અર્થ From Wikipedia, the free encyclopedia
બૅન્ક એ એક એવી નાણાકીય સંસ્થા છે જે થાપણો સ્વીકારે છે અને પછી તે થાપણોને ધિરાણની પ્રવૃત્તિઓમાં રોકે છે. આમ તો બૅન્ક પ્રાથમિકરૂપે ગ્રાહકોને નાણાકીય સેવા પૂરી પાડે છે છતાં સાથે સાથે તે રોકાણકર્તાઓને પણ સમૃદ્ધ કરે છે. સમયે સમયે અને સ્થળ અનુસાર બૅન્કની નાણાકીય ગતિવિધિઓ પરનાં સરકારના બંધનો બદલાતાં રહે છે. નાણાકીય બજારમાં બૅન્કો મહત્ત્વના ખેલાડી ગણાય છે અને તે ભંડોળનું રોકાણ અને વ્યાજે ઉધારે આપવા જેવી સેવાઓ આપે છે. જર્મની જેવા કેટલાક દેશોમાં, બૅન્કો ઐતિહાસિક રીતે ઔદ્યોગિક નિગમોમાં મોટો હિસ્સો ધરાવે છે, જયારે યુનાઈટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં બૅન્કો માટે બિન-નાણાકીય કંપનીઓ ખરીદવી પ્રતિબંધિત છે. જાપાનમાં, બૅન્કો સામાન્ય રીતે કૈરેત્સુ(keiretsu) તરીકે ઓળખાતું ક્રોસ-શેર હોલ્ડિંગ ધરાવનાર અભિબંધનરૂપ માળખું છે. ફ્રાંસમાં, મોટા ભાગની બૅન્કો તેમના ગ્રાહકોને વીમા સેવાઓ (અને હવે રીયલ એસ્ટેટ સેવાઓ) આપતી હોવાથી ત્યાં બૅન્કની બાંહેધરી(bancassurance)નું પ્રચલન છે.
બૅન્કિંગ ઉદ્યોગ પરના સરકારનાં નિયમોનું સ્તર વ્યાપક રીતે બદલાતું જોવા મળે છે, જેમ કે આઈસલૅન્ડ જેવા દેશોમાં બૅન્કિંગ ક્ષેત્ર પર અન્યોની સાપેક્ષે હળવા નિયમનો છે, જયારે ચીન જેવા દેશોમાં તેના પર બહોળા પ્રકારનાં નિયમનો જોવા મળે છે, અલબત્ત તેના પરથી સામ્યવાદી વ્યવસ્થાતંત્રમાં અનુસરાતી કોઈ વ્યવસ્થિત પ્રક્રિયાનું તારણ કાઢી શકાતું નથી.
1407માં ઈટાલીના જિનોઆ ખાતે બૅન્કો દી સાન જિઓરજિઓ (સેન્ટ જયોર્જની બૅન્ક) નામે સૌથી પહેલી રાજય થાપણની બૅન્ક સ્થાપવામાં આવી હતી.[1]
ઈટાલિયન શબ્દ banco "ડેસ્ક/બેન્ચ" પરથી બૅન્ક શબ્દ ઉત્પત્તિ પામ્યો છે, રિનેસન્સ દરમ્યાન ડેસ્કની ઉપર એક લીલા ટેબલ-કલોથથી આવરીને પોતાની લેવડદેવડ કરવા માટે ટેવાયેલા યહૂદી ફલોરેન્ટાઈન શરાફો તે શબ્દ વાપરતા હતા.[2] જો કે, બૅન્કની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં સુદ્ધાં જણાઈ આવે છે.
ખરેખર તો, આ શબ્દનાં મૂળ છેક પ્રાચીન રોમન સામ્રાજય સુધી પહોંચે છે, જયાં નાણા ધીરનારા માસેલા (macella) નામે ઓળખાતા બંધ વાડાની વચ્ચોવચ bancu નામે ઓળખાતી એક લાંબી બૅન્ચ પર પોતાની નાનકડી, કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બાન્કો અને બૅન્ક શબ્દ વ્યુત્પાદિત થયો છે. bancu ખાતે નાણા વટાવવા આવેલો વેપારી પોતાના નાણાનું ઝાઝું રોકાણ કરતો નહીં, પણ માત્ર વિદેશી ચલણને રોમમાં કાનૂની ગણાતા ચલણમાં ફેરવીને એટલે સમ્રાટની ટંકશાળના સિક્કામાં મેળવવા માટે તેનો ઉપયોગ કરતો.[3] નાણા-બદલાવની પ્રવૃત્તિનો સૌથી જૂનો પુરાવો કાળા સમુદ્ર પર વસેલી પ્રાચીન હેલેનિક વસાહત ટ્રાપેઝુસના, આધુનિક ટ્રાબ્ઝોનના, 350–325 ઈ.સ. પૂર્વેના એક રૂપાના ડ્રેકમે સિક્કા પર ચિતરેલો જોવા મળે છે, જે લંડનના બ્રિટિશ સંગ્રાહાલયમાં મોજૂદ છે. સિક્કા પર શહેરના નામના શબ્દશ્ષ્લેષરૂપે સિક્કાઓથી લદાયેલું શરાફનું ટેબલ ટ્રાપેઝા દર્શાવવામાં આવ્યું છે. ખરેખર તો આજે પણ આધુનિક ગ્રીક શબ્દ ટ્રાપેઝા(Τράπεζα )-નો અર્થ ટેબલ અને બૅન્ક બંને થાય છે.
બૅન્કો ચૂકવણી એજન્ટો તરીકે કામ કરે છે જેમાં તે ગ્રાહકોના ચેકિંગ અથવા ચાલુ ખાતાઓ રાખવા, ગ્રાહકોએ બૅન્કના જે ચૅક લખ્યા હોય તેનું ચૂકવણું કરવું અને ગ્રાહકોના ચાલુ ખાતાઓમાં જમા કરાયેલા ચૅક એકઠા કરવાનું કામ આવરવામાં આવે છે. તારથી પૈસા ટ્રાન્સફર કરવા, ઈએફટીપીઓએસ (EFTPOS), અને એટીએમ (ATM) જેવી ચૂકવણીની અન્ય પદ્ધતિઓથી ચૂકવણી કરવા માટેની વ્યવસ્થાઓ પણ બૅન્ક તેના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે.
ચાલુ ખાતાઓમાં જમા થયેલું ભંડોળ, ચોકકસ સમયાવધિની થાપણો સ્વીકારીને અને ચલણીનોટો અને બોન્ડ જેવી ૠણ પ્રતિભૂતિઓ (હૂંડીપત્રો) પ્રસિદ્ધ કરીને બૅન્ક નાણા ઉધાર લે છે. જયારે ચાલુ ખાતાઓમાં ગ્રાહકોને આગોતરાં નાણા આપવામાં, હપ્તાવાર લોન આપવામાં, અને બજારની ૠણ પ્રતિભૂતિઓમાં તેમ જ નાણા ધીરવાના અન્ય રૂપોમાં બૅન્ક નાણા ધીરે છે.બૅન્ક મોટા ભાગે તમામ પ્રકારના ચૂકવણીની સેવાઓ આપે છે, અને મોટા ભાગના વેપાર/ઉદ્યોગ માટે, વ્યકિતઓ માટે અને સરકારો માટે બૅન્કનું ખાતું હોવું અનિવાર્ય ગણવામાં આવે છે. બૅન્કના ખાતાની અવેજીમાં રિમિટન્સ કંપનીઓ જેવી ચૂકવણીની સેવાઓ આપતી બૅન્ક સિવાયની સેવાઓને સામાન્ય રીતે પૂરતી ગણવામાં આવતી નથી.બૅન્ક તેનું મોટા ભાગનું ભંડોળ ઘરેલુ અને બિન-નાણાકીય ઉદ્યોગો પાસેથી મેળવે છે, અને તેનું મોટા ભાગનું ભંડોળ ઘરેલુ અને બિન-નાણાકીય ઉદ્યોગોને ધીરે છે, પણ બૅન્ક સિવાયના ધિરનારા નોંધપાત્ર અને ઘણા કિસ્સાઓમાં બૅન્ક લોનનો પૂરતો વિકલ્પ પૂરો પાડે છે, અને બજારના ભંડોળના નાણા, રોકડ રકમ વ્યવસ્થાપન સંસ્થાઓ અને અન્ય બૅન્ક સિવાયની સંસ્થાઓ ઘણા કિસ્સાઓમાં પોતાની બચત બૅન્કને ધીરવાને અવેજીમાં પૂરતો વિકલ્પ પૂરો પાડે છે.[સ્પષ્ટતા જરુરી]
બૅન્કની વ્યાખ્યા દેશેદેશે જુદી જુદી હોય છે. ઈંગ્લિશ કોમન લો (અંગ્રેજી સામાન્ય ધારા) હેઠળ, બૅન્કનો વેપાર ચલાવતી વ્યકિતને શરાફ (બૅન્કર) કહેવામાં આવે છે, જેને નીચે મુજબ દર્શાવવામાં આવે છેઃ[4]
મોટા ભાગના ઈંગ્લિશ કોમન લોના અધિકારક્ષેત્રોમાં વિનિયમ ધારાના વિધેયકો હોય છે, જે ચેક સહિતના વટાઉખત બાબતના કાયદાને સ્પષ્ટ કરે છે, અને આ ધારામાં શરાફ (બેન્કર) શબ્દપ્રયોગની કાયદાકીય વ્યાખ્યા પણ સમાવિષ્ટ છે. બૅન્કર વ્યકિતઓનું એવું મંડળ/જૂથ છે, જે નિગમ રૂપે હોય અથ વા ન પણ હોય, પણ તે બેન્કિંગનો ઉદ્યોગ કરે છે" (સેકશન 2, અર્થઘટન). ભલે આ વ્યાખ્યા આમ ગોળ ગોળ લાગે, પરંતુ તે ખરેખર વ્યવહારુ છે, કારણ કે તેમાં ચેક જેવા બૅન્ક વિનિમયો માટેના કાયદાકીય આધારો, બૅન્ક કેવી રીતે આયોજિત છે અથવા નિયંત્રિત છે તેની પર આધારિત નથી તે ચોકસાઈપૂર્વક દર્શાવવામાં આવ્યું છે.
ઈંગ્લિશ કોમન લો ધરાવતા ઘણા દેશોમાં બૅન્કિંગના કારોબારને લિખિત કાયદા દ્વારા સ્પષ્ટ કરવામાં નથી આવ્યો પરંતુ કોમન લો મુજબ, ઉપર દર્શાવેલી વ્યાખ્યા અનુસાર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જયારે બીજા કેટલાક ઈંગ્લિશ કોમન લોના અધિકારક્ષેત્રોમાં બૅન્કિંગના કારોબાર અથવા બૅન્કિંગ વેપાર અંગે કાયદાકીય વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યાઓને જોતી વખતે એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે તેઓ બૅન્કિંગના કારોબારને ધારો ઘડવાના હેતુથી સ્પષ્ટ કરી રહ્યાં છે, અને તેથી તે સામાન્યરૂપે લાગુ ન પણ પડી શકે. તેમાંના ચોક્કસ મુદ્દાની વાત કરીએ તો, બૅન્કિંગના ખરેખરા કારોબાર પર નિયમન રાખવાને બદલે આ વ્યાખ્યાઓમાંથી મોટા ભાગની એવા ધારા હેઠળ દર્શાવવામાં આવી છે જેનો હેતુ બૅન્ક માટેના પ્રવેશને નિયંત્રિત કરવાનો અને બૅન્ક પર દેખરેખ રાખવાનો હોય. અલબત્ત, અનેક કિસ્સાઓમાં કાયદાકીય વ્યાખ્યા સામાન્ય ધારાની વ્યાખ્યા મહદંશે પ્રતિબિંબિત કરતી હોય તેવું પણ છે. કાયદાકીય વ્યાખ્યાઓનાં કેટલાંક ઉદાહરણોઃ
EFTPOS(ઈલેકટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર એટ પોઈન્ટ ઓફ સેલ), સીધું જમા, સીધું ઉધાર અને ઈન્ટનેટ બૅન્કિંગના આગમન પછી મોટા ભાગની બૅન્કિંગ વ્યવસ્થાઓમાં ચેક ચૂકવણી માટેના સાધન તરીકેની પોતાની મહત્તા ગુમાવી ચૂકયો છે. આ જ કારણોસર કાયદાના વિચારકો ચેક આધારિત વ્યાખ્યાને વિશાળ કરીને તેમાં ગ્રાહકો માટે ચાલુ ખાતા ચલાવતી અને તેમને ત્રીજા પક્ષોને ચૂકવણી કરવા કે તેમની પાસેથી ચૂકવણી મેળવવા માટે સક્ષમ બનાવતી નાણાકીય સંસ્થાઓનો, પછી ભલે તે ચેક સામે ચૂકવણી અથવા ચેકના નાણા એકઠા ન કરતી હોય, સમાવેશ કરવો જોઈએ એવું સૂચન આપવા પ્રેરાયા હશે.[6]
વિશ્વના વિવિધ હિસાબી ધોરણો અંતર્ગત બૅન્ક સ્ટેટમેન્ટ (અહેવાલ) એ બૅન્ક દ્વારા ઉત્પાદિત કરવામાં આવતો એકાઉન્ટિંગ રેકોર્ડ છે. જીએએપી (GAAP) અને આઈએફઆરએસ (IFRS) હેઠળ બે પ્રકારનાં ખાતા હોય છેઃ જમા અને ઉધાર. આવક, ઇક્વિટી અને દેયધન એ જમા ખાતાઓ છે. અસ્કયામત અને ખર્ચ એ ઉધાર ખાતાઓ છે. એટલે કે જમા ખાતા ની સિલક વધારવા માટે તમારે તેમાં જમા કરવું પડે છે, અને ઉધાર ખાતા ની સિલક ઘટાડવા માટે તમારે તેમાંથી ઉધારવું પડે છે.[7]
તેનો અર્થ એવો પણ થયો કે દરેક વખતે તમે જયારે તમારા બચત ખાતામાં નાણા જમા કરો છો ત્યારે તમે તેમાં ઉધારો છો (અને ખાતું સામાન્ય રીતે ખાધમાં હોય છે), અને જયારે દરેક વખતે તમે તમારા ક્રેડિટ કાર્ડ ખાતામાંથી નાણા ખર્ચો છો ત્યારે તમે તેમાં જમા વધારો છો (અને આ ખાતું સામાન્ય રીતે જમામાં હોય છે). જો કે, જો તમે તમારું બૅન્ક નિવેદન વાંચશો, તો તેમાં તેનાથી તદ્દન વિરુદ્ધ દર્શાવેલું હશે- કે જયારે તમે પૈસા જમા કરો છો ત્યારે તમે તમારા ખાતામાં જમા વધારો છો અને જયારે તમે નાણા ઉપાડો છો ત્યારે તમે તેને ઉધારો છો. જો તમારા ખાતામાં રોકડ રકમ છે, તો તમારી પાસે હકારાત્મક (અથવા જમા) સિલક છે; જો તમે વધારે પડતા નાણા ઉપાડી લીધાં છે, તો તમારા ખાતામાં નકારાત્મક (અથવા ખાધની/ઉધારની) સિલક હશે. આવું થવા પાછળનું કારણ એ છે કે આ બૅન્ક નિવેદન બૅન્કે પ્રગટ કર્યું છે, તમે નહીં. તમારી બચત એ તમારી મિલકત હોઈ શકે, પણ તે બૅન્ક માટે દેવું છે, એટલે એ જમા પાસામાં (જેમાં હકારાત્મક સિલક હોવી જોઈએ) દર્શાવવામાં આવે છે. તેનાથી વિપરીત, તમે લીધેલી લોન એ તમારા માટે દેવું છે પણ બૅન્ક માટે તે બૅન્કની મિલકત છે, એટલે તેઓ તેને ઉધાર પાસામાં (જેમાં પણ હકારાત્મક સિલક હોવી જોઈએ) દર્શાવે છે. બૅન્ક વિનિમયો, સિલક, જમા અને ઉધારની નીચે ચર્ચા કરવામાં આવી છે, પણ આ ચર્ચા ખાતેદારના દષ્ટિકોણથી - મોટા ભાગના લોકો સામાન્ય રીતે જે રીતે જોવા ટેવાયેલા છે તે દષ્ટિકોણથી કરવામાં આવી છે.
બૅન્કની વ્યાપારી ભૂમિકા બૅન્કિંગ સુધી મર્યાદિત નથી, તેમાં નીચેની બાબતોનો પણ સમાવેશ થાય છેઃ
બૅન્કનાં આર્થિક કાર્યોમાં નીચેની બાબતો સમાવિષ્ટ છેઃ
બૅન્કિંગનો કાયદો બૅન્ક (ઉપર વ્યાખ્યાયિત કર્યા મુજબ) અને ગ્રાહક (જેના માટે ખાતું ચલાવવા બૅન્ક સહમત થઈ હોય તેવું કોઈ પણ અસ્તિત્વ) વચ્ચેના સંબંધના કરારગત વિશ્લેષણ પર આધારિત છે.
કાયદા મુજબ આ સંબંધના અધિકારો અને ફરજો આ પ્રમાણે છેઃ
આ સૂચિત કરારગત શરતો ગ્રાહક અને બૅન્ક વચ્ચેના એકસપ્રેસ એગ્રીમેન્ટ દ્વારા સુધારી શકાય છે. અમુક ચોક્કસ અધિકારક્ષેત્રમાં અમલી કાયદા અને નિયમનો મુજબ પણ ઉપરોકત શરતોમાં ફેરફાર કરી શકાય છે અને/અથવા બૅન્ક-ગ્રાહક સંબંધ સાથે સુસંગત નવા અધિકારો, ફરજો અથવા મર્યાદાઓ રચી શકાય છે.
અત્યારે મોટા ભાગના અધિકારક્ષેત્રોમાં વેપારી બૅન્કો પર સરકારનું નિયંત્રણ હોય છે અને તેમને સંચાલન માટે વિશિષ્ટ બૅન્ક પરવાનો મેળવવો આવશ્યક હોય છે. નિયમનના હેતુઓથી બૅન્કિંગ વ્યવસાયની વ્યાખ્યા સામાન્ય રીતે થાપણોનો સ્વીકાર, પછી ભલે તે ગ્રાહકોના આદેશ પર ફેર-ચૂકવણીને પાત્ર ન હોય, ત્યાં સુધી વિસ્તીર્ણ કરવામાં આવી છે, અલબત્ત, નાણા ધીરવાના વેપારનો આ વ્યાખ્યામાં સામાન્ય રીતે સમાવેશ કરવામાં આવતો નથી. મોટા ભાગના અન્ય નિયંત્રિત ઉદ્યોગોથી વિપરીત, અહીં નિયંત્રણકર્તા પોતે પણ લાક્ષણિક રીતે બજારનો એક સહભાગી છે, એટલે કે સરકાર-હસ્તકની (રાષ્ટ્રીયકૃત) બૅન્ક. વળી રાષ્ટ્રીયકૃત બૅન્કો, બૅન્કનોટો પ્રગટ કરવાના વ્યાપાર પર લાક્ષણિક ઢબે એકાધિકાર ધરાવતી હોય છે. જો કે, અમુક દેશોમાં આમ નથી પણ હોતું. ઉદાહરણ તરીકે, યુનાઈટેડ કિંગડ્મમાં ફાયનૅન્શિયલ સર્વિસિસ ઓથોરિટી બૅન્કોને પરવાના આપે છે, અને કેટલીક વેપારી બૅન્કો (જેમ કે બૅન્ક ઓફ સ્કોટલૅન્ડ), યુકે સરકારની કેન્દ્રીય બૅન્ક, બૅન્ક ઓફ ઈંગ્લૅન્ડ ઉપરાંત તેમની પોતાની બૅન્કનોટો પ્રગટ કરે છે. બિલ્ડિંગ સોસાયટીઓ અને ક્રેડિટ યુનિયનો જેવા પ્રકારની નાણાકીય સંસ્થાઓને બૅન્ક પરવાનો ધરાવવાની આવશ્યકતામાંથી કદાચ આંશિક અથવા સંપૂર્ણ મુકિત મળી શકે છે, અને તેથી અલગ પ્રકારના નિયમો હેઠળ તેમનું નિયમન કરવામાં આવે છે. અધિકારક્ષેત્રો મુજબ બૅન્ક પરવાનો આપવા માટેની આવશ્યકતાઓ બદલાતી રહે છે, છતાં તેમાં લાક્ષણિક રીતે આટલી બાબતો સમાવિષ્ટ હોય છેઃ
પોતાની બૅન્કિંગની અને અન્ય સેવાઓ પ્રસ્તુત કરવા માટે બૅન્ક વિવિધ પ્રકારની અનેક ચેનલો ધરાવે છેઃ
બૅન્કની પ્રવૃત્તિઓ/કામકાજને જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય, જેમ કે, વ્યકિતઓ અને નાના ધંધાદારીઓ સાથે સીધું કામકાજ કરતું રીટેલ (છૂટક) બૅન્કિંગ; મધ્યમ વેપાર ધરાવનારાઓને સેવા આપતું બિઝનેસ બૅન્કિંગ; મોટાં ઉદ્યોગગૃહો માટેનું કોર્પોરેટ બૅન્કિંગ; ઊંચું મૂલ્ય ધરાવતી વ્યકિતઓ અને પરિવારોને સંપત્તિ વ્યવસ્થાપન માટેની સેવાઓ પૂરી પાડતું ખાનગી બૅન્કિંગ; અને નાણાકીય બજારોમાંની ગતિવિધિઓ સાથે સંબંધિત રોકાણ બૅન્કિંગ. મોટા ભાગની બૅન્કો નફોકારક, ખાનગી સાહસ હોય છે. જો કે, કેટલીક સરકારી માલિકીની અથવા બિન-નફાકારક સંસ્થાઓની માલિકી પણ ધરાવે છે. કેન્દ્રીય/રાષ્ટ્રીયકૃત બૅન્કો એ સામાન્ય રીતે સરકાર-હસ્તક હોય છે અને તે અર્ધ-નિયમન જવાબદારીઓ નિભાવે છે, જેમ કે વેપારી બૅન્કો પર દેખરેખ રાખવી, અથવા રોકડ વ્યાજ દર પર નિયંત્રણ રાખવું. સામાન્ય રીતે તે બૅન્કિંગના વ્યવસ્થાતંત્રને પ્રવાહિતા બક્ષે છે અને કટોકટીના સમયે ધીરાણદાતા તરીકેનો છેલ્લો આશ્રય બનતી હોય છે.
2006/2007માં વિશ્વભરની સૌથી મોટી 1,000 બૅન્કોની મિલકત 16.3% વધીને 74.2 ટ્રિલિયન ડોલરના વિક્રમને પહોંચી. પાછલા વર્ષમાં 5.4% વધારો તેમાં કારણભૂત હતો. ઈયુ(EU) બૅન્કો સૌથી મોટો, 53% હિસ્સો ધરાવે છે, જે એક દાયકા પહેલાં જે 43% હતો. યુરોપના હિસ્સામાં આવેલી વૃદ્ધિ જાપાનીઝ બૅન્કોના ભોગે આવી હતી, જેમનો હિસ્સો આ ગાળા દરમ્યાન અડધાથી વધુ ઓછો થઈ ગયો હતો, એટલે કે 21%થી 10% પર પહોંચી ગયો હતો. યુએસ બૅન્કોનો હિસ્સો પ્રમાણમાં 14%ની આસપાસ સ્થિર રહ્યો હતો. બાકી બચેલો ભાગ અન્ય એશિયાઈ અને યુરોપિયન દેશો તરફથી હતો.[8]
સંસ્થાઓની સંખ્યા (2005ના અંતે 7,540) અને તેમની સંભવિત શાખાઓ (75,000)ની દષ્ટિએ યુનાઈટેડ સ્ટેટ્સ આખા વિશ્વમાં સૌથી વધુ બૅન્કો ધરાવે છે.[સંદર્ભ આપો] આ યુએસએના ભૌગોલિક અને નિયમન માળખાનું સૂચક છે, જેના પરિણામે તેની બૅન્કિંગ વ્યવસ્થાતંત્રમાં મોટી સંખ્યામાં નાની સંસ્થાઓથી લઈને મધ્યમ-કદની સંસ્થાઓ છે. નવેમ્બર 2009 મુજબ, શાખાઓની અનિશ્ચિત સંખ્યા ધરાવતી 140 નાની બૅન્કો ઉપરાંત ચીનની 4 ટોચની બૅન્કો 67,000 શાખાઓનો (ICBC:18000+, BOC:12000+,CCB:13000+,ABC:24000+) અતિરેક નોંધાવ્યો હતો. જાપાન 129 બૅન્ક અને 12,000 શાખાઓ ધરાવે છે. 2004માં, જર્મની, ફ્રાંસ અને ઈટાલી દરેકમાં 30,000થી વધુ શાખાઓ હતી જે યુકેની 15,000 શાખાઓ કરતાં બમણાથી વધુ હતી.[8]
અવારનવાર બૅન્કના વ્યવસ્થાતંત્રમાં કટોકટી ઊભી કરી શકે તેવા અનેક પ્રકારનાં જોખમો પ્રત્યે બૅન્ક સંવેદનશીલ હોય છે. તેમાં પ્રવાહિતાનું જોખમ (જયારે અનેક થાપણદારો ઉપાડ માટે વિનંતી કરે અને તે ઉપલબ્ધ ભંડોળ કરતાં વધુ હોય), ધિરાણ જોખમ (ૠણદાતાઓ તેમણે પાછું આપવું ઘટે તેટલું ૠણ બૅન્કને ચૂકવે નહીં તેવી શકયતા), અને વ્યાજદર જોખમ (જો વધતા વ્યાજદરના કારણે બૅન્કને તે લોન આપવા સામે જેટલું વ્યાજ મેળવે છે તેના પ્રમાણમાં તેની થાપણો પર વધુ વ્યાજ ચૂકવવાની ફરજ પડે અને તેથી બૅન્ક ખોટમાં જાય તેવી સંભાવના). સમગ્ર ઇતિહાસમાં અનેક વખત બૅન્કિંગ કટોકટી ઊભી થતી જોવા મળી છે, પણ સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રને ભરડામાં લેતાં જોખમો એક કે તેથી વધુ વખત વાસ્તવિકરૂપ લઈ શકયા છે. મહામંદી દરમ્યાન જોવા મળેલી બૅન્કોની નાદારી, 1980ના દાયકાની યુ.એસ. બચત અને લોન કટોકટી અને 1990ના દાયકાના પૂર્વાર્ધમાં, 1990ના દાયકાની જાપાનીઝ બૅન્કિંગ કટોકટી અને 2000ના દાયકામાંની સબપ્રાઈમ ગીરો (મોર્ટિગેજ) કટોકટી તેનાં જાણીતાં ઉદાહરણો છે. સામાન્ય રીતે, સરકાર બચાવ આયોજન અથવા વ્યકિતગત જાહેર હસ્તક્ષેપથી બૅન્કોને બચાવી લે છે.[9]
યુનાઈટેડ સ્ટેટ્સમાં, બૅન્કિંગ ઉદ્યોગ સઘન નિયંત્રણ ધરાવતો ઉદ્યોગ છે, જે વિસ્તૃત અને કેન્દ્રિત નિયંત્રકોના હાથમાં છે. એફડીઆઈસી(FDIC)-વીમાકૃત થાપણો ધરાવતી તમામ બૅન્કો, એફડીઆઈસી(FDIC)ના નિયંત્રણ હેઠળ છે; જો કે, ઝીણવટીભરી તપાસ માટે,[સ્પષ્ટતા જરુરી] ફેડ-સભ્ય સ્ટેટ બૅન્કો માટે ફેડરલ રિઝર્વ એ મુખ્ય ફેડરલ નિયમનકર્તા છે; રાષ્ટ્રીય બૅન્કો માટે ઑફિસ ઓફ ધ કન્ટ્રોલર ઓફ ધ કરન્સી (“OCC”- ચલણી નાણાનું નિયંત્રણ કરતું કાર્યાલય) મુખ્ય ફેડરલ નિયમનકર્તા છે; અને કરકસર માટે ઑફિસ ઓફ થ્રિફટ સુપરવિઝન, અથવા OTS, એ મુખ્ય ફેડરલ નિયમનકર્તા છે. રાજયની સભ્ય ન હોય તેવી બૅન્કોની તપાસ રાજયની એજન્સીઓ તેમ જ એફડીઆઈસી(FDIC) દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય બૅન્કો માત્ર એક જ મુખ્ય નિયમનકર્તા હેઠળ હોય છે- ઓસીસી (OCC). દરેક નિયમન એજન્સી તેના પોતાના નિયમો અને કાયદાઓ ધરાવે છે, જેનું બૅન્ક અને બચત સંસ્થાઓએ (thrift) ચુસ્તપણે પાલન કરવું રહે છે. નાણાકીય સંસ્થાઓની ફેડરલ તપાસ માટે એકસરખા સિદ્ધાન્તો, ધોરણો અને અહેવાલ માટેના પત્રકો સૂચવવા માટે 1979માં એક ઔપચારિક અંતઃએજન્સી ફેડરલ ફાયનૅન્શિયલ ઈન્સ્ટિટયૂશન્સ એકઝામિનેશન કાઉન્સિલ(FFIEC)ની સ્થાપના કરવામાં આવી હતી. અલબત્ત, એફએફઆઈઈસી(FFIEC)ના પરિણામે એજન્સીઓ વચ્ચે નિયમન અંગે સારા એવા પ્રમાણમાં સાતત્યતા આવી શકી હતી, છતાં તેના નિયમો અને કાયદાઓ સતત બદલાતા રહે છે.
બદલાતા નિયમો ઉપરાંત, ઉદ્યોગોમાં આવતા બદલાવો ફેડરલ રિઝર્વ, એફડીઆઈસી(FDIC), ઓટીએસ(OTS) અને ઓસીસી(OCC)ને આંતરિક એકત્રીકરણ તરફ દોરી ગયા. કાર્યાલયો બંધ કરી દેવામાં આવ્યા, દેખરેખ માટેના ક્ષેત્રોનું વિલિનીકરણ કરીને એક કરી દેવાયા, કર્મચારીઓનના સ્તર ઘટાડી દેવામાં આવ્યા અને બજેટ પર કાપ મૂકવામાં આવ્યો. બચેલા નિયમનકર્તાઓના માથે કામનો વધુ બોજો અને પ્રત્યેક નિયમનકર્તાના ભાગે વધુ બૅન્કો આવી. એક તરફ બૅન્કો બદલાતા રહેતા નિયમન વાતાવરણ સાથે તાલમાં રહેવાનો સંઘર્ષ કરે છે, તો બીજી તરફ નિયમનકર્તાઓ તેમનું કામનું ભારણ વહેંચવા અને તેમની બૅન્કોનું અસરકારક નિયમન કરવા સંઘર્ષ કરે છે. આ ફેરફારોની અસર રૂપે બૅન્કોને હવે નિયમનકર્તાઓ તરફથી પ્રત્યક્ષ ઓછા દંડ મળે છે, દરેક સંસ્થા પાછળ ઓછો સમય અપાય છે, અને તિરાડોમાંથી વધુ ને વધુ સમસ્યાઓ સરી જતી હોવાની સંભાવનાઓ વધી છે, જેના સંભવતઃ પરિણામરૂપે સમગ્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં એકંદરે બૅન્કો નિષ્ફળ નીવડવાનું પ્રમાણ વધ્યું છે.
બૅન્ક અને બચત સંસ્થાઓ પર બદલાતા આર્થિક વાતાવરણનો નોંધપાત્ર પ્રભાવ જોવા મળે છે, લોન પર ઓછો વ્યાજદર મેળવવા છતાં ગ્રાહકોને આપવાનો વ્યાજદર અસરકારક રીતે જાળવી રાખવાનો, થાપણો પર વ્યાજ દર માટેની હરિફાઈ અને એકંદર બજારના બદલાવો, ઉદ્યોગના વહેણો અને આર્થિક અસ્થિરતા સામે ટકી રહેવા માટે તે સંઘર્ષ કરી રહ્યા છે. તાજેતરના આર્થિક બજારને અનુરૂપ પોતાની વિકાસ-વ્યૂહનીતિઓ અસરકારક રીતે ગોઠવવી એ બૅન્કો સમક્ષનો મોટો પડકાર છે. વધતા વ્યાજદરના વાતાવરણથી નાણાકીય સંસ્થાઓને મદદ મળતી લાગી શકે, પણ ગ્રાહકો અને વેપાર-ઉદ્યોગ પર કેવી અસર થશે તે ભાખી શકાય તેમ નથી, અને તેથી જ બૅન્કો સામે વિકસવાનો અને અસરકારક રીતે પ્રસરીને પોતાના શેરહોલ્ડરો માટે વકરો પેદા કરવાનો પડકાર ઊભો જ રહે છે.
આજની આર્થિક સ્થિતિમાં બૅન્કની અસ્કયામતોના પોર્ટફોલિયોનું મૅનેજમેન્ટ પણ એક પડકાર સમું રહે છે. લોન એ બૅન્કનો મુખ્ય અસ્કયામત વિભાગ છે અને જયારે લોનની ગુણવત્તા શંકાને પાત્ર બને, ત્યારે બૅન્કનો પાયો સંપૂર્ણપણે હચમચી જાય છે. બૅન્ક માટે હરહંમેશનો, અસ્કયામતોની ઘટતી જતી ગુણવત્તાનો પ્રશ્ન, નાણાકીય સંસ્થાઓ માટે એક મોટી સમસ્યારૂપ બની ગયો છે. તેની પાછળ અમુક કારણો છે, એક તો "સારા સમય"ના પોતાનાં વર્ષો દરમ્યાન બૅન્કોએ ધારણ કરેલો શિથિલ અભિગમ છે. કેટલાક કિસ્સાઓમાં વ્યવસ્થાપનનું ઊંડાણ અને બૅન્કો પર રાખવામાં આવતી નિયમન દેખરેખમાં ઘટાડાના કારણે સંભવતઃ આ અભિગમને ઉત્તેજન મળ્યું હશે. સમસ્યાઓ સરી જવા માટે, નહીં પકડાવા માટે પૂરતું વાતાવરણ હતું, પણ જયારે તે પરખાય ત્યારે બૅન્ક પર તેની નોંધપાત્ર અસર થઈ ચૂકી હોય. તે ઉપરાંત, બીજા કોઈ પણ ઉદ્યોગધંધાની જેમ, બૅન્કોએ પણ કિંમતો પર કાપ મૂકવાનો સંઘર્ષ આદર્યો છે, જેમાં કર્મચારીઓને પૂરતી તાલીમ આપવાના કાર્યક્રમો જેવા કેટલાક ખર્ચાઓને ધીમે ધીમે બાકાત કરી દેવામાં આવે છે.
માલિકી જૂથોનું વૃદ્ધત્વ જેવા અનેક બીજા પડકારોનો સામનો પણ બૅન્કે કરવો રહે છે. સમગ્ર દેશમાં, અનેક બૅન્કની વ્યવસ્થાપન ટીમો અને નિર્દેશકોનું મંડળ વૃદ્ધ થતા જાય છે. આવક અને વિકાસના આલેખેલાં અનુમાનો હાંસલ કરવા માટે જાહેર અને ખાનગી એમ બંને શેરહોલ્ડરો તરફથી બૅન્કે સતત દબાણનો પણ સામનો કરવો પડે છે. વિવિધ વર્ગના જોખમને કાબૂમાં રાખવા માટે નિયમનકર્તાઓ પણ બૅન્ક પર વધારાનું દબાણ ઊભું કરે છે. બૅન્કિંગ એ અત્યંત સ્પર્ધાત્મક ઉદ્યોગ છે. વીમા એજન્સીઓ, ક્રેડિટ યુનિયનો, ચેક કેશિંગ સર્વિસિસ, ક્રેડિટ કાર્ડ કંપનીઓ વગેરેના પ્રવેશથી નાણાકીય સેવાઓના ઉદ્યોગની હરિફાઈમાં ટકી રહેવું મુશ્કેલ બનતું જાય છે. તેની પ્રતિક્રિયારૂપે, બૅન્કોએ દલાલી અને વેપાર જેવા નાણાકીય બજારના કામકાજ થકી નાણાકીય સાધનોમાં પોતાની પ્રવૃત્તિઓ વિકસાવીને તેમાં મહત્તા હાંસલ કરી છે.
રોકાણકારો વતી મોટી રકમ બૅન્કમાં થાપણ તરીકે જમા કરનાર દલાલો એ બૅન્ક માટે થાપણોનો એક સ્રોત છે. આ નાણા સામાન્ય રીતે એવી બૅન્કોને મળે છે જે સૌથી અનુકૂળ અને મોટા ભાગે સ્થાનિક થાપણ સ્વીકારનારાઓ કરતાં સારી શરતો રજૂ કરતી હોય. બૅન્ક માટે એક પણ સ્થાનિક થાપણ વિના, તમામ થાપણો દલાલ થકી મેળવીને ઉદ્યોગમાં રહેવું શકય છે. આ પ્રકારની થાપણો નોંધપાત્ર સંખ્યામાં સ્વીકારવી, અથવા કયારેક જેમ તેને "હોટ મની" કહેવામાં આવે છે તે બૅન્કને મુશ્કેલ અને કયારેક જોખમી સ્થિતિમાં મૂકી દે છે, કારણ કે દલાલો થકી આવતી થાપણો માટેનો ઊંચો વ્યાજદર ચૂકવવા પૂરતો વકરો કરી શકે એ રીતે આ ભંડોળને ધીરવું અથવા રોકવું જરૂરી હોય છે. કયારેક તે જોખમી નિર્ણયોમાં અને છેવટે બૅન્કની નિષ્ફળતામાં સુદ્ધાં પરિણમી શકે છે. 2008 અને 2009માં વૈશ્વિક આર્થિક કટોકટી દરમ્યાન યુનાઈટેડ સ્ટેટ્સમાં નિષ્ફળ પુરવાર થયેલી બૅન્કો, સરેરાશ બૅન્ક કરતાં ચાર ગણી વધુ દલાલો થકી આવેલી થાપણો ધરાવતી હતી. જોખમી રીયલ એસ્ટેટ રોકાણોમાં આવી થાપણનું રોકાણ 1980ના દાયકાની બચત અને લોન કટોકટી માટે કારણભૂત બની હતી. દલાલો થકી આવતી થાપણો પરના નિયમનનો બૅન્કોએ વિરોધ કર્યો હતો, તેમની દલીલ હતી કે વિકસતાં સમુદાયોમાં જયાં હજી પૂરતી સ્થાનિક થાપણો નથી હોતી ત્યાં આ પદ્ધતિ બાહ્ય ભંડોળનો સ્રોત બની શકે છે.[10]
એક બૅન્ક પોતાની થાપણો પર અને ભંડોળના અન્ય સ્રોતો પર જે કક્ષાનું વ્યાજ ચૂકવે છે અને પોતાની ધીરવાની પ્રવૃત્તિઓમાંથી જે કક્ષાનું વ્યાજ મેળવે છે તેના તફાવતથી તેનો નફો નક્કી થતો હોય છે. આ તફાવતને ભંડોળની કિંમત અને લોન વ્યાજ દર વચ્ચે સ્પ્રેડ (spread) તરીકે સંબોધવામાં આવે છે. ઐતિહાસિક રીતે, ધીરવાની પ્રવૃત્તિઓમાંથી થતો નફો ચક્રીય હોય છે અને લોન ગ્રાહકોની જરૂરિયાતો અને શકિતઓ પર આધાર રાખતો હોય છે. હમણાં તાજેતરમાં જ, રોકાણકારોએ આવકના વધુ સ્થિર પ્રવાહની માંગ કરી છે અને તેથી બૅન્કોએ વિનિમય શુલ્ક, પ્રાથમિક લોન શુલ્ક વગેરે પર વધુ ભાર મૂકયો છે અને તેમાં થાપણના હારબંધ કામકાજો અને આનુષંગિક સેવાઓ (આંતરરાષ્ટ્રીય બૅન્કિંગ, વિદેશી વિનિમય, વીમો, રોકાણ, વાયર ટ્રાન્સફર, વગેરે) પર સેવા શુલ્ક રાખવા પર વધુ ભાર મૂકયો છે. જો કે, હજી પણ વાણિજય બૅન્કની આવકનો મોટો હિસ્સો ધીરધારની પ્રવૃત્તિઓમાંથી આવે છે.
છેલ્લાં 20 વર્ષોમાં બજારની વધુ ને વધુ બદલાતી પરિસ્થિતિઓને પ્રતિભાવ આપતાં આપતાં પણ નફાકારક બની રહેવા માટે અમેરિકી બૅન્કોએ અનેક પગલાં લીધાં છે. સૌથી પહેલું, ગ્રામ-લિચ-બલિલેય ધારો (Gramm-Leach-Bliley Act), જે બૅન્કને ફરીથી રોકાણ અને વીમા ગૃહો સાથે વિલનીકરણ કરવાની છૂટ આપે છે. બૅન્કિંગ, રોકાણ અને વીમાને લગતાં કાર્યો ભેગાં કરવાથી પરંપરાગત બૅન્કોને ગ્રાહકોની "વન-સ્ટોપ શોપિંગ"ની વધતી જતી માંગને પહોંચી વળવાનો અને તેમને એકબીજાનાં ઉત્પાદનો વેચવાનો (જેનાથી નફાકારકતા પણ વધશે એવી બૅન્કોને આશા છે) મોકો મળે છે. બીજું, વેપારી ધિરાણમાંથી જોખમ-આધારિત કિંમતનો ઉપયોગ ઉપભોકતા ધિરાણ સુધી વિસ્તારવામાં આવ્યો છે, જેનો અર્થ એમ થયો કે જે ગ્રાહકો ઊંચું ધિરાણ જોખમ ધરાવતા હોય અને તેથી લોન પાછી વાળવાની બાબતમાં કસૂરદાર પુરવાર થવાની વધુ શકયતાઓ ધરાવતા હોય તેમને ઊંચો વ્યાજ દર લાગુ પાડી શકાય. આનાથી ખરાબ લોનોમાંથી ઊભી થયેલી ખોટને સરભર કરવામાં મદદ થાય છે, જે ધિરાણ બાબતે સારો ઇતિહાસ ધરાવતા હોય તેમને નીચા દરે લોન મળી શકે છે અને ઊંચું જોખમ ધરાવતા ગ્રાહકોને, જેમને ધિરાણ માટે નકારી દેવામાં આવત તેમને પણ ધિરાણ ઉત્પાદનો આપી શકાય છે. ત્રીજું, સામાન્ય પ્રજા અને ધંધાદારી ગ્રાહકો માટે ચૂકવણી પ્રક્રિયાની પદ્ધતિઓ વધારીને ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉત્પાદનોમાં ડેબિટ કાર્ડ (ઉપાડ કાર્ડ), પ્રિપેઈડ કાર્ડ (આગોતરી ચૂકવણીનું કાર્ડ), સ્માર્ટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે. તેમણે ગ્રાહકો માટે સગવડભરી રીતે વિનિમય-વહેવાર કરવા સરળ બનાવ્યા છે અને સમય જતાં તેમના વપરાશને નિર્વિધ્ન બનાવ્યો છે (અવિકસિત નાણાકીય વ્યવસ્થાતંત્રો ધરાવતા કેટલાક દેશોમાં, હજી પણ ચુસ્ત પણે રોકડમાં જ વ્યવહાર કરવો સામાન્ય છે, એટલે કે ઘર ખરીદવા રોકડ રકમ ભરેલી પેટી લઈને જવું ત્યાં સામાન્ય છે). અલબત્ત, સહેલાઈથી મળતા ધિરાણની સગવડતાના કારણે એવું જોખમ પણ વધ્યું છે કે ગ્રાહકો તેમના નાણાકીય સ્રોતોનું ગેરવ્યવસ્થાપન કરે અને અતિશય દેવું એકઠું કરે. ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતી ચૂકવણીઓ પર વ્યાજ થકી અને ગ્રાહકો પાસેથી કાર્ડનું શુલ્ક લઈને તથા ક્રેડિટ કાર્ડ સ્વીકારનારી કંપનીઓ પાસેથી વિનિમયનું શુલ્ક લઈને બૅન્કો કાર્ડ ઉત્પાદનોમાંથી નાણા કમાઈ રહી છે. નફો રળવા અને સમગ્રપણે આર્થિક વિકાસ માટે તે મદદરૂપ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.