પ્રથમ સદી બીસીઇ ઉજ્જૈન સમ્રાટ, ભારત From Wikipedia, the free encyclopedia
વિક્રમાદિત્ય (સંસ્કૃત: विक्रमादित्यः) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન ભારતના ઉજ્જૈનનો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાએ અને (લોકલાડીલા ‘હેમુ’ તરીકે જાણીતા) સમ્રાટ હેમ ચંદ્ર વિક્રમાદિત્યએ.
વિક્રમાદિત્ય | |
---|---|
ઉજ્જૈનમાં સ્થિતિ રાજા વિક્રમાદિત્યની મૂર્તિ | |
માહિતી | |
વ્યવસાય | રાજા |
રાજા વિક્રમાદિત્ય નામ એક સંસ્કૃત તત્પુરુષ છે, જે विक्रम એટલે કે 'શૂરવીર/બહાદુર' અને आदित्य એટલે કે 'અદિતીનો પુત્ર'ની સંધિથી બન્યું છે. અદિતીના પુત્રો અથવા આદિત્યોમાં સૌથી પ્રસિદ્ધ એ સૂર્ય એટલે કે સૂર્ય ભગવાન હતા; એટલે વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. તે 'વિક્રમ' અને 'વિક્રમાર્ક' તરિકે પણ ઓળખાતો (સંસ્કૃતમાં આર્ક એટલે સૂર્ય).
વિક્રમાદિત્ય ઈ.સ. પૂર્વેની પહેલી સદીમાં થઈ ગયો. કથા-સરિતા-સાગરનાં વૃત્તાંત અનુસાર, તે ઉજ્જૈનના પરમાર વંશના રાજા મહેન્દ્રાદિત્યનો પુત્ર હતો. અલબત્ત, આ બાબત લગભગ ૧૨ સદીઓ પછી લખવામાં આવી છે. વધુમાં, અન્ય સ્રોતો અનુસાર વિક્રમાદિત્ય એ દિલ્હીના તુર વંશનો પૂર્વજ હોવાનું પણ નોંધાયું છે.[1][2][3][4][5]
હિંદુ બાળકોમાં વિક્રમ નામ રાખવાનું બહુધા જોવા મળતું ચલણ વિક્રમાદિત્યની અને તેના જીવન વિશેની બે લોકકથાઓની લોકપ્રિયતાને આભારી છે તેમ કહી શકાય.
રૅકોર્ડના રૂપમાં, આવા રાજાની સંભાવના એક જૈન સાધુ માહેસરા સૂરિ કૃત "કાલકાચાર્ય કથાનક" માં જોવા મળે છે (સંભવતઃ આ લગભગ બારમી સદીના સમયની વાત છે - આ વાર્તા બહુધા પછીની તારીખની છે અને તેનો કાલક્રમ ખોટો છે). કથાનક (અર્થાત્, "વૃત્તાન્ત") એક પ્રસિદ્ધ જૈન સાધુ કાલકાચાર્ય ની વાર્તા કહે છે. તેમાં લખ્યું છે કે એ વખતના ઉજ્જૈનના શકિતશાળી રાજા, ગર્દભિલા એ સરસ્વતી નામની એક સંન્યાસિનીનું અપહરણ કર્યું હતું, કે જે સાધુની બહેન હતી. ગુસ્સે ભરાયેલા સાધુએ સકસ્થાનના સક શાસક, એક શાહી પાસે મદદ માગી. અત્યંત વિષમતાઓ વચ્ચે (પણ ચમત્કારોની મદદથી) સાકા રાજાએ ગર્દભિલાને હરાવ્યો અને તેને બંદી બનાવ્યો. સરસ્વતીને તેના સ્વદેશ પાછી મોકલવામાં આવી. ગર્દભિલાને સુદ્ધાં માફી બક્ષવામાં આવી. પણ હારેલો રાજા જંગલમાં નિર્ગમન કરી ગયો અને ત્યાં એક વાઘે તેને ફાડી ખાધો. જંગલમાં જ ઉછરેલા તેના પુત્ર, વિક્રમાદિત્યે હવે પ્રતિષ્ઠાના થી (અત્યારના મહારાષ્ટ્રમાં) શાસન કરવાનું હતું. પાછળથી, વિક્રમાદિત્યે ઉજ્જૈન પર ચડાઈ કરી અને સાકાઓને બહાર હાંકી કાઢ્યા અને આ ઘટનાના સ્મરણમાં રાખવા માટે તેણે ત્યારથી વિક્રમ સંવત તરીકે ઓળખાનારા નવા યુગની શરૂઆત કરી.
સુપ્રસિદ્ધ વિક્રમાદિત્ય ભારતમાં સંસ્કૃત અને સ્થાનિક ભાષાઓ એમ બંનેમાં ખૂબ લોકપ્રિય એવું પાત્ર છે. જે પણ ઘટના અથવા સ્થાપત્યની ઐતિહાસિક વિગતો અજાણી હોય તેની સાથે તેનું નામ સગવડતા માટે જોડી દેવામાં આવે છે, અલબત્ત તેની આસપાસ વાર્તાઓનું આખું ચક્ર વિકસ્યું છે. સંસ્કૃતમાં તેમાંની બે સૌથી વધુ જાણીતી વાર્તાઓ છે વેતાલ પંચવીમશાતી અથવા (‘ધ 25 (વાર્તાઓ) ઓફ ધ વેમ્પાયર’- ભૂતની 25 કથાઓ) અને સિંહાસના-દ્વાત્રિમશિકા ("ધ 32 (વાર્તાઓ) ઓફ ધ થ્રોન" - સિંહાસનની 32 કથાઓ).આ બંને કથાઓના વિવિધ સંસ્કરણો સંસ્કૃતમાં અને અન્ય સ્થાનિક ભાષાઓમાં જોવા મળે છે.
ભૂત(વેતાળ)ની વાર્તાઓ એવી પચ્ચીસ વાર્તાઓ છે જેમાં રાજા એક ભૂતને પકડવાનો અને તેને કબજામાં રાખવાનો પ્રયત્ન કરે છે, આ ભૂત એક કોયડો ધરાવતી વાર્તા કહે છે અને રાજા માટે એક પ્રશ્ન મૂકીને તેને પૂરી કરે છે. ખરેખર તો, પહેલાં એક સાધુએ ભૂતને પોતાની પાસે લઈ આવવા માટે રાજાનો સંપર્ક કર્યો હતો, અને તેને કહ્યું હતું કે તેણે એમ એક શબ્દ પણ બોલ્યા વિના કરવું, નહીં તો ભૂત પાછું તેના સ્થાને ઊડીને જશે. હવે રાજા તો જ ચૂપ રહી શકે જો તેને ઉત્તર ખબર ન હોય, એ સિવાય ચૂપ રહે તો તેનું માથું ફાટી જાય. દુર્ભાગ્યે, રાજાને ખબર પડી કે તેને દરેક પ્રશ્નનો જવાબ આવડે છે; અને તેથી છેવટે જયાં સુધી છેલ્લા પ્રશ્ને વિક્રમાદિત્યને મૂંઝવ્યો નહીં ત્યાં સુધી ભૂતને પકડવાનું અને પછી તેના પાછા છટકી જવાનું ચક્ર સતત ચોવીસ વખત ચાલ્યું. આ વાર્તાઓનું એક વૃત્તાન્ત કથા-સરિતસાગરમાં કોતરેલું જોવા મળે છે.
સિંહાસનની વાર્તાઓ વિક્રમાદિત્યના સિંહાસન સાથે જોડાયેલી છે, આ સિંહાસન ખોવાઈ ગયું હતું અને સદીઓ પછી, ધારના પરમાર રાજા, રાજા ભોજ તેને શોધી કાઢે છે. રાજા ભોજ પોતે સુપ્રસિદ્ધ હતો અને વાર્તાઓના આ સંગ્રહમાંની વાર્તાઓ તેના આ સિંહાસન પર બિરાજવાના પ્રયત્નો સાથે સંકળાયેલી છે. આ સિંહાસન 32 મહિલા પૂતળીઓથી શણગારાયેલું હતું, અને આ પૂતળીઓ બોલી શકતી હતી, પૂતળીઓ તેને સિંહાસન પર ચઢવા આહ્વાન આપતી, પણ જો તે તેઓ જે વાર્તા કહે તેમાંના વિક્રમાદિત્ય જેટલું ઉદાર હૃદય ધરાવતો હોય તો જ તે આ સિંહાસન પર ચઢી શકે. આમ એમાં વિક્રમાદિત્યની 32 વાર્તાઓ છે અને દરેક કિસ્સામાં રાજા ભોજ પોતે તેનાથી નિમ્ન છે એમ સ્વીકારે છે. અંતે, તેની નમ્રતાથી પ્રસન્ન થઈને પૂતળીઓ તેને સિંહાસન પર ચઢવા દે છે.
શનિના સંદર્ભમાં વિક્રમાદિત્યની વાર્તા મોટા ભાગે કર્ણાટક રાજયના યક્ષાગાનામાં રજૂ કરવામાં આવતી હોય છે. આ વાર્તા મુજબ, વિક્રમ જોરશોરથી નવરાત્રિ ઉજવી રહ્યો હોય છે અને દરરોજ એક ગ્રહ વિશે ચર્ચા-વાદવિવાદ કરે છે. છેલ્લા દિવસે આ વાદવિવાદ શનિ અંગે હતો. બ્રાહ્મણે શનિની શકિતઓ, પૃથ્વી પર ધર્મ જાળવવામાં તેની ભૂમિકા સહિત શનિની મહાનતા વર્ણવી. વિધિમાં બેઠેલા બ્રાહ્મણે એવું પણ ઉમેર્યું કે વિક્રમની કુંડળી પ્રમાણે, તે શનિનો બારમા ઘરમાં પ્રવેશ ધરાવે છે, જે હોવું ખરાબમાં ખરાબ છે. જો કે વિક્રમને આ સમજાવટથી સંતોષ ન થયો; તેને મન શનિ માત્ર મુશ્કેલી સર્જનાર હતો, જેણે તેના પોતાના પિતા (સૂર્ય), ગુરુ (બૃહસ્પતિ)ને મુશ્કેલીમાં મૂકયા હતા. એટલે વિક્રમ કહ્યું કે તેને શનિ તેની પ્રાર્થનાઓને યોગ્ય લાગતો નથી. વિક્રમને તેની શકિતઓનો, વિશેષ કરીને શ્રી દેવીના સંપૂર્ણ આશીર્વાદનો ખૂબ ગર્વ હતો. જયારે તેણે નવરાત્રિની ઉજવણી માટે ભેગા થયેલા ટોળાઓ સમક્ષ શનિને નકારી કાઢ્યો, ત્યારે શનિ ક્રોધે ભરાયો. એક દિવસ વિક્રમે તેની આરાધના કરવી પડશે એમ શનિએ પડકાર ફેંકયો. આટલું કહીને શનિ આકાશમાં અદૃશ્ય થઈ ગયો, વિક્રમે કહ્યું કે એ એક દૈવયોગ છે અને તે કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે તમામ આશીર્વાદ ધરાવે છે. વિક્રમે સમગ્ર વાતનો નિષ્કર્ષ આપતાં કહ્યું કે બની શકે કે બ્રાહ્મણે તેની કુંડળી વિશે જે કંઈ કહ્યું તે સાચું હોય; પણ શનિની મહાનતા તેને મન અસ્વીકાર્ય છે. "જે થવાનું હશે તે થશે જ અને જે નહીં થવાનું હોય તે નહીં થાય" એમ કહીને વિક્રમે પોતે શનિનું આહ્વાન સ્વીકારે છે તેવી ઘોષણા કરી.
એક દિવસ એક ઘોડા વેચનારો તેના મહેલમાં આવ્યો અને કહ્યું કે વિક્રમના રાજયમાં તેનો ઘોડો ખરીદનાર કોઈ નથી. આ ઘોડો વિશિષ્ટતાઓ ધરાવતો હોવાનું કહેવાયું હતું - તેને એક ફટકો/એડી મારો એટલે તે ઊડવા માંડે અને બીજો મારો એટલે જમીન પર પાછો આવે. આમ કોઈ ચાહે તો તેને ઊડાવી શકે અથવા જમીન પર હંકારી શકે. વિક્રમને તેની વાત પર વિશ્વાસ ન પડ્યો અને એટલે તેણે કહ્યું કે ઘોડો ખરીદતાં પહેલાં તે તેને ચકાસી જોવા માગે છે. વેચનાર સહમત થયો અને વિક્રમે ઘોડા પર બેસીને તેને પહેલો ફટકો માર્યો. વેચનારે કહ્યું હતું તેમ, ઘોડો તેને આકાશમાં લઈ ગયો. બીજો ફટકો/એડી મારી ત્યારે ઘોડાએ પાછા જમીન પર આવવું જોઈતું હતું, પણ એ ન આવ્યો. એના બદલે તે વિક્રમને દૂર દૂર લઈ ગયો અને તેને એક જંગલમાં ફેંકી દીધો. વિક્રમ ઘાયલ થયો હતો અને હવે પાછા ફરવાનો રસ્તો શોધી રહ્યો હતો. આ બધું તેના નસીબમાં હતું અને તે એના માટે કશું કરી શકે તેમ નહોતો એવું તે કહેતો રહ્યો; ઘોડા વેચનારના સ્વાંગમાં શનિને ઓળખવામાં તે નિષ્ફળ રહ્યો હતો. જયારે એ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતો હતો ત્યારે ધાડપાડુઓના એક જૂથે તેની પર હુમલો કર્યો. તેમણે તેના તમામ રત્નો લૂંટી લીધા અને તેને મારીને અધમૂઓ કરી નાખ્યો. વિક્રમને હજી પણ પરિસ્થિતિની ચિંતા નહોતી, લૂંટારાઓ ભલે તેનો મુગટ લઈ ગયા, પણ માથું તો છે ને એમ એ પોતાને મનાવતો રહ્યો. આમ વિચારતાં વિચારતાં નજીકની નદીમાંથી પાણી પીવા માટે તે નીચે ઊતર્યો. લપસણો ઢાળ તેને પાણીમાં ખેંચી ગયો અને પાણીનો પ્રવાહ તેને દૂર સુધી તાણી ગયો.
વિક્રમે છેવટે ધીમે ધીમે એક શહેર સુધી પહોંચ્યો અને એક વૃક્ષ નીચે ભૂખમરાથી પીડાતો બેસી રહ્યો. જે વૃક્ષ નીચે વિક્રમ બેઠો હતો તેની સામે એક દુકાન હતી, આ દુકાનદારને પોતાના પૈસાની અત્યંત ચિંતા રહેતી. જે દિવસથી વિક્રમ પેલા વૃક્ષ નીચે બેઠો, એ દિવસથી દુકાનનું વેચાણ નોંધપાત્ર રીતે વધવા માંડયું. દુકાનદારની લાલચ થઈ આવી કે જો આ માણસ અહીં બહાર જ રહે તો પોતે ખૂબ પૈસા કમાઈ શકે, અને એટલે તેણે વિક્રમને ઘેર બોલવવાનો અને સારું ખાવાનું આપવાનું નક્કી કર્યું. લાંબા-ગાળા સુધી આ રીતે વેચાણમાં વધારો રહ્યા કરે એ આશામાં તેણે પોતાની દીકરીને વિક્રમને પરણવાનું કહ્યું. જમ્યા પછી વિક્રમ કમરામાં સૂતો હતો ત્યારે દુકાનદારની દીકરી કમરામાં પ્રવેશી. ખાટલાની બાજુમાં રહીને તે વિક્રમના જાગવાની રાહ જોવા માંડી. ધીમે ધીમે તેને ઊંઘ આવવા માંડી. તેણે પોતાનાં ઘરેણાં ઉતાર્યા અને તેને પાછળ બતકનું ચિત્ર ધરાવતા ખીલા પર લટકાવ્યાં. પછી તે ઊંઘી ગઈ. જયારે વિક્રમ ઊઠ્યો ત્યારે તેણે જોયું કે ચિત્રમાંની બતક ઘરેણાં ગળી જઈ રહી છે. હજી એને સમજાય કે એણે શું જોયું, તે પહેલાં દુકાનદારની દીકરી પણ જાગી જાય છે અને તરત જ તેનું ધ્યાન ઘરેણાં નહીં હોવા પર જાય છે. તે પોતાના પિતાને બોલાવે છે અને કહે છે કે વિક્રમ ચોર છે.
વિક્રમને તે વિસ્તારના રાજા પાસે લઈ જવામાં આવે છે. રાજા વિક્રમના હાથ અને પગ કાપી નંખાવાનું અને તેને રણમાં છોડી મૂકવાનો હુકમ કરે છે. રણમાં લોહી નીંગળતી સ્થિતિમાં આગળ વધવા માટે વલખાં મારતા વિક્રમને પોતાના પતિના ઘરે પાછી ફરતી એક યુવતી જોવે છે, આ યુવતી પોતાના પિતાના ઘરેથી, ઉજ્જૈનથી પાછી ફરી રહી હોય છે, તેનું ધ્યાન વિક્રમ પર જાય છે અને તે તેને ઓળખે છે. તે એને તેની આ સ્થિતિ વિશે પૂછે છે અને કહે છે કે ઘોડા પર ઊડીને તે અદશ્ય થઈ ગયો ત્યારથી ઉજ્જૈનમાં બધા તેના માટે ચિંતિત છે. આ યુવતી વિક્રમને પોતાના ઘરે રહેવા દેવા માટે સાસરિયાઓને વિનંતી કરે છે અને તેઓ તેને રહેવા દે છે. તેના પરિવાર શ્રમજીવી હતો; વિક્રમ પણ કંઈક કામ માગે છે. તે સૂચવે છે કે પોતે ખેતરમાં બેસશે અને બૂમો પાડશે, જેથી બળદ ગોળ ગોળ ફરે અને ધાન જુદા પડે. આજીવન કોઈના મહેમાન થઈને જીવવા માટે તે તૈયાર નહોતો.
એક દિવસ સાંજે જયારે વિક્રમ હજી કામ કરતો હતો ત્યારે, અચાનક પવનના કારણે દીવો બુઝાઈ જાય છે. તે દીપક રાગ ગાય છે અને દીવો ફરીથી પેટાવી દે છે. તેના આમ કરવાથી સમગ્ર શહેરના બધા જ દીવાઓ પ્રકાશિત થઈ ઊઠે છે - આ શહેરની રાજકુમારીએ શપથ લીધાં હતાં કે જે કોઈ દીપક રાગ ગાઈને દીવાઓ પેટાવશે તેને તે વરશે. સંગીતના સ્રોતના રૂપમાં એક અશકત, વિકલાંગ માણસને જોઈને તેને આશ્ચર્ય થાય છે પણ તે છતાં તે તેને પરણવાનું નક્કી કરે છે. રાજા જયારે વિક્રમને જુએ છે ત્યારે ખૂબ ક્રોધે ભરાય છે, કારણ કે તેમને તે યાદ હોય છે- પહેલાં ચોરીની સજા પામેલો આ માણસ હવે તેમની દીકરીને પરણવાની કોશિશ કરી રહ્યો છે. વિક્રમનું માથું ધડથી જુદું કરી નાખવા માટે તે પોતાની તલવાર બહાર કાઢે છે. આ ક્ષણે, વિક્રમને પ્રતીતિ થાય છે કે આ તમામ બાબતો શનિની શકિતના કારણે તેની સાથે ઘટી રહી છે. જયારે એ મરવાની અણી પર હતો, ત્યારે તે શનિને પ્રાર્થના કરે છે. તે પોતાની ભૂલો સ્વીકારે છે અને પોતે પોતાની શકિતઓ, પદ માટે ગર્વમાં ચૂર હતો તે કબૂલ કરે છે. આ સમયે શનિ પ્રત્યક્ષ આવે છે અને તેને તેનાં રત્નો, હાથ, પગ અને તમામ વસ્તુઓ પાછી આપે છે. વિક્રમ શનિને વિનંતી કરે છે કે તે જે પીડામાંથી પસાર થયો તેવી પીડા તે કોઈ સામાન્ય માનવીને ન આપે. તે કહે છે કે તેના જેવો મજબૂત માણસ આ પીડા ખમી ગયો પણ સામાન્ય માણસ આવી પીડા સહન નહીં કરી શકે. શનિ સહમત થાય છે અને કહે છે કે તે એવું નહીં કરે. વિક્રમને ઓળખ્યા પછી, રાજા તેના સમ્રાટને સમર્પણ કરે છે અને પોતાની દીકરી તેને પરણાવવા માટે રાજીખુશીથી સહમતિ આપે છે. આ જ વખતે, પેલો દુકાનદાર મહેલમાં દોડી આવે છે અને કહે છે કે પેલી ચિત્રમાંની બતકે પોતાના મોઢામાંથી ઘરેણાં પાછાં કાઢી આપ્યાં છે. તે પણ પોતાની દીકરી સમ્રાટને ધરે છે. વિક્રમ ઉજ્જૈન પાછો ફરે છે અને શનિના આશીર્વાદ સાથે એક મહાન સમ્રાટ તરીકે સ્થાપિત થાય છે.
ભારતીય પુરાણોનો દાવો છે કે ધનવન્તરી, ક્ષપણકો, અમરાસિમ્હા, શંકુ, ખટકર્પર, કાલિદાસ, વેતાળભટ્ટ (અથવા વેતાલાભટ્ટા), વારુચિ અને વરાહામિહિરા એ ઉજ્જૈનમાં વિક્રમાદિત્યના દરબારના હિસ્સા હતા. એવું કહેવાય છે કે રાજા આ નામોના આવા નવ માણસો ધરાવતો હતો, જેમને "નવ-રત્નો" (શબ્દશઃ નવ રત્નો) કહેવામાં આવતા હતા.
કાલિદાસ સુપ્રસિદ્ધ સંસ્કૃત રાજકવિ હતો. વરાહમિહિરા એ યુગનો પ્રધાન ભવિષ્યવેત્તા હતો, જેણે વિક્રમાદિત્યના પુત્રનું મૃત્યુ ભાખ્યું હતું. વેતાળભટ્ટ એ માગ બ્રાહ્મણ હતો. તેણે વિક્રમાદિત્યને સોળ શ્વ્લોકોનું "નીતિ-પ્રદીપા"(Niti-pradīpa ,શબ્દશઃ, "આચારનો દીવો") રચી આપ્યું હતું.
विक्रमार्कस्य आस्थाने नवरत्नानि
धन्वन्तरिः क्षपणको मरसिंह शंकू वेताळभट्ट घट कर्पर कालिदासाः। ख्यातो वराह मिहिरो नृपते स्सभायां रत्नानि वै वररुचि र्नव विक्रमस्य।।
વિક્રમાર્કસ્ય આસ્થાને નવરત્નાનિ
ધન્વન્તરિઃ ક્ષપણકો મરસિંહ શંકૂ વેતાળભટ્ટ ઘટ કર્પર કાલિદાસાઃ. ખ્યાતો વરાહ મિહિરો નૃપતે સ્સભાયાં રત્નાનિ વૈ વરરુચિ ર્નવ વિક્રમસ્ય..
ભારત અને નેપાળમાં વ્યાપ્ત હિંદુ પરંપરામાં, વ્યાપક રીતે વિક્રમ સંવત અથવા વિક્રમના યુગના પ્રાચીન પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે 56 ઈ.સ.પૂર્વે (56 BCE) સકો પર વિજય મેળવ્યા બાદ મહાન રાજાએ તેની શરૂઆત કરી હતી.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.