સ્વામી વિવેકાનંદ
ભારતીય હિંદુ સંત અને તત્વજ્ઞાની / From Wikipedia, the free encyclopedia
સ્વામી વિવેકાનંદ (બંગાળી: স্বামী বিবেকানন্দ, શામી બિબેકાનંદો) (૧૨ જાન્યુઆરી, ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), જન્મે નરેન્દ્રનાથ દત્ત [2] ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.[3] તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે[3] અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં[4] વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે.[5] તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે[6][7] તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.[2]
સ્વામી વિવેકાનંદ | |
---|---|
શિકાગોમાં સ્વામી વિવેકાનંદ, ૧૮૯3 | |
અંગત | |
જન્મ | નરેન્દ્ર દત્ત (1863-01-12)12 January 1863 |
મૃત્યુ | 4 July 1902(1902-07-04) (ઉંમર 39) બેલૂર મઠ, કલકત્તા |
સહી | |
કારકિર્દી માહિતી | |
ગુરુ | રામકૃષ્ણ પરમહંસ |
"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો."[1] |
સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો. તેમની વિચારસરણી પર તેમના માતાપિતાની ગાઢ અસર હતી - પિતાના બૌધ્ધિક દિમાગની અને માતાના ધાર્મિક સ્વભાવની. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુસેવા છે તેવુ શીખવ્યું હતું. ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્રનિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.[2][5][8]