાન્તિલાલ હરીલાલ ગાંધી | ૨૦ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૧૫ | છોટુભાઈ ખુશાલભાઈ પટેલ | ૨૨ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૧૬ | વાલજીભાઈ ગોવિંદજી દેસાઈ | ૩૫ | અજ્ઞાત દેશી રાજ્ય | ગુજરાત |
૧૭ | પન્નાલાલ બાલાભાઈ ઝવેરી | ૨૦ | ગુજરાત | |
૧૮ | અબ્બાસ વરતેજી | ૨૦ | ગુજરાત | |
૧૯ | પૂંજાભાઈ શાહ | ૨૫ | ગુજરાત | |
૨૦ | માધવજીભાઈ ઠક્કર | ૪૦ | કચ્છ | ગુજરાત |
૨૧ | નારણજીભાઈ | ૨૨ | કચ્છ | ગુજરાત |
૨૨ | મગનભાઈ વ્હોરા | ૨૫ | કચ્છ | ગુજરાત |
૨૩ | ડુંગરશીભાઈ | ૨૭ | કચ્છ | ગુજરાત |
૨૪ | સોમાભાઇ પ્રાગજીભાઈ પટેલ | ૨૫ | ગુજરાત | |
૨૫ | હસમુખભાઈ જકાબર | ૨૫ | ગુજરાત | |
૨૬ | દાદુભાઈ | ૨૫ | ગુજરાત | |
૨૭ | રામજીભાઈ વણકર | ૪૫ | ગુજરાત | |
૨૮ | દિનકરરાય પંડ્યા | ૩૦ | ગુજરાત | |
૨૯ | દ્વારકાનાથ | 30 | મહારાષ્ટ્ર | |
૩૦ | ગજાનન ખરે | ૨૫ | મહારાષ્ટ્ર | |
૩૧ | જેઠાલાલ રુપરેલ | ૨૫ | કચ્છ | ગુજરાત |
૩૨ | ગોવિંદ હરકરે | ૨૫ | મહારાષ્ટ્ર | |
૩૩ | પાંડુરંગ | ૨૨ | મહારાષ્ટ્ર | |
૩૪ | વિનાયકરાવ આપ્ટે | ૩૩ | મહારાષ્ટ્ર | |
૩૫ | રામધીરરાય | ૩૦ | સંયુક્ત પ્રાંત | |
૩૬ | ભાનુશંકર દવે | ૨૨ | ગુજરાત | |
૩૭ | મુન્શીલાલ | ૨૫ | સંયુક્ત પ્રાંત | |
૩૮ | રાઘવન | ૨૫ | મદ્રાસ પ્રાંત | કેરલ |
૩૯ | રવજીભાઈ નાથાલાલ પટેલ | ૩૦ | ગુજરાત | |
૪૦ | શીવાભાઈ ગોકળભાઈ પટેલ | ૨૭ | ગુજરાત | |
૪૧ | શંકરભાઈ ભીખાભાઈ પટેલ | ૨૦ | ગુજરાત | |
૪૨ | જશાભાઈ ઈશ્વરભાઈ પટેલ | ૨૦ | ગુજરાત | |
૪૩ | સુમંગલમ પ્રકાશ | ૨૫ | સંયુક્ત પ્રાંત | |
૪૪ | ટી. ટીટુસ | ૨૫ | મદ્રાસ પ્રાંત | કેરલ |
૪૫ | ક્રિષ્ણા નાયર | ૨૫ | મદ્રાસ પ્રાંત | કેરલ |
૪૬ | તપન નાયર | ૨૫ | મદ્રાસ પ્રાંત | કેરલ |
૪૭ | હરિદાસ વરજીવનદાસ ગાંધી | ૨૫ | ગુજરાત | |
૪૮ | ચિમનલાલ નરસિંહલાલા શાહ | ૨૫ | ગુજરાત | |
૪૯ | શંકરન | ૨૫ | મદ્રાસ પ્રાંત | કેરલ |
૫૦ | સુબ્રમણ્યમ | ૨૫ | આંધ્ર પ્રદેશ | |
૫૧ | રમણલાલ મગનલાલ મોદી | ૩૮ | ગુજરાત | |
૫૨ | મદનમોહન ચતુર્વેદી | ૨૭ | રાજપૂતાના | રાજસ્થાન |
૫૩ | હરિલાલ મહિમૂત્રા | ૨૭ | મહારાષ્ટ્ર | |
૫૪ | મોતીબાસ દાસ | ૨૦ | ઓરિસ્સા | |
૫૫ | હરિદાસ મઝુમદાર | ૨૫ | ગુજરાત | |
૫૬ | આનંદ હિંગોરીણી | ૨૪ | સિંધ | સિંધ (પાકિસ્તાન) |
૫૭ | મહાદેવ માર્તંડ | ૧૮ | કર્ણાટક | |
૫૮ | જયંતીપ્રસાદ | ૩૦ | સંયુક્ત પ્રાંત | |
૫૯ | હરીપ્રસાદ | ૨૦ | સંયુક્ત પ્રાંત | |
૬૦ | અનુરાગ નારાયણ સિંહા | ૨૦ | બિહાર | |
૬૧ | કેશવ ચિત્રે | ૨૫ | મહારાષ્ટ્ર | |
૬૨ | અંબાલાલ શંકરભાઈ પટેલ | ૩૦ | ગુજરાત | |
૬૩ | વિષ્ણુ પંત | ૨૫ | મહારાષ્ટ્ર | |
૬૪ | પ્રેમરાજ | ૩૫ | પંજાબ | |
૬૫ | દુર્ગેશચંદ્ર દાસ | ૪૪ | બંગાળ | બંગાળ |
૬૬ | માધવલાલ શાહ | ૨૭ | ગુજરાત | |
૬૭ | જ્યોતિરામ | ૩૦ | સંયુક્ત પ્રાંત | |
૬૮ | સૂરજભાણ | ૩૪ | પંજાબ | |
૬૯ | ભૈરવ દત્ત | ૨૫ | સંયુક્ત પ્રાંત | |
૭૦ | લાલજી પરમાર | ૨૫ | ગુજરાત | |
૭૧ | રતનજી બોરીઆ | ૧૮ | ગુજરાત | |
૭૨ | વિષ્ણુ શર્મા | ૩૦ | મહારાષ્ટ્ર | |
૭૩ | ચિંતામણી શાસ્ત્રી | ૪૦ | મહારાષ્ટ્ર | |
૭૪ | નારાયણ દત્ત | ૨૪ | રાજપૂતાના | રાજસ્થાન |
૭૫ | મણિલાલ મોહનદાસ ગાંધી | ૩૮ | ગુજરાત | |
૭૬ | સુરેન્દ્ર | ૩૦ | સંયુક્ત પ્રાંત | |
૭૭ | હરિક્રિષ્ણા મોહોની | ૪૨ | મહારાષ્ટ્ર | |
૭૮ | પૂરાતન બૂચ | ૨૫ | ગુજરાત | |
૭૯ | ખડગ બહાદુરસિંઘ ગીરી | ૨૫ | નેપાળ દેશી રિયાસત | |
૮૦ | શ્રી જગત નારાયણ | ૫૦ | ઉત્તર પ્રદેશ |
તારીખ | વાર | મધ્યાહન રોકાણ | રાત્રિ રોકાણ | અંતર (માઇલ) |
---|---|---|---|---|
૧૨-૦૩-૧૯૩૦ | બુધવાર | ચંડોલા તળાવ | અસલાલી | ૧૩ |
૧૩-૦૩-૧૯૩૦ | ગુરુવાર | બારેજા | નવાગામ | ૯ |
૧૪-૦૩-૧૯૩૦ | શુક્રવાર | વાસણા | માતર | ૧૦ |
૧૫-૦૩-૧૯૩૦ | શનિવાર | ડભાણ | નડીઆદ | ૧૫ |
૧૬-૦૩-૧૯૩૦ | રવિવાર | બોરિયાવી | આણંદ | ૧૧ |
૧૭-૦૩-૧૯૩૦ | સોમવાર | આણંદ ખાતે આરામ | ૦ | |
૧૮-૦૩-૧૯૩૦ | મંગળવાર | નાપા | બોરસદ | ૧૧ |
૧૯-૦૩-૧૯૩૦ | બુધવાર | રાસ | કંકરપુરા | ૧૨ |
૨૦-૦૩-૧૯૩૦ | ગુરુવાર | મહિસાગર કિનારે | કારેલી | ૧૧ |
૨૧-૦૩-૧૯૩૦ | શુક્રવાર | ગજેરા | આંખી | 11 |
૨૨-૦૩-૧૯૩૦ | શનિવાર | જંબુસર | આમોદ | ૧૨ |
૨૩-૦૩-૧૯૩૦ | રવિવાર | બુવા | સામણી | ૧૨ |
૨૪-૦૩-૧૯૩૦ | સોમવાર | સામણી ખાતે આરામ | ૦ | |
૨૫-૦૩-૧૯૩૦ | મંગળવાર | ત્રાલસા | દેરોલ | ૧૦ |
૨૬-૦૩-૧૯૩૦ | બુધવાર | ભરૂચ | અંકલેશ્વર | ૧૩ |
૨૭-૦૩-૧૯૩૦ | ગુરુવાર | સાંજોદ | માંગરોલ | ૧૨ |
૨૮-૦૩-૧૯૩૦ | શુક્રવાર | રાયમા | ઉમરાચી | ૧૦ |
૨૯-૦૩-૧૯૩૦ | શનિવાર | અર્થન | ભાટગામ | ૧૦ |
૩૦-૦૩-૧૯૩૦ | રવિવાર | સાંધિયેર | દેલાદ | ૧૨ |
૩૧-૦૩-૧૯૩૦ | સોમવાર | દેલાદ ખાતે આરામ | ૦ | |
૦૧-૦૪-૧૯૩૦ | મંગળવાર | છાપરાભાટા | સુરત | ૧૧ |
૦૨-૦૪-૧૯૩૦ | બુધવાર | ડિંડોલી | વાંઝ | ૧૨ |
૦૩-૦૪-૧૯૩૦ | ગુરુવાર | ધમણ | નવસારી | ૧૩ |
૦૪-૦૪-૧૯૩૦ | શુક્રવાર | વિજલપુર | કરાડી | ૯ |
૦૫-૦૪-૧૯૩૦ | શનિવાર | કરાડી-માટવાડ | દાંડી | ૪ |
દાંડી કૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ દાંડી ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
Seamless Wikipedia browsing. On steroids.