From Wikipedia, the free encyclopedia
મરકી અથવા પ્લેગ (ગુજરાતી: મરકી અથવા મહામારી, અંગ્રેજી: Plague) એ ખતરનાક ચેપી રોગ છે જે યેર્સિનીયા પેસ્ટીસ નામના જીવાણુ વડે થાય છે. આ જીવાણુનો ફેલાવો પ્રથમ ઉંદર દ્વારા થાય છે અને ત્યારબાદ તે ઉંદર પર રહેલા જૂ/ઇતરડાં દ્વારા આ જીવાણુ માનવ શરીર સુધી પહોચે છે. ત્યારબાદ આ રોગ એક માનવથી બીજા માનવ સુધી હવા દ્વારા, ખોરાક દ્વારા અથવા સીધા સંપર્કથી ફેલાય છે. આ રોગથી અસરયુક્ત માનવ શરીરના અંગને ધ્યાને લઈ આ રોગનો પ્રકાર નક્કી થાય છે. જેમ કે, પાચનતંત્ર અને શ્વસનતંત્ર પર અસર કરતા મરકી માટે બ્યુબોનીક પ્લેગ, રૂધીરનળી માટે સેપ્ટાઈસ્મીક પ્લેગ, ફેફસા માટે ન્યુમોનીક પ્લેગ, વગેરે. આ ત્રણેમાંથી બ્યુબોનીક પ્લેગ વધુ જોવા મળતો હતો. બ્યુબોનીક પ્લેગમાં કાકડા, થાઇરૉઇડ ગ્રંથિ, ઉત્સેચક ગ્રંથિ અને ગળાના અંદરના ભાગ નરમ પડી જાય છે અને તેના પર સોજો આવીને તે ફૂલી જાય છે[1]. હાલના સમયમાં આ રોગનુ નિદાન વહેલુ થાય તો તેની સારવાર શક્ય છે. આજના સમયમાં લગભગ લુપ્તતાને આરે આવેલા મરકીના રોગે સેંકડો વર્ષો સુધી સમગ્ર વિશ્વની માનવજાતને પોતાનુ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. મરકી વિશ્વના અમુક પ્રદેશોમાં હજુ પણ જોવા મળે છે.
થસાયડાયડસ નામના ગ્રીક ઇતિહાસકારના વર્ણન પ્રમાણે ઇ.સ. પૂર્વે ૪૩૦માં મરકીનો ચેપ ઈથિયોપિયાથી ઇજિપ્ત, ઇજિપ્તથી લિબીયા અને ત્યાંથી ગ્રીસમાં પહોચ્યોં અને ગ્રીસના એથેન્સ શહેરની ત્રીજા ભાગની વસતી આ રોગમાં સપડાઇને મોતને ભેટી હતી.[2]
બીજા હુંમલામાં ફક્ત ઈ.સ. ૧૩૪૭થી ૧૩૫૧ જેટલા સમયગાળામાં મરકીએ સમસ્ત વિશ્વની એ સમયની કુલ વસતી ૪૫ કરોડને ૩૫ કરોડ આસપાસની કરી નાખી[4]. આ સમયમાં મરકીનો રોગ 'બ્લેક ડેથ' નામે જાણીતો થયો અને આ વખતે એ મૂળ ચીનમાંથી પ્રગટ્યો હતો અને આખા એશિયા, આફ્રિકા અને યુરોપને પોતાના સકંજામા લઈ લીધા હતા.
આમ મૃતાંકની દ્રષ્ટિએ મરકી ઈતિહાસનો સૌથી ખતરનાક અને જીવલેણ હવા દ્વારા ફેલાતો ચેપીરોગ સાબિત થયો છે.
જોકે મૃતાંક બાબતના ચોક્કસ પુરાવા-માહિતી મોજૂદ નથી આમ છતાં મનાય છે કે, ઇંગ્લેન્ડે એ સમયમાં પોતાની કુલ વસતી (૪૨ લાખ)માંથી ત્રીજા ભાગની વસતી (૧૪ લાખ) ગુમાવી, જ્યારે ઈટાલીએ તો તેની ત્રીજા ભાગ કરતા પણ વધુ વસતી ગુમાવી. બીજી બાજુ, ઉત્તર-પૂર્વિય જર્મની, બોહેમિયા, પોલેંડ, હંગેરીએ બીજાઓની સરખામણીએ ઓછું વેઠ્યું એવુ મનાય છે.[5][6] મરકીનો સૌથી ઓછો ફેલાવો રશીયામાં થયો. તેનું કારણ એ છે કે તેનો અત્યંત શીત અને વિશાળ પ્રદેશ હવાથી થતા મરકીના જીવાણુના ફેલાવાને રોકે છે.
ઈ.સ. ૧૩૫૧ પછી પણ ભૂમધ્ય અને યુરોપ પ્રદેશના લોકોને મરકીએ ૧૮૪૦ સુધી કનડવાનું ચાલુ જ રાખ્યું અને અગણિત પીડિતો મોતને ભેટ્યાં[7].
ફરી વખત આ રોગ ચીનમાંથી જ ઉદ્દભવ્યો. ચીનના યુનાન રાજ્યમાંથી સમય આગળ ધપી ચૂક્યો હતો, દરિયાઈ વાહન વ્યવહાર ઘણો વિકસી ચૂક્યો હતો. આથી મરકીનો ચેપ પણ ખૂબ ઝડપથી ફેલાયો અને ફક્ત ૧૮૫૫ના વર્ષમાં જ ભારત અને ચીન દેશના ૧.૨૦ કરોડ લોકો મોતને ભેટ્યાં.
૧૮૭૭-૧૮૮૯ દરમ્યાન રશિયામાં પણ મરકીનો રોગ ફેલાયો પરંતુ રશિયાની ઓછી 'વસતી-ગીચતા'ને કારણે ખાસ અસર ના પડી અને ફક્ત ૪૨૦ લોકો જ મૃત્યુ પામ્યાં. ૧૯૧૦માં રશિયાના સાઈબેરીયામાં એકાએક ખિસકોલી અને છછૂંદર જેવા સસ્તન પ્રાણીઓના ચામડાની માંગ વધી ગઈ તેનો ભાવ ૪ ગણો વધી ગયો. ચીનના લોકો મરકીના ભયથી આવા સસ્તનોનું માંસ ખાતા ન હતા. આમ છતાં ચીનના મંચુરીયાના પરંપરાગત શિકારીઓએ ઊંચા ભાવની લાલચમાં આવી જઈને છછૂંદર, ખિસકોલી વગેરેનો શિકાર કરવાનો ચાલુ કર્યો અને તેમનુ માંસ ખાવાનું પણ ચાલુ કરી દીધું. આ તમામ સસ્તન જીવો મરકીના જીવાણુના વાહક હતા. શિકાર કરાતા ક્ષેત્રોમાંથી મરકીના જીવાણુઓ તે વખતની 'ચાઈનીઝ પૂર્વિય રેલવે'ની મદદથી ખૂબ ઝડપથી ૨૭૦૦ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઇ ગયા અને ત્યાં મરકી ૭ મહીના સુધી રહ્યો અને ૬૦,૦૦૦ લોકોના જીવ લીધા. આ ઘટના બાદ મરકીએ પોતાની વિશ્વસફર ૫૦ વર્ષ સુધી ચાલુ રાખી. ખાસ કરીને ૧૮૯૪માં હોંગકોંગમાં જેમા ૯૦% મરકીથી પીડિતોના મોત થયા[8]. ૧૮૯૬માં પ્લેગ ભારત દેશના મુંબઈમાં પણ ત્રાટક્યો હતો.
મરકી જૈવિક હથિયાર તરીકે ખાસ્સો લાંબો ઈતિહાસ ધરાવે છે. ઐતિહાસીક વિગતો મુજબ પ્રાચીન યુગના ચીનમાં અને મધ્ય યુગના યુરોપમાં મરકીનો યુદ્ધ સમયે હથિયાર તરીકે ઉપયોગ થતો હતો. હુણ, મોંગોલ, તુર્ક, અને બીજી કેટલીક પ્રજાતિ દુશ્મન રાજ્યના પાણીના સ્ત્રોતમાં મરકીના ચેપવાળા મૃત માનવ-શરીર કે પ્રાણી-શરીર નાખી અને પાણીને ચેપ-યુક્ત કરતી હતી. હાન વંશનો સેનાપતિ હુણો દ્વારા દૂષિત કરાયેલુ આવુ પાણી પીવાથી મૃત્યુ પામ્યો હોવાનું નોંધાયું છે. દુશ્મન શહેર ફરતે ઘેરો ઘાલી અને ગોફણ વડે પ્લેગ પીડિતોને શહેરમાં ફેંકવામાં પણ આવતા હતા.
ઈ.સ. ૧૩૪૭માં જીનોઆ પેનિસ્યુલાનું એક મહત્વનું વેપાર મથક હતું. આ શહેરને તાબા હેઠળ લેવાના આશયથી મોંગોલ લશ્કરે જેનીબેગના આદેશ હેઠળ શહેર ફરતે ઘેરો ઘાલ્યો. ખૂબ લાંબા સમય સુધી મોંગોલ સૈન્ય ત્યાં જ સ્થિત રહ્યું. આ સમય દરમ્યાન મોંગોલ લશ્કરના ઘણા સૈનિકો મરકીના ચેપથી મૃત્યુ પામવા લાગ્યા. મોંગોલ સૈન્યએ આ ચેપી મૃત શબોને ગોફણની મદદથી શહેરની દિવાલ ટપાવીને શહેરમાં ફેંકવા માંડ્યાં. આમ થવાથી જીનોઆ શહેરના વેપારીઓ ભયભીત થઈને જહાજો વડે દક્ષિણ યુરોપમાં ભાગવા લાગ્યાં. આમ મરકી અહીથી પૂરા દક્ષિણ યુરોપમાં ખૂબ ઝડપભેર પ્રસરી ગયો[9].
બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન, જાપાની સૈન્યએ મરકીને એક હથિયાર તરીકે વિકસાવ્યો, જેમાં તેઓ મરકીના ચેપવાળા ચાંચડનું સંવર્ધન અને ઉછેર કરી અને તેમનો ફેલાવો કરતા. એ સમયમાં જાપાનના તાબા હેઠળ આવેલા મંચુરીયા શહેરમાં યુનિટ ૭૩૧ દ્વારા ઈરાદા પૂર્વક ઘણાં લોકોને મરકીનો ચેપ લગાડવામાં આવ્યો. તેમાં ભોગ બનનારા લોકોમાં ચીની, કોરીયન, અને મંચુરિયાના નાગરીકો હતા. આ નાગરિકોને સંશોધન કરવાનુ સાધન માત્ર ગણવામાં આવતું અને તેમને 'મરૂત' નામ આપવામાં આવતુ. તેમના જીવતા માનવ-શરીરનું વિશ્લેષણ અને વિભાજન પણ કરવામાં આવતું. આવા ગંભીર ગુના માટે જવાબદાર એવા મુખ્ય સૂત્રધાર જનરલ શિરો ઈશીને ડગલસ મેક આર્થર દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો.[10]
જનરલ ઈશીએ એવા બૉંબની શોધ કરી હતી જેમાં ચેપગ્રસ્ત જીવતા ઉંદર અને ચાંચડ ભરવામાં આવતા હતા. આ બૉંબનો બીજા વિશ્વ યુદ્ધમાં ઉપયોગ થયો હોવાનું મનાય છે.
બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરીકા અને સોવિયેટ સંઘ દ્વારા ન્યૂમોનિક પ્લેગને હથિયાર તરીકે વિકસાવવામાં આવ્યો હતો. યુ.એસ.એસ.આર.માં જૈવિક હથિયારો પર કામ કરતાં વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે સોવિયેટે મરકીના જૈવિક હથિયારોને ભયંકર હદે વિકસાવ્યા છે, અને ખૂબ જ વિશાળ જથ્થામાં મરકીના જીવાણુને વિકસાવવામાં આવ્યા છે. હવા દ્વારા ફેલાતા આ ન્યૂમોનિક મરકીના હથિયારોના ખ્યાલ માત્રથી વિશ્વ ભરના લોકો ફફડી ઊઠ્યા. પરંતુ પાછળથી મરકી વિરોધી રસીની શોધ થતાં મરકીનો ડર પ્રમાણમાં નહીવત થઈ ગયો.
૧૯૯૪માં ગુજરાત રાજ્યના સુરતમાં ત્રાટકેલા મરકીના રોગચાળાએ બાવન લોકોના જીવ લીધા હતા અને ૩ લાખ લોકો ભયભીત થઈને સ્થળાંતર કરી ગયા હતા.[11]
અત્યંત ભારે વરસાદ અને ભેજવાળા વાતાવરણ જેવા પરિબળોને કારણે રોગચાળાવાળું વાતાવરણ પેદા થયું અને કેટલાય પશુઓ તેમાં મૃત્યુ પામ્યાં. આ કારણોસર મરકીએ સુરત ઉપર ભરડો લીધો હોવાનુ પણ મનાય છે.[12] ત્યારે એવો ભય ફેલાઈ ગયો હતો કે સુરતમાંથી સ્થળાંતર કરી ગયેલા લોકોને કારણે સમગ્ર ભારત દેશમાં અને આખા વિશ્વમાં મરકી ફરી પોતાનો કહેર વર્તાવશે, પણ એવુ બન્યું નહી. કદાચ એનુ કારણ ભારતીય સ્વાસ્થ્ય સત્તા દ્વારા લોકોમાં લવાયેલી સ્વાસ્થ પ્રત્યેની જાગૃતિ હતી.[13]. મધ્યયુગમાં યુરોપમાં ફેલાયેલા પ્લેગની જેમ સુરતમાં ફેલાયેલા મરકીના કારણો હજુ પણ અજ્ઞાત રહ્યા છે[14].
પ્રાથમિક પશ્નો તો એવા ઊઠ્યા કે શું આ મરકી જ છે? કેમકે ભારતીય સ્વાસ્થ્ય સત્તા પ્લેગના જીવાણુને ઓળખવામાં અસમર્થ રહી, તેનું કારણ પૃથક્કરણની નબળી પદ્ધતિઓ હતી[14]. આમ છતા એ પ્લેગ જ હતો તેવા ઘણા પૂરાવા બાદમાં મળી આવ્યાં, જેમ કે ઘણા દરદીનુ રક્ત પરિક્ષણ કરતાં તેમાં પ્લેગના જીવાણુની હાજરી જણાઈ. કેટલાક લોકોના રૂધીરતંત્રમાં પ્લેગ સામે લડવાના કણો પેદા થયા હોવાનુ પણ જણાયું હતું[15].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.